વહીવટ સક્ષમ બનાવવા વિસ્તરણ અધિકારી અને ઇજનેરોની નવી જગ્યાઓ ભરાશે
ખાસ-ખબર ન્યૂઝ ગાંધીનગર
- Advertisement -
રાજ્યમાં ગ્રામ્ય વિકાસને વધુ મજબૂત બનાવવા માટે સરકાર દ્વારા મોટા પાયે આયોજન કરવામાં આવ્યું છે. વિધાનસભા ગૃહમાં પંચાયત અને ગ્રામ ગૃહ નિર્માણ વિભાગની અંદાજપત્રીય અનુદાનોની માંગણીઓ પસાર થતાં ગ્રામ્ય વિકાસના અનેક મહત્વપૂર્ણ પ્રોજેક્ટોને લીલી ઝંડી મળી છે. પંચાયત મંત્રી ઋષિકેશ પટેલે જણાવ્યું હતું કે રાજ્યમાં પંચાયત સેવાના વિવિધ સંવર્ગોમાં અંદાજે 6000થી વધુ જગ્યાઓ માટે આ વર્ષે ભરતી પ્રક્રિયા હાથ ધરવામાં આવશે, જેના કારણે ગ્રામ્ય વહીવટ વધુ સક્ષમ બનશે.
મંત્રીએ જણાવ્યું કે વર્ષ 2026-27ના બજેટમાં રૂ.1070.52 કરોડનો વધારો કરીને પંચાયત વિભાગ માટે રૂ.9378.78 કરોડ અને ગ્રામ વિકાસ પ્રભાગ માટે રૂ.5479.07 કરોડની જોગવાઈ કરવામાં આવી છે. આ રીતે બંનેને મળીને કુલ રૂ.14,857.85 કરોડનું વિશાળ બજેટ ગ્રામ્ય વિકાસ માટે ફાળવવામાં આવ્યું છે. ઉપરાંત આરોગ્ય, શિક્ષણ અને આઈસીડીએસ જેવા અન્ય વિભાગો દ્વારા પણ ગ્રામ્ય કક્ષાની સુવિધાઓ મજબૂત બનાવવા અલગથી બજેટ ફાળવવામાં આવે છે.
ગ્રામ્ય સ્વચ્છતા અને કચરા વ્યવસ્થાપનને પ્રાથમિકતા આપતા રાજ્ય સરકારે રૂ.650 કરોડના ખર્ચે મુખ્યમંત્રી નિર્મળ ગ્રામ યોજના શરૂ કરી છે. આ યોજના હેઠળ ડોર-ટુ-ડોર કચરા સંગ્રહ, ઘન કચરા પ્રક્રિયા એકમો, કોમ્પોસ્ટિંગ અને ગ્રામ્ય સ્વચ્છતા અભિયાનને એકીકૃત માળખામાં અમલમાં મૂકવામાં આવશે.ગામોમાં સામૂહિક પ્રવૃત્તિઓ અને સામાજિક કાર્યક્રમો માટે આધુનિક સુવિધાસભર અટલવાડીના નિર્માણ માટે વર્ષ 2026-27માં રૂ.60 કરોડની જોગવાઈ કરવામાં આવી છે. આ અટલવાડીઓમાં ગ્રામસભા, યુવા અને મહિલા મંડળોની બેઠક તેમજ વિવિધ સામાજિક કાર્યક્રમો યોજી શકાશે. ગ્રામ્ય માળખાગત વિકાસને મજબૂત બનાવવા માટે વર્ષ 2026-27માં ગ્રામ પંચાયત ઘર કમ તલાટી કમ મંત્રી આવાસના નિર્માણ માટે રૂ.406.21 કરોડ તથા વિવિધ વહિવટી ભવનોના નિર્માણ માટે રૂ.403.19 કરોડની જોગવાઈ કરવામાં આવી છે. વિકાસ કામોની ગુણવત્તા અને કાર્યક્ષમતામાં વધારો થાય તે માટે રાજ્ય સરકારે વિકાસ કમિશનર કચેરી ખાતે પ્રોજેક્ટ મેનેજમેન્ટ યુનિટ તથા દરેક જિલ્લામાં પ્રોજેક્ટ મેનેજમેન્ટ ક્ધસલટન્સી સ્થાપવાની વ્યવસ્થા પણ કરી છે, જેના માટે રૂ.7.20 કરોડની જોગવાઈ કરાઈ છે. વધતા વિકાસકાર્યો અને વહીવટી કામગીરીને ધ્યાનમાં રાખીને રાજ્ય સરકારે 127 વિસ્તરણ અધિકારી અને 222 મદદનીશ ઇજનેરની નવી જગ્યાઓ ઊભી કરી છે, જેના માટે અંદાજે રૂ.6.66 કરોડનો વાર્ષિક ખર્ચ થશે. ઉપરાંત બનાસકાંઠાના વિભાજન બાદ રચાયેલા વાવ-થરાદ જિલ્લામાં જિલ્લા પંચાયત તથા 17 તાલુકા પંચાયતો માટે પણ નવી જગ્યાઓ મંજૂર કરવામાં આવી છે. ગ્રામ્ય લોકશાહી મજબૂત બનાવવા અમલમાં રહેલી ‘સમરસ ગ્રામ યોજના’ હેઠળ અત્યાર સુધીમાં રાજ્યના 15,554 ગામોને સમરસ ગામ તરીકે જાહેર કરવામાં આવ્યા છે. વર્ષ 2026-27 માટે આ યોજના માટે રૂ.70 કરોડની જોગવાઈ કરવામાં આવી છે.
રાજ્યમાં 1,639 મેળા યોજાયા
ગુજરાતના વિકાસ મોડલમાં ગરીબ કલ્યાણ મેળાઓ પણ મહત્વપૂર્ણ ભૂમિકા ભજવી રહ્યા છે. રાજ્યમાં અત્યાર સુધી 1,639 મેળાઓ યોજાઈ ચૂક્યા છે, જેમાં 191.12 લાખ લાભાર્થીઓને રૂ.41,368.97 કરોડની સીધી સહાય આપવામાં આવી છે. પંચાયતોના કાર્યક્ષમ મૂલ્યાંકન માટે ભારત સરકાર દ્વારા અમલમાં મુકાયેલા પંચાયત એડવાન્સમેન્ટ ઇન્ડેક્સ (ઙઅઈં)માં પણ ગુજરાત આગવું સ્થાન ધરાવે છે. સમગ્ર દેશમાં ઙઅઈં-અ કેટેગરીમાં આવેલી 699 ગ્રામ પંચાયતોમાંથી 346 ગ્રામ પંચાયતો ગુજરાતની છે, જે રાજ્યના ગ્રામ્ય વિકાસના મોડલને ઉજાગર કરે છે. તે ઉપરાંત ગ્રામ્ય વિસ્તારોમાં શહેર જેવી સુવિધાઓ ઉપલબ્ધ કરાવવા માટે મુખ્યમંત્રી ગ્રામોત્થાન યોજના અંતર્ગત વર્ષ 2025-26માં તાલુકા મુખ્ય મથક હોવા છતાં નગરપાલિકા ન ધરાવતા 114 ગ્રામ પંચાયતોના સર્વાંગી વિકાસ માટે રૂ.100 કરોડની નવી યોજના અમલમાં મૂકવામાં આવી છે.



