નેશનલ લેવલે વેઇટલિફ્ટિંગમાં દેવગઢની દીકરીનો ડંકો
ખાસ-ખબર ન્યૂઝ જૂનાગઢ, તા.1
- Advertisement -
રમતગમત ક્ષેત્રે ગુજરાતની દીકરીઓ પણ અગ્રેસર છે, તેનું ઉત્તમ ઉદાહરણ જૂનાગઢ જિલ્લાના મેંદરડા તાલુકાના નાનકડા એવા દેવગઢ ગામની દીકરી મિત્તલ પ્રતાપસિંહ પટગીરે પૂરું પાડ્યું છે.
મેંદરડાની સરસ્વતી સ્કૂલમાં ધોરણ 12માં અભ્યાસ કરતી મિત્તલ પટગીરને બાળપણથી જ ખેલકૂદ સ્પર્ધાઓમાં વિશેષ રૂચિ રહી છે. તેણે અગાઉ જિલ્લા કક્ષાએ વેઇટલિફ્ટિંગમાં પ્રથમ સ્થાન મેળવી ગુજરાત કક્ષાએ સિલેક્શન પ્રાપ્ત કર્યું હતું. તાજેતરમાં અરુણાચલ પ્રદેશના ઈટાનગર ખાતે 69મી નેશનલ સ્કૂલ ગેમ (2025-26) વેઇટલિફ્ટિંગ ગર્લ્સ સ્પર્ધાનું ભવ્ય આયોજન કરવામાં આવ્યું હતું. આ રાષ્ટ્રીય કક્ષાની સ્પર્ધામાં મિત્તલ પટગીરે અંડર-17 કેટેગરીમાં 77 કિલો વેઇટલિફ્ટિંગ સ્પર્ધામાં સફળતાપૂર્વક ભાગ લીધો હતો. સખત મહેનત અને અથાગ પ્રયાસોના પરિણામે મિત્તલે નેશનલ લેવલે 21મો રેન્ક પ્રાપ્ત કરીને ઉત્કૃષ્ટ સિદ્ધિ નોંધાવી છે. રાષ્ટ્રીય સ્તરે આ સફળતા મેળવીને તેણે માત્ર જુનાગઢ જિલ્લાનું જ નહીં, પરંતુ સમગ્ર ગુજરાત રાજ્યની સાથે કાઠી સમાજ પરિવારનું ગૌરવ પણ વધાર્યું છે. તેની આ નોંધપાત્ર સિદ્ધિ બદલ સ્કૂલના આચાર્ય, શિક્ષકો અને પરિવારજનો તરફથી મિત્તલને શુભેચ્છાઓ અને અભિનંદન પાઠવવામાં આવ્યા હતા.



