તા.23મી સુધી ઘેર ઘેર જઈને, સ્લમ એરિયા, બાંધકામ સાઈટ સહિતની જગ્યાએ બાળકોને શોધશે શિક્ષકો…
આચાર્યો, શિક્ષકો, BRC, CRC સહિત શિક્ષા વિભાગના તમામ સ્ટાફને આ સરવેમાં જોડાશે
ખાસ-ખબર ન્યૂઝ રાજકોટ
- Advertisement -
સમગ્ર શિક્ષા અંતર્ગત દર વર્ષે જુદા જુદા કારણોથી શાળા છોડી ગયેલા કે અન્ય કારણોસર શાળાએ ન જતા 06થી 18 વર્ષની વય જૂથના બાળકો અને જેવો પોતાનું ધોરણ 1થી 12નું શિક્ષણ પૂર્ણ કરી શક્યા નથી તેવા બાળકોનો સર્વે કરી તેમની ઓળખ, નામાંકન અને મુખ્ય ધારામાં જોડાણ અને શૈક્ષણિક પુનર્વસન માટેની કામગીરી કરવામાં આવે છે. જે અંતર્ગત રાજકોટ જિલ્લામાં શાળા કક્ષાએ 14થી 23 નવેમ્બર સુધી સરવે હાથ ધરવામાં આવનાર છે. તેનો મુખ્ય ઉદ્દેશ્ય એ છે કે, 6થી 18 વર્ષની વયના કોઈપણ બાળક શિક્ષણથી વંચિત ન રહે અને દરેકને ફરી શાળાની મુખ્ય ધારા સાથે જોડવામાં આવે. સરવે દરમિયાન એવા બાળકોની ઓળખ કરવામાં આવશે જેઓ વિવિધ કારણોસર શાળામાંથી છૂટી ગયા છે અથવા ધોરણ 1થી 12 સુધીનું શિક્ષણ પૂર્ણ કરી શક્યા નથી.
આવા બાળકોનું પુન: નામાંકન કરાવવું અને તેમને શૈક્ષણિક રીતે પુનર્વસિત કરાવવાનું કાર્ય સમગ્ર શિક્ષા અંતર્ગત હાથ ધરાશે. જિલ્લા પ્રાથમિક શિક્ષણ અધિકારી તથા સમગ્ર શિક્ષાના જિલ્લા પ્રોજેક્ટ કો-ઓર્ડિનેટરે તમામ સરકારી વિભાગો, એનજીઓ, સામાજિક સંસ્થાઓ અને સામાન્ય નાગરિકોને આ અભિયાનમાં સહભાગી થવા અપીલ કરી છે. તેઓએ જણાવ્યું છે કે, જો કોઈ શાળા બહારનું બાળક જોવા મળે તો તેની જાણ નજીકની સરકારી શાળા, ક્લસ્ટર અથવા તાલુકા કક્ષાના બીઆરસી ભવન ખાતે કરવી જોઈએ જેથી તેનું નામ નોંધાઈ શકે અને તેને શિક્ષણની મુખ્ય ધારા સાથે જોડવામાં આવી શકે. સરવે પૂર્ણ થયા બાદ એકત્રિત માહિતીના આધારે બાળકોના નામાંકન અને શૈક્ષણિક પુનર્વસન માટેની પ્રક્રિયા હાથ ધરવામાં આવશે. આ અભિયાનના અંતે જૂન 2026માં શરૂ થનારા નવા શૈક્ષણિક સત્રથી આ તમામ બાળકોને નજીકની સરકારી શાળાઓમાં દાખલ કરવામાં આવશે.
ગયા વર્ષે રાજ્યમાં આશરે 1.15 લાખ બાળકો મળ્યા હતા
ગુજરાતમાં જે બાળકો ધોરણ 1થી 12નું શિક્ષણ પૂરું કરી શક્યા નથી તેવા ગયા વર્ષે 1.15 લાખ બાળકો મળી આવ્યા હતા જેમાં રાજકોટના પણ આશરે 2 હજાર બાળકોનો સમાવેશ થાય છે. આ તમામને ફરી શૈક્ષણિક પ્રવાહમાં જોડવા શિક્ષણ વિભાગે તમામ પ્રાથમિક અને માધ્યમિક શાળાના આચાર્યોને આદેશ આપ્યા છે. ચાલુ મહિને જ આ ડ્રોપઆઉટ બાળકોનો એક મોટો સરવે શરૂ કરાયો છે જેમાં આચાર્યો, શિક્ષકો, બીઆરસી, સીઆરસી સહિત શિક્ષા વિભાગના તમામ સ્ટાફને આ સરવેમાં જોડવા જણાવાયું છે. જે અંતર્ગત કોર્પોરેશનની શાળાઓ દ્વારા જુદા જુદા કારણોસર શાળા બહાર રહેલ 6થી 18 વર્ષની વય જૂથના બાળકો કે જેઓ પોતાનું ધોરણ 1થી 12નું શિક્ષણ પૂર્ણ કરી શકયા નથી તેવા બાળકોનો સરવે 30 એપ્રિલ સુધી કરવામાં આવશે.
- Advertisement -
કેવી રીતે સરવે કરાશે, ક્યાં ક્યાં સ્થળોએ સરવે થશે
આ સરવેની કામગીરી સુવ્યવસ્થિત રીતે પાર પાડવા માટે એક વિસ્તૃત ટીમની રચના કરવામાં આવી છે.
સરકારી શાળાના આચાર્ય ટીમ લીડર તરીકે જવાબદારી સંભાળશે.
આચાર્યની સૂચના અનુસાર શિક્ષકો, બાળમિત્રો અને આંગણવાડી કાર્યકરોની ટીમ બનાવવામાં આવી છે.
આ ટીમો સ્લમ વિસ્તાર, ઝૂંપડપટ્ટી, રેલવે સ્ટેશન, બસ સ્ટેશન, ધાર્મિક સ્થળો ફેક્ટરી વિસ્તાર અને વર્ક સાઇટ્સ સહિતના વિસ્તારોમાં જઈને સઘન સરવે કરશે.



