ગિરનારની ગોદમાં દિવ્ય કથાનો 6 નવેમ્બરથી પ્રારંભ
ખાસ-ખબર ન્યૂઝ જૂનાગઢ, તા.4
પ્રકૃતિ અને ઈશ્વરનો જ્યાં સાક્ષાત્કાર જોવા મળે છે, તેવા તીર્થભૂમિ ગિરનાર ક્ષેત્રમાં આવેલા દાતારેશ્વર મહાદેવના સાનિધ્યમાં કારતક વદ એકમ, તારીખ 6-11-2025 ગુરુવારથી શ્રીમદ્ ભાગવત અમૃતધારા કથાનો દિવ્ય પ્રારંભ થવા જઈ રહ્યો છે. ગિરનાર તળેટીથી બે કિલોમીટર દૂર આવેલા આમકુ બીટમાં આવેલ કાશ્મીરી બાપુના આશ્રમ ખાતે આ ધાર્મિક આયોજન થશે, જ્યાં દિવ્ય-ભાવ કથાનું શ્રવણ અધ્યાત્મ ચેતના બનશે.
- Advertisement -
મહંતશ્રી 1008 નર્મદાપુરી માતાજીએ જણાવ્યું હતું કે, વર્ષો પહેલા કૈલાસવાસી સંત શિરોમણી ગુરુ મહારાજ કાશ્મીરી બાપુએ આ જગ્યામાં અલખ જ્યોત જગાવી હતી, જેની ચેતનાની ઊર્જા આજે પણ ભાવિક ભક્તો અનુભવી રહ્યા છે. મહંતશ્રી નર્મદાપુરી માતાજી કાશ્મીરી બાપુના તેજપુંજને આગળ ધપાવીને પ્રકૃતિની ગોદમાં અવિરત અન્નક્ષેત્ર ચલાવી રહ્યા છે, જેનાથી દાતારેશ્વર મહાદેવ જગ્યાની મહત્તા વધી છે. સમગ્ર જીવ સૃષ્ટિના કલ્યાણ અર્થે આ સાત દિવસીય કથાનું આયોજન કરવામાં આવ્યું છે, જે ગુરુવાર, 6-11-2025 થી બુધવાર, 12-11-2025 સુધી ચાલશે. કથા સમય સવારે 9 થી 12 અને બપોરે 3 થી 6 દરમિયાન રહેશે જયારે વ્યાસપીઠ પર આચાર્ય શ્રી ડો. નિકુંજ મહારાજ ત્રિવેદી (ભાદરવા ગુરુ આશ્રમ) કથાનું રસપાન કરાવશે.
મહર્ષિ વેદવ્યાસ રચિત પુરાણોમાં મોખરે ગણાતા શ્રીમદ્ ભાગવત પુરાણના મહિમા, ભક્તિ, ઉપાસના રહસ્ય અને પૂજા પદ્ધતિનું નિરૂપણ ગિરનારની પાવન ભૂમિમાં સાંભળવાનો આ સુવર્ણ અવસર છે. કથા દરમિયાન ભાવિક ભક્તો માટે સવારે ચા-પાણી, નાસ્તો તેમજ બપોરે મહાપ્રસાદની વ્યવસ્થા કરવામાં આવી છે. મહંતશ્રી નર્મદાપુરી માતાજી તથા સેવકગણે સૌ ધર્મપ્રેમી જિજ્ઞાસુઓને આ કથાશ્રવણનો લાભ લેવા ભાવભર્યું નિમંત્રણ પાઠવ્યું છે.



