શરદી-ઉધરસના 867, તાવના 769, ઝાડા-ઉલટીના 109 સહિત વિવિધ રોગના દર્દીઓ નોંધાયા
મચ્છર ઉત્પતિ સબબ 411 પ્રિમાઈસીસમાં તપાસ: 4100 વહીવટી ચાર્જ વસુલાયો
ખાસ-ખબર ન્યૂઝ રાજકોટ
રાજકોટમાં મિશ્ર ઋતુનાં કારણે રોગચાળો વકરી રહ્યો છે. જેમાં ગત અઠવાડિયે ડેન્ગ્યુના 5 કેસ નોંધાયા છે. જ્યારે મેલેરિયા, ચિકનગુનિયાનાં એક પણ કેસ નોંધાયા નથી. સાપ્તાહિક પ્રાથમિક આરોગ્ય કેન્દ્રના અનુસાર રાજકોટ શહેરમાં શરદી-ઉધરસના 867, તાવના 769, ઝાડા-ઉલટીના 109 સહિત વિવિધ રોગના દર્દીઓ નોંધાયા છે. જેને લઈને આરોગ્ય વિભાગ વધુ સતર્ક બન્યું છે. શહેરનાં વિવિધ વિસ્તારોમાં પાણીમાં ક્લોરીનેશનની ચકાસણી તેમજ ફોગીંગ અને પોરા નાશક કામગીરી ઝડપી કરવામાં આવી છે. જોકે આંકડાઓ માત્ર સરકારી આરોગ્ય કેન્દ્રોનાં છે. ત્યારે નાના-મોટા ખાનગી ક્લિનિકો ધ્યાનમાં લઈએ તો દર્દીનો કુલ આંકડો વધુ હોવાની શક્યતા છે.
રોગચાળા દ્વારા ઊભા થતા આરોગ્ય પડકારને પહોંચી વળવા મહાનગરપાલિકા દ્વારા ઘનિષ્ઠ પ્રયાસો શરૂ કરાયા છે. જેમાં વાહક નિયંત્રણની કામગીરી હેઠળ 22થી 28 સપ્ટેમ્બર સુધી 34879 ઘરોમાં પોરાનાશક કામગીરી કરવામાં આવી હતી. તેમજ 925 જેટલા ઘરમાં ફોગીંગ સહિત કામગીરી કરવામાં આવી હતી. મચ્છરની ઘનતા વધુ હોય તેવા વિસ્તારમાં વ્હિકલ માઉન્ટેન ફોગીંગ મશીન ફોગીંગ કામગીરી કરવામાં આવી રહી છે.
આ ઉપરાંત રાજકોટ શહેરનાં વિવિધ વિસ્તારોમાં મચ્છર ઉત્પતિ સબબ બાંધકામ સાઇટ, સ્કૂલ, કોલેજો સહિત કુલ 411 પ્રિમાઈસીસમાં તપાસ કરવામાં આવી હતી. દરમિયાન રહેણાંકમાં 300 તો કોર્મશિયલમાં કુલ 102 જેટલા આસામીઓને નોટિસ ફટકારવામાં આવી હતી. આ પૈકી 9 આસામીઓ પાસેથી રૂ. 4100 વહીવટી ચાર્જ વસુલ કરવામાં આવ્યો હતો. આમ મહાપાલિકા તંત્ર દ્વારા સતત પ્રયાસો કરવામાં આવી રહ્યા છે. ત્યારે લોકો પણ સાવચેતી રાખે તે ખૂબ જરૂરી છે.
ઉલ્લેખનીય છે કે, મનપાનાં અથાગ પ્રય3ાસો છતાં પણ પાણીજન્ય રોગચાળો કાબુમાં આવતો નથી. તો લોકોએ પણ સાવચેતી રાખી ઉકાળેલું પાણી પીવાનો આગ્રહ રાખવો જોઈએ.
તેમજ બહારના ઠંડાપીણાનો ઉપયોગ બંધ કરવો જોઈએ. તેમજ પીવાના 20 લીટર પાણીમાં ક્લોરીનની 1 ગોળી નાખવી જોઈએ. આ ઉપરાંત પણ પાણીની ટાંકી તેમજ કુવાઓને સાફ અને સ્વચ્છ રાખવા સહિતની તકેદારી રાખવી પણ જરૂરી હોવાનું આરોગ્ય વિભાગ દ્વારા જણાવાયું છે. તેમજ તહેવારોમાં બહારનો ખોરાક આરોગવાથી લોકો બચે તે જરૂરી છે.
- Advertisement -



