ખાસ-ખબર ન્યૂઝ રાજકોટ
ખોખડદળ ગામમાં એક ગંભીર જમીન કૌભાંડ સામે આવ્યું છે, જેમાં સ્થાનિક પંચાયત સભ્યે ભારે કિંમતી સરકારી જમીન પર કબજો કરી પ્રાઇવેટ ઉપયોગ માટે લઈ લીધી હોવાનો આક્ષેપ છે. જાણવા મળ્યું છે કે, ગામની સીમાડે આવેલા અંદાજિત 10 વીઘા સરકારી પ્લોટ પર પંચાયત સભ્યએ ફેન્સિંગ કરીને તેનો ઉપયોગ ખાનગીરૂપે શરૂ કરી દીધો છે.
આ પ્લોટની કિંમત કરોડોમાં હોવાનું સ્થાનિક સૂત્રો જણાવે છે. જાણવા મળ્યું છે કે પંચાયત સભ્યે આ કૌભાંડ માટે ઉપપ્રમુખને વિશ્ર્વાસમાં લઈને કાર્યવાહી કરી છે. ધરાતળ પર પ્લોટની ચારે તરફ દીવાલ બાંધી દેવામાં આવી છે અને હવે તેનો ઉપયોગ વ્યક્તિગત રીતે થતો હોવાનું જાણવા મળી રહ્યું છે.
- Advertisement -
જમીનનો હવાલો સર્વે નં. 264 હેઠળ આવે છે, જેમાં 10 વીઘા જેટલી જમીન કબજામાં હોવાની માહિતી છે. આ આખી બાબત સામે આવતાં ગામમાં ચકચાર મચી ગઈ છે અને અનેક ગ્રામજનોમાં ગુસ્સો જોવા મળી રહ્યો છે. સ્થાનિક લોકોની માંગ છે કે તંત્રએ તાત્કાલિક તપાસ શરૂ કરીને સરકારી જમીનને ફરી જાહેર હસ્તકમાં લાવે અને જવાબદાર વિરુદ્ધ કાયદેસર કાર્યવાહી થાય.
આ મામલે હાલ સુધી કોઈ સત્તાવાર નિવેદન મળ્યું નથી, પણ તંત્રને લેખિતમાં રજૂઆતો કરવામાં આવી રહી છે. આગામી દિવસોમાં તંત્ર દ્વારા કાર્યવાહી થાય છે કે નહીં, એ જોવાનું રહેશે.



