2365 રોકાણકારો સાથે રૂા. 42 કરોડની છેતરપિંડી કરી
ખાસ-ખબર સંવાદદાતા
રામેશ્ર્વર શરાફી સહકારી મંડળીની રાજકોટ ટંકારા અને જામનગર જિલ્લામાં અલગ-અલગ સ્થળે આવેલી કરોડો રૂપિયાની મિલ્કત જપ્ત કરવાનો આદેશ સરકારે કર્યો છે.
- Advertisement -
રાજકોટ શહેર જિલ્લા ઉપરાંત જામનગર જિલ્લાના 2365 રોકાણકારોને ઉંચા વ્યાજની લાલચ આપીને 42 કરોડ રૂપિયા જેટલા નાણા એકત્ર કરી પાછા આપ્યા ન હતા. આમ રાજકોટમાં 2365 જેટલા રોકાણકારોને કરોડો રૂપિયાનું બૂચ લગાવ્યું હતું ત્યારે હવે રામેશ્ર્વર શરાફી સહકારી મંડળીના ત્રણ ભાગીદારોની મિલ્કત જપ્ત કરાશે.
રાજકોટ અને જામનગરમાં આવેલ કરોડો રૂપિયાની 12 મિલ્કતો ટાંચમાં લેવા ગૃહ વિભાગે આદેશ કર્યો છે. આ કાર્યવાહી આજથી શરૂ કરવામાં આવશે અને આ માટે રાજકોટના પ્રાંત અધિકારી સિદ્ધાર્થ સિંહ ગઢવીની નિમણુંક કોમ્પીટન્ટ ઓથોરિટી તરીકે કરવામાં આવી છે.

આ અંગે પ્રાંત અધિકારી સિદ્ધાર્થ ગઢવીએ જણાવ્યું હતું કે ગુજરાત પ્રોટેકશન ઈન્ટરેસ્ટ ઓફ ડિપોઝીટર એક્ટની જોગવાઈ અંતર્ગત બાર મિલ્કત જપ્ત કરવામાં આવશે અને આજે નાના મવા સર્વે નંબર 33 પૈકી એકમાં આવેલી અંદાજે અઢી કરોડની મિલ્કત ટાંચમાં લેવાશે.
- Advertisement -
મંડળી દ્વારા રોકાણકારોને 6 ટકાથી 18 ટકા સુધીનું વ્યાજ મળશે તેવી લાલચ આપીને રૂપિયા 41,98,34,334 લેવામાં આવ્યા હતા. પરંતુ પાકતી મુદતે પાછા આપવામાં ન આવતાં અંતે ફરિયાદ કરવામાં આવી હતી. રામેશ્ર્વર મંડળી વિરૂદ્ધ ગયા ડિસેમ્બર માસમાં ભક્તિનગર પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધવામાં આવી હતી, જેમાં સંજય હંસરાજભાઈ દુધાગરા, ગોપાલ રૈયાણી અને વિપુલ રતિલાલ વસોયાના નામ આપવામાં આવ્યા છે.



