શહેરમાં બસ સ્ટોપ પર નોનવેજ ફૂડના લાગેલા ક્રિઓસ્ક દૂર કરાયા
ખાસ-ખબર ન્યૂઝ રાજકોટ
- Advertisement -
રાજકોટ શહેરમાં હવે જાહેરમાં નોનવેજની જાહેરાત નહીં થાય. શહેરના જિલ્લા પંચાયત ચોકમાં મનપાના બસ સ્ટોપ પર નોનવેજ ફૂડની જાહેરાત થતી હોવાનું ધ્યાન પર આવતા સ્ટે. ચેરમેન જયમીન ઠાકર દ્વારા દૂર કરવામાં આવ્યા હતાં. અને કહ્યું હતું કે, તમામ એડ એજન્સીઓને આ પ્રકારની જાહેરાત નહીં કરવા માટે સૂચન આપવામાં આવી છે. જો કોઈ એડ એજન્સી તેનો ભંગ કરશે તો તેની સામે કડક પગલાં લેવાશે. નોંધનીય છે કે, રાજકોટમાં મનપાના પદાધિકારીઓ એક તરફ શહેરમાં જાહેરાતના બોર્ડ દૂર કરવાનો આદેશ કરી રહી છે તો બીજી તરફ શહેરના અનેક વિસ્તારમાં જાહેરમાં જ નોનવેજનું વેચાણ ચાલી રહ્યું છે.
રાજકોટના જિલ્લા પંચાયત ચોકમાં સ્માર્ટ બસ સ્ટોપ પર નોનવેજ ફૂડ વેચાણની જાહેરાત કરવામાં આવી હતી. આ જાહેરાતમાં લખ્યું હતું, ’દિલ્હી કા બટર ચિકન, કાશ્મીર કી વાઝવાન બિરયાની’. જે ‘કડક’ પદાધિકારી દ્વારા દૂર કરવામાં આવ્યા હતાં.
મહાપાલિકાના પદાધિકારીએ નોનવેજ ફૂડની જાહેરાતો દૂર કરવાનો આદેશ આપતા અડધો કલાકમાં જ જાહેરાતો દૂર કરી દેવામાં આવી હતી. આ સાથે તમામ એડ એજન્સીને આ પ્રકારની કોઈપણ જાહેરાતો નહીં કરવા આદેશો આપવામાં આવ્યા છે. જો કોઈ એજન્સી આ નિયમનો ભંગ કરે તો તેની સામે કડક પગલાં લેવાની ચેતવણી પણ સ્ટેન્ડિંગ ચેરમેને આપી છે. રાજકોટની વાત કરીએ તો, તંત્રએ જાહેરમાં લાગેલા નોનવેજ ફૂડના બોર્ડ દૂર કરાવ્યા છે પરંતુ, શહેરના અનેક વિસ્તારોમાં જાહેરમાં જ નોનવેજ ફૂડનું વેચાણ થતું હોવાનું પણ સામે આવ્યું છે. જેને દૂર કરવામાં ‘કડક’ પદાધિકારીને કેટલો સમય લાગે છે તે જોવાનું રહ્યું.



