સિદ્ધાર્થ રાઠોડ
પ્રસ્થાન:
પૂર્વ અને પશ્ચિમ, એશિયા અને યુરોપ – વિવિધ પ્રકારની પચરંગી પ્રજા અને ગોરી પ્રજા વચ્ચે ખાનપાન, પહેરવેશથી લઈને ઋતુમાં પણ કેટલો ફેરફાર. પશ્ચિમમાં શિયાળો એક બોરિંગ, ઉદાસ અને બોઝીલ મૌસમ છે જ્યારે ભારતમાં કે જ્યા આખું વર્ષ ગરમીનું વર્ચસ્વ હોય છે ત્યાં શિયાળો એક ખુશનુમા ઋતુ છે. ભાતભાતના શાકભાજી અને ફળ, આકરા તાપમાંથી રાહત તથા વધુ મહેનત કરવા પ્રેરે એવી ઠંડી હવા. પેલી બાજુ, પશ્ચિમમાં આ ઋતુ પ્રગતિ પર બ્રેક મારનારી છે.
- Advertisement -
કેટકેટલા સંદર્ભો શિયાળા વિશેના! એકબાજુ રોબર્ટ ફ્રોસ્ટ બર્ફીલી સાંજે જંગલમાંથી પસાર થાય છે તો બીજી તરફથી ઈસપની પેલી કંજૂસ કીડી કંસારીને અનાજ દેવાની ના પાડે છે. આ પશ્ચિમી દૃષ્ટિકોણ છે. જ્યારે ઉનાળાનો સુગમ સમય ચાલતો હોય ત્યારે શિયાળાની દુર્ગમ ઘડીઓ માટે તૈયારી કરી લો તો પેલો રોબર્ટ ફ્રોસ્ટ જંગલના ગહન, રહસ્યમયી સૌંદર્યથી મંત્રમુગ્ધ હોવા છતાં સ્થિતપ્રજ્ઞતા નો પાઠ શીખવતો હોય એમ પોતાની સફર ચાલુ રાખે છે. બીજાને આપેલા વાયદા પૂરા કરવા સારું તેને તે વનમાં રહેવું પાલવે એમ નથી. એમ તો હાથીઓને સેના સાથે હિમપર્વતો ઓળંગી જનાર મહાન સેનાપતિ હનીબાલ પણ અંતરમનમાં ક્યાંક ચમકી જાય છે. પણ ભારતના શિયાળાની તો વાત જ નિરાળી છે. શિયાળા સાથે જ પહેલી જે વાત મગજમાં આવે તે વિવિધ પ્રકારના વ્યંજનોની છે. અડદિયા, ઉંધીયું, વરાળીયું, ઉંબાડિયું, તુવેરના ટોઠા, બાજરાના રોટલા, રીંગણાંનો ઓળો, વગેરે હજી તો સાવ લોકલ લેવલે પ્રખ્યાત એવી વાનગીઓની તો વાત જ નથી કરી. માસાના ઘરે સવારના સગડીમાં શેકેલા શક્કરિયા ખાધેલા તેનો સ્વાદ હજી જીભ પર છે. તેના સિવાય બટેકા પણ શેકીને ખાવાનો લહાવો લીધો છે. સૌથી રૂડી વાત તો એ કે જે વિદેશની મોટાભાગની કહેવાતી ઇન્ટરનેશનલ કવિઝીનની વાનગીઓ મૂકીને પ્રજા દેશી વાનગીઓ આરોગે છે. કોઈ પરી જેવી પહોંચની બહાર લાગતી સુંદરીના મોહમાંથી છૂટીને જાણે ઘરની બાજુમાં રહેતી કોઈ દેશી ફૂટડી છોકરીના પ્રેમમાં પડવા જેવી વાત!
વિરામ:
આગળ કહ્યું એમ અહીંયાનો શિયાળો તો બહુઆયામી છે. ગામના ચોરે તાપણું જમાવી બેસતા ગઈઢાઓની આંખમાં આગ જોઈને જવાનીની અમૂલક પળો ઝબકારા મારી જતી હોય છે. રાતના કાવો પીવા સારું લોકો બહાર નીકળતા હોય છે. સવારના પહોરમાં ન્યુયર રીઝોલ્યુશન લઈને નીકળેલા ફિટનેસવીરો જોવા મળે છે. સ્પોર્ટ્સ ક્લબ, જીમ નવલોહિયા યુવાનયુવતીઓથી ધમધમતા જોવા મળે છે પણ થોડા જ મહિનામાં સિંહ કે શિયાળ એ ખબર પડી જાય છે. મને શિયાળામાં સૌથી વધુ કોઈ વાત ગમતી હોય તો તે છે ત્યારનું ચોખ્ખુંચણક આકાશ. ખાલી નરીઆંખે પણ ઘણા તારા જોઈ શકાય છે એટલે જ ખગોશાસ્ત્રીઓના મતે આકાશદર્શન કરવા માટે શિયાળાનો સમય બેસ્ટ છે. શિયાળાની રાતનો શૂન્યકાર વાંચન, લેખન કે કોઈ પ્રકારની રચનાત્મક પ્રવૃત્તિ માટે ઉત્તમ છે. નિશાસુંદરી પોતાના ઝગમગાટ વસ્ત્રો ઉતારી સાધ્વીના વલ્કલ ધારણ કરીને જાણે કે નિર્લેપભાવે વર્તતી હોય એવું લાગે! સુંદરી પરથી એ યાદ આવ્યું કે રોમાન્સ માટેની પણ સાચી મૌસમ શિયાળાની છે. વર્ષાઋતુ એ તો અમુક હદ સુધી બોલીવુડના ગીતોએ અને કવિઓએ જ પ્રેમની ઋતુ ગણી છે બાકી લખનારના મતે ફૂલગુલાબી ઠંડી તન અને મનમાં તણખા જગાવનાર હોય છે. તેનું કારણ એક એ પણ કહી શકાય કે વરસાદના પ્યારા પ્રકોપથી બચવા માટે તરકીબો અને ઈચ્છા ઘણા લોકો ધરાવતા હોય છે. વળી, વરસાદમાં પલળવું એ એક પોતાનામાં જ એક રિફ્રેશમેંટ એક્ટિવિટી છે એટલે એ કામ અટકાવીને કરવી પડે છે જ્યારે શીતઋતુની મોહિની કોઈ સમજુ પ્રેમિકાની જેમ કામમાં ખલેલ પહોંચાડયા વગર આપણને પોતાનો રંગ લગાડે છે. શિયાળો કામ કરતાકરતા પણ માણી શકાય છે. શિયાળામાં પ્રેમીજનો પોતાના પ્રિયનું સામીપ્ય ચાહે છે તો એકલવાયા લોકો પોતાની કિસ્મતને કોસે છે. આ વાતાવરણના લીધે જ શિયાળો ભારતમાં લગ્નગાળાની ફેવરીટ સીઝન છે. કોઈ પાર્ટીપ્લોટમાં ધામધૂમથી પૈસાની રેલમછેલ વચ્ચે બે જીવ લગ્નના તાંતણે બંધાતા હોય અને બહાર કોઈ દરિદ્ર્યુગલ ફાટેલા કપડામાં કાંપતું કાંપતું એંઠવાડમાંથી ખોરાક તલાશતું હોય એવા વિધાતાના ખેલ જેવા બે વિરોધાભાસી દૃશ્યો પણ જોવા મળે છે.
પૂર્ણાહુતિ:
ધ વુડ્સ આર લવલી ડાર્ક એન્ડ ડીપ,
બટ આઈ હેવ પ્રોમિસિસ ટુ કીપ;
માઈલ્સ ટુ ગો બિફોર આઇ સ્લીપ,
માઈલ્સ ટુ ગો બિફોર આઇ સ્લીપ.
– રોબર્ટ ફ્રોસ્ટ