ખાસ-ખબર ન્યૂઝ રાજકોટ, તા.12
હિંદુ સંપ્રદાયમાં ધાર્મિક રીતે ભારે મહાત્મ્ય ધરાવતા પર્વ હોળીને હવે થોડાક જ દિવસોનો સમય બાકી છે. આ પર્વ દરમિયાન શહેરમાં ઠેકઠેકાણે હોલિકાદહન થશે. જો કે હોળી પર્વ દરમિયાન લાખો ટન લાકડાનો ઉપયોગ સામે ધાર્મિક મહાત્મ્ય પણ જળવાઈ રહે અને સામાજિક જાગૃતિ પર્યાવરણની જાળવણીનો સંદેશ આપી શકાય એ માટે રણુજાની ગીરગંગા સંસ્થા દ્વારા ગૌમયકાસ્ટ એટલે કે ગાયના છાણમાંથી બનેલી ગોબર સ્ટીકથી વૈદિક હોળી પ્રગટાવવાની ઝુંબેશ શરૂ કરાઈ છે.
- Advertisement -
નોંધનીય છે કે દરેક શહેરમાં હોલિકાદહનના હજારો કાર્યક્રમો થાય છે. એક હોળી દીઠ 500 કિલો લાકડાની ધારણાએ લાખો કિલો લાકડું ઉપયોગમાં લેવાય એ અંદાજ છે આ સાથે દક્ષિણ ગુજરાત અને અન્ય રાજ્ય, અંતરિયાળ જંગલોમાંથી વૃક્ષો કાપીને આ લાકડું લાવવામાં આવતું હોય મોટી સંખ્યામાં વૃક્ષોનું નિકંદન પણ થાય છે. એક ગણતરી મુજબ એક હોળી માટે 50થી 60 વર્ષથી વધુ સમયના વડલા, પીપળા કે પીપર જેવા વૃક્ષોમાં ઔષધિ તેમજ ઓક્સિજનનો ખજાનો હોય છે તેમજ પશુ-પક્ષીનું રહેણાક અને ખોરાક હોય છે તો આ સમયે તેનુ કત્લેઆમ કરીને હોળી પ્રગટાવવામાં તેનો ઉપયોગ કરતા ભયંકર નુકસાન ભોગવીએ છીએ.
તો આ સ્થિતિમાં વૃક્ષોનું નિકંદન અટક તે સાથે જ ગૌવંશનું જતન થાય, પર્યાવરણની જાળવણી થઈ શકે તે માટે કાલાવડ તાલુકાના રણુંજા ગામે વોડીસાંગની બાજુમાં આવેલી ગીરગંગા પરિવાર સંચાલિત ગોપી ગૌ ગુરુકુળ સંસ્થા દ્વારા છેલ્લા પાંચ વર્ષથી ઝુંબેશ છેડાઈ છે. પ્રમુખ દિલીપભાઈ સખીયાના માર્ગદર્શન હેઠળ વૈદિક હોલિકાદહન કરવાનું અભિયાન શરૂ થયું છે.
ગોપી ગૌ શાળામાં ભીખાભાઈ સખીયા અને દિનેશભાઈ ચીખલીયાની મદદથી ગાયના છાણમાંથી ગોબર સ્ટીક બનાવાઈ રહી છે. હોલિકાદહન માટે તેનો ઉપયોગ કરાય તે માટે શહેરીજનોને મો. 9409692691, 9409692693 નંબર પર કોન્ટેકટ કરવા હાકલ કરાઈ છે તેવું આજરોજ ‘ખાસ-ખબર’ કાર્યાલયની મુલાકાતે આવેલા વિઠ્ઠલભાઈ બાલધા, રતિભાઈ ઠુંમર, પ્રદિપભાઈ મુંગલપરા, મયુરભાઈ ભુંડીયાએ જણાવ્યું હતું.