કર્ણાટક સરકાર ધુમ્રપાન પ્રતિબંધિત કાયદાઓમાં કરશે વધુ કડક: ટોબેકો પ્રોડક્ટ ખરીદવાની કાયદેસર ઉંમર 18થી વધારીને 21 કરાઇ: નિયમો ભંગ કરવા બદલ 3 વર્ષ સુધીની સજા, 1 લાખ સુધીનો દંડ
ખાસ-ખબર સંવાદદાતા
કર્ણાટકની સિદ્ધારમૈયા સરકારે મોટો નિર્ણય લીધો છે. સરકારે રાજ્યમાં હુક્કાબાર પર સંપૂર્ણપણે પ્રતિબંધ લગાવી દીધો છે. તો સાથે સાથે, તમાકુ ઉત્પાદનો ખરીદવા માટેની કાયદેસર ઉંમરમાં પણ વધારો કરી દીધો છે. કર્ણાટક વિધાનસભામાં બુધવારે ઈઘઝઙઅ એક્ટ એટલે કે સિગારેટ એન્ડ અધર ટોબેકો પ્રોડક્ટ એક્ટમાં સુધારો કરવામાં આવ્યો છે. સંશોધિત બિલ વિધાનસભા દ્વારા પસાર કરવામાં આવ્યું છે. સુધારેલા કાયદામાં નિયમોનું ઉલ્લંઘન કરવા બદલ કડક સજા અને દંડની જોગવાઈ પણ કરવામાં આવી છે. આ અંગે જાહેરનામું પણ બહાર પાડવામાં આવ્યું છે. નોટિફિકેશનમાં કહેવામાં આવ્યું છે કે આ કાયદામાં લોકોના સ્વાસ્થ્યની સુરક્ષા અને તમાકુ સંબંધિત બીમારીઓને રોકવા માટે કરવામાં આવ્યો છે.
- Advertisement -
હવે શું-શું બદલાઈ જશે?
હુક્કાબાર પર પ્રતિબંધ: આ બિલ પસાર થયા બાદ રાજ્યમાં હુક્કાબાર પર સંપૂર્ણ પ્રતિબંધ લાગવી દેવામાં આવ્યો છે. હુક્કાબાર ખોલવા કે ચલાવવા પર પ્રતિબંધ રહેશે.
જાહેર સ્થળોએ ધૂમ્રપાન પર પ્રતિબંધ: રાજ્યમાં હવે જાહેર સ્થળોએ ટોબેકો પ્રોડક્ટનું સેવન કરવા પર સંપૂર્ણ પ્રતિબંધ મુકવામાં આવ્યો છે. જાહેર સ્થળોએ ધૂમ્રપાન કરવા પર પણ પ્રતિબંધ રહેશે.
ટોબેકો પ્રોડક્ટ ખરીદવાની કાયદેસર ઉંમરમાં વધારો: અત્યાર સુધી તમાકુ ઉત્પાદનો ખરીદવાની કાયદેસરની ઉંમર 18 વર્ષની હતી. પરંતુ, બિલમાં સુધારો કરીને કાયદેસરની ઉંમરને 21 વર્ષ કરવામાં આવી છે. એટલે કે હવે 21 વર્ષથી નાની ઉંમરના કોઈપણ વ્યક્તિને સિગારેટ કે તમાકુ વેચી શકાશે નહીં.
આ સ્થળોએ વેચાણ પર પ્રતિબંધ: શાળાઓ, કોલેજો, હોસ્પિટલો, ચાઇલ્ડકેર સેન્ટર્સ, આરોગ્ય કેન્દ્રો, મંદિરો, મસ્જિદો અને ઉદ્યાનોની નજીક તમાકુ ઉત્પાદનોના વેચાણ પર પ્રતિબંધ રહેશે. આવા સ્થળોની 100 મીટરની ત્રિજ્યામાં સિગારેટ અથવા તમાકુના વેચાણ પર પ્રતિબંધ રહેશે.
કડક સજાની જોગવાઈ
સુધારેલા કાયદામાં સજા અને દંડની જોગવાઈ પણ કડક બનાવવામાં આવી છે. પ્રતિબંધિત જગ્યાએ અથવા 21 વર્ષથી ઓછી ઉંમરની વ્યક્તિને તમાકુ અથવા સિગારેટ વેચવા પર 1000 રૂપિયાનો દંડ વસૂલવામાં આવશે. આ ઉપરાંત હુક્કાબાર ખોલવા કે ચલાવવામાં દોષિત ઠરેલ શખ્સને 1 થી 3 વર્ષની સજાની જોગવાઈ પણ કરવામાં આવી છે. આ ઉપરાંત 50 હજારથી લઈને 1 લાખ રૂપિયા સુધીનો દંડ પણ થઈ શકે છે.



