રશિયા-યુક્રેન વચ્ચે યુદ્ધ વકર્યું
ડ્રોન હુમલામાં મહિલાએ પણ જીવ ગુમાવ્યો હતો
ખાસ-ખબર સંવાદદાતા
રશિયા અને યુક્રેન વચ્ચે ચાલી રહેલા ભીષણ યુદ્ધમાં યુક્રેનના 6 નાગરિકોના મોતના અહેવાલ મળ્યાં છે. યુક્રેનના અધિકારીઓએ જણાવ્યું હતું કે રવિવારે દક્ષિણ યુક્રેનના ખેરસોન ક્ષેત્રમાં પાંચ નાગરિકો માર્યા ગયા હતા, જ્યારે પૂર્વી શહેર હોર્લિવકામાં એક વ્યક્તિનું મોત થયું હતું.
અહેવાલ અનુસાર યુક્રેનના અધિકારીઓએ જણાવ્યું કે છેલ્લા 24 કલાક દરમિયાન રશિયાએ ખેરસોન અને હોર્લિવકામાં ભારે ગોળીબાર અને બોમ્બમારો કર્યો હતો. આ હુમલામાં ખેરસોનમાં એક મકાન અને એક ઈમારતને નુકસાન થયું હતું, જેમાં ત્રણ લોકોના મોત થયા હતા.
ખેરસોનની દક્ષિણે ડ્રોન હુમલામાં એક મહિલાનું મોત થયું હતું અને ભારે ગોળીબારની લપેટમાં આવતાં અન્ય એક મહિલાનું મૃત્યુ થયું હતું. આ માહિતી પોલીસે આપી હતી. ખેરસોનના પ્રાદેશિક સૈન્ય વહીવટીતંત્રની પ્રેસ ઓફિસના વડા એલેક્ઝાન્ડરે જણાવ્યું હતું કે હુમલાને કારણે ગેસ અને પાણી પુરવઠો ખોરવાઈ ગયો હતો. આ હુમલાથી ઈમારતને પણ નુકસાન થયું હતું. દરમિયાન હોર્લિવકાના મેયર ઇવાન પ્રિખોડકોએ જણાવ્યું હતું કે રશિયન હુમલામાં એક મહિલાનું મોત થયું છે અને છ નાગરિકો ઘાયલ થયા હતા. ફેબ્રુઆરી 2022માં રશિયાએ યુક્રેન વિરુદ્ધ યુદ્ધ છંછેડ્યું હતું. આ યુદ્ધને બે વર્ષથી વધુ સમય થઈ ગયો છે, પરંતુ હજુ સુધી બંને પક્ષો વચ્ચે કોઈ સમાધાન થઈ શક્યું નથી.
- Advertisement -