અકસ્માત કે કાયમી અપંગતાનાં કિસ્સામાં 2 લાખની સહાયની યોજના
ખાસ ખબરસંવાદદાતા
ખેડૂતોના હિત માટે રાજ્ય સરકાર કટ્ટીબધ્ધ છે. વિવિધ યોજના થકી ખેડૂતોને સહાય ચુકવવામાં આવે છે. જૂનાગઢ જિલ્લાના ખેડૂતોને વિવિધ ખેડૂતલક્ષી યોજનાનો લાભ આપવામાં આવે છે.
જેમાં ખાતેદાર ખેડૂત અકસ્માત વીમા યોજના હેઠળ જિલ્લામાં 49 ખાતેદાર ખેડૂતોને રૂા.98 લાખની સહાય ચૂકવવામાં આવી છે. આ યોજનામાં અકસ્માતના કારણે મૃત્યુ કે કાયમી અપંગતાના કિસ્સામાં રૂપિયા 2 લાખની સહાય આપવામાં આવે છે.
રાજ્ય સરકારની ખાતેદાર ખેડૂત અકસ્માત વીમા યોજનામાં ખાતેદાર ખેડૂત કે તેના કોઇપણ સંતાનનું અકસ્માતે મૃત્યુ કે કાયમી સંપૂર્ણ અપંગતાના કિસ્સામાં રૂપિયા 2 લાખની સહાય આપવામાં આવે છે.
અકસ્માતને કારણે બે આંખ કે બે અંગ અથવા હાથ-પગ ગુમાવવાના કિસ્સામાં તેમજ એક આંખ અને એક અંગ ગુમાવવા કિસ્સામાં રૂપિયા 2 લાખની સહાય આપવામાં આવે છે.
જ્યારે એક આંખ અથવા એક અંગ ગુમાવવાના કિસ્સામાં રૂપિયા 1 લાખની સહાય આપવામાં આવે છે.આ યોજનામાં ખાતેદાર ખેડૂતના પ્રથમ હયાત સંતાન (પુત્ર/પુત્રી)ના બદલે ખાતેદાર ખેડૂતના કોઇપણ સંતાનનો સમાવેશ કરવામાં આવે છે. આથી હવે યોજના અંતર્ગત રાજ્યના તમામ ખાતેદાર ખેડૂતો, કે તેમના સંતાનો તેમજ ખેડૂતના પતિ-પત્નિનો સમાવેશ કરવાનું નક્કી કરવામાં આવ્યું છે.
કોઇપણ સંતાન એટલે કે વ્યક્તિગત કે સંયુક્ત ખાતા ધરાવતા તમામ ખેડૂતોના પોલીસી વર્ષ દરમિયાન જેટલા સંતાન અકસ્માતે મૃત્યુ કે કાયમી અપંગતા પામે તે તમામને આ યોજનાનો લાભ મળે છે.
મૃત્યુ અથવા કાયમી અપંગતા થાય ત્યારે વ્યક્તિગત કે સંયુક્ત ખાતા ધરાવતા તમામ ખાતેદાર ખેડૂતો એટલે કે મહેસુલ રેકર્ડ પ્રમાણે 7/12, 8-અ અને ગામ નમુના નં-6(હક્ક પત્રક)માં અકસ્માતે મૃત્યુ કે કાયમી અપંગતાની તારીખ સુધીમાં પાકી નોંધ પ્રમાણિત થયેલ હોય તેવા તમામ ખાતેદાર ખેડૂતે કોઇપણ સંતાન તેમના પતિ-પત્નિને આ યોજનાનો લાભ મળશે.