અદાણી-સેબી વડા વચ્ચેની સાંઠગાંઠની ઊંડાણપુર્વક તપાસ અનિવાર્ય હોવાનું કોંગ્રેસ વડાનું નિવેદન
સેબીના વડા માધબીપુરી બુચના રાજીનામા અને સંયુક્ત સંસદીય સમિતિ મારફત તપાસ યોજવાની માંગ સાથે દેશભરમાં દેખાવો યોજશે
- Advertisement -
ખાસ-ખબર ન્યૂઝ નવી દિલ્હી, તા.14
અમેરિકી રિસર્ચ એજન્સી હિંડનબર્ગે અદાણી ધડાકા બાદ હવે સેબીના વડા સામે આરોપ મુકતો રિપોર્ટ જાહેર કર્યાના તીવ્ર રાજકીય પ્રત્યાઘાતો પડયા જ છે ત્યારે હવે કોંગ્રેસે આગામી 22 ઓગષ્ટે દેશવ્યાપી વિરોધ પ્રદર્શન કરવાનું એલાન જાહેર કર્યુ છે. સેબીના વડા માધવીપુરી બુચના રાજીનામા તથા સંયુક્ત સંસદીય સમીતી મારફત તપાસ યોજવાની માંગણી સાથે આ વિરોધ પ્રદર્શન કરવામાં આવશે. કોંગ્રેસના રાષ્ટ્રીય પ્રમુખ મલ્લિકાર્જુન ખડગેએ પાર્ટીના તમામ મહામંત્રી, તમામ રાજયોના પ્રમુખો અને ઈન્ચાર્જો સાથે વિસ્તૃત બેઠક યોજયા બાદ આ નિર્ણય જાહેર કર્યો હતો. દેશના ચાર રાજયોમાં વિધાનસભા ચુંટણીની તૈયારી માટે યોજાયેલી બેઠકમાં અદાણી સેબી મુદે પણ વિરોધ કરવાનું નકકી કરવામાં આવ્યું હતું. કોંગ્રેસ પ્રમુખ ખડગેએ ટવીટ મારફત જણાવ્યું હતું કે અદાણી અને સેબી વચ્ચેની સાંઠગાંઠની ઉંડાણપૂર્વક તપાસ કરવાનું અનિવાર્ય છે. શેરબજારમાં નાના રોકાણકારોના નાણાની સુરક્ષા સાથે બાંધછોડ ન થઈ શકે.
મોદી સરકારે સેબીના વડાનું તાત્કાલીક રાજીનામુ લઈ લેવુ જોઈએ અને તપાસ માટે સંયુક્ત સંસદીય સમીતીનું ગઠન કરવુું જોઈએ. કોંગ્રેસ નેતા કે.સી.વેણુગોપાલે જણાવ્યું હતું કે બંને માંગણીઓ વિશે સરકાર પર દબાણ લાવવા માટે 22 ઓગષ્ટે દેશભરમાં વિરોધ પ્રદર્શન
યોજવામાં આવશે.