406 જિલ્લાના 3579 તાલુકાઓમાં ઔષધી યોજના હેઠળ નવા સ્ટોર ખોલાશે
જનઔષધી કેન્દ્રોની સંખ્યા 10,500 કરવા અને 2000 પ્રકારની દવા ઉપલબ્ધ કરાવવાનો ટાર્ગેટ
- Advertisement -
ખાસ-ખબર સંવાદદાતા
કેન્દ્ર સરકારે લોકોને સસ્તી દવા પુરી પાડવા માટે પ્રધાનમંત્રી ઔષધી કેન્દ્રો મારફત જેનેરીક દવા આપવાનું શરુ કર્યાના પગલે તેના મારફત લોકોને 15 હજાર કરોડ રૂપિયાની બચત થઈ હોવાનો રિપોર્ટ જાહેર થયો છે. દેશભરમાં આરોગ્ય ખર્ચમાં તોતીંગ વધારો છે અને દવાઓના ભાવ ઘણા ઉંચા છે. તેવા સમયે કેન્દ્ર સરકાર દ્વારા જેનેરીક દવાનો પ્રોજેકટ લાગુ પાડવામાં આવ્યો હતો. 2008માં જન ઔષધી યોજના જાહેર થઈ હતી.
2015માં તેનું નામ બદલાવીને પ્રધાનમંત્રી જનઔષધી યોજના કરવામાં આવ્યું હતું. 2014 સુધી દેશમાં 80 સ્થળોએ જેનેરીક દવા વેચાતી હતી. 2016માં તેની સંખ્યા વધીને 8610 થઈ હતી. ફાર્માસ્યુટીકલ એન્ડ મેડીકલ ડીવાઈઝ બ્યુરો ઓફ ઈન્ડીયાના રિપોર્ટ પ્રમાણે 10 હજાર જનઔષધી કેન્દ્રો ખોલવાનો ટાર્ગેટ છે. દેશનાં 406 જીલ્લાના 3579 તાલુકાઓમાં ઔષધી યોજના હેઠળ નવા સ્ટોર ખોલવામાં આવશે. દેશમાં દરેક કેન્દ્ર પરથી દર મહિને સરેરાશ દોઢ લાખ રૂપિયાની જેનેરીક દવાઓનું વેચાણ થઈ રહ્યું છે.
- Advertisement -
કેમીકલ એન્ડ ફર્ટીલાઈઝર મંત્રાલયના રિપોર્ટ પ્રમાણે ભારત સમગ્ર વિશ્વનું ત્રીજા નંબરનું સૌથી મોટુ દવા માર્કેટ છે. 2019-20માં ફાર્મા ઉદ્યોગનું ટર્નઓવર 289998 કરોડનું નોંધાયું હતું. દેશભરમાં સંચાલીત જનઔષધી કેન્દ્રોમાં 1616 પ્રકારની દવાઓ ઉપલબ્ધ છે. ઉપરાંત 250 સર્જીકલ ઉપકરણો પણ વેચાઈ રહ્યા છે. ચાલુ નાણાંકીય વર્ષમાં જન ઔષધી કેન્દ્રોની સંખ્યા વધારીને 9300 કરવા તથા 1800 પ્રકારની દવાઓનું વેચાણ કરવાનો ટાર્ગેટ છે. 2024-25ના વર્ષમાં આ સંખ્યા વધારીને અનુક્રમે 10500 અને 2000 કરવાનો લક્ષ્યાંક રાખવામાં આવ્યો છે.