ખાસ-ખબરનો વિશેષ અહેવાલ (ભાગ-10)
(સન્ની વાઘેલા દ્વારા, સુરેન્દ્રનગર)
- Advertisement -
સુરેન્દ્રનગર જિલ્લામાં લગભગ ત્રણ દાયકાથી ચાલતા ગેરકાયદેસર કોલસાના ધંધામાં પડદા પાછળની ભૂમિકા ધરાવતા રાજકારણને લીધે જ સરકારના તમામ નિયમોનું ઉલંઘન કરી ભૂમાફિયા દરરોજ લાખ્ખો ટન ખનિજ ચોરી કરી બરોબર વેચાણ કરતા હોય છે. પરંતુ સરકારી તંત્ર પણ જિલ્લામાં ચાલતા ગેરકાયદે ખનન કરનાર ભૂમાફિયાઓ સામે કાર્યવાહી કરવામાં પાંગળું સાબિત થતું હોવાનું કારણ માત્ર અને માત્ર વહીવટીયો હપ્તો હોવાનું જવાબદાર સામે આવી રહ્યું છે. થાનગઢ, મૂળી અને સાયલા પંથકમાં લગભગ ચાલતી બે હજારથી વધુ કોલસાની ખાણો સામે સ્થાનિક તંત્ર ભૂમાફિયા સાથે પણ સંકલન હોવાનું જાણવા મળ્યું હતું. જે ગામની હદમાં કોલસાની ગેરકાયદેસર ખાણ ચાલતી હોય તે ગામના તલાટીની માંડીને છેક જિલ્લાના જવાબદાર વિભાગના મુખ્ય અધિકારી સુધીના કોઈને કોઈ રીતે ખનિજ માફિયાઓની સાથે વાટકી વ્યવહારનો સબંધ ધરાવતા હોવાનું પણ ખુદ ભૂમાફિયાઓ જણાવી રહ્યા છે. થાનગઢ, મૂળી અથવા તો સાયલા પંથકના કોઈપણ ગામમાં ચાલતી કોલસાની ખાણ અને જે ગામને લાગુ પડતી હદ હોય તે ગામના તલાટી કોલસાની ખાણ દીઠ એક હજાર રૂપિયાનો વ્યવહાર થતો હોવાની ચર્ચા છે. જે – તે વિસ્તારના લાગતા પોલીસ સ્ટેશનના બીટ જમાદારથી માંડીને જિલ્લાની મુખ્ય બ્રાન્ચ સુધીના એક ખાણ દીઠ 1.70 લાખ રૂપિયા ભરણ જ્યારે લાગુ પાડતાં મામલતદારને પ્રતિ ખાણ દીઠ પાચ હજાર રૂપિયા અને પ્રાંત અધિકારીને પાચ હજાર રૂપિયા સુધીનો વ્યવહાર દર મહિને પહોંચતો હોવાથી કડક કાર્યવાહીમાં પ્રશાસન પાંગળું સાબિત થયું હતું. આ તમામ વચ્ચે જિલ્લાના સધ્ધર બનાવની છાપ ધરાવતા ભૂસ્તર શાસ્ત્રી લીઝ ધારકો પાસેથી સરકારી ટેક્ષની સાથે પોતાનો ખાનગી ટેક્ષ ઉઘરાવતા હતા. ઉદાહરણ તરીકે લીઝ ધારકોને સરકારી ટેક્ષ મુજબ 80 રૂપિયા ભરવાના થતાં હોય ત્યારે ભૂસ્તર શાસ્ત્રીના અંગૂઠા શિવાય રોયલ્ટી મળી શકે તેમ નહિ જોવાથી પોતે પણ એક રોયલ્ટી દીઠ 100 રૂપિયા ઉઘરાવ્યા બાદ જ પોતાનો અંગૂઠો મૂક્યા બાદ જ લીઝ ધારકોને આગળની કાર્યવાહી થતી હતી. જેથી સરકારને રોયલ્ટી દીઠ જતા 80 રૂપિયા લીઝ ધારકો પાસેથી 180 રૂપિયા ઉઘરાવવામાં આવતા હતા… (ક્રમશ)
સુરેન્દ્રનગર જિલ્લા અધિકારીઓના આંખ આડા કાન
સુરેન્દ્રનગર જિલ્લાના થાનગઢ, મૂળી અથવા સાયલા પંથકના કોઈપણ ગામમાં કોલસાની ખનિજ ચોરી ચાલતી હોય અને તંત્રના એક પણ અધિકારીને જાણ ન હોય આ વાત પચાવવી થોડી મુશ્કેલ છે. જેથી કોઇપણ ગામમાં ચાલતી ખનિજ ચોરી માટે તલાટી, સરપંચ, પોલીસ, મામલતદાર, પ્રાંત અધિકારી, ખાણ ખનીજના અધિકારી અને જિલ્લા કલેકટર સુધીના અધિકારીઓ અને પદાધિકારીઓ જવાબદાર ગણી શકાય છે.