અમે દેશને આતંકવાદીઓથી બચાવી રહ્યા છીએ: ટ્રમ્પ
પ્રતિબંધિત દેશોની યાદીમાં પાકિસ્તાનનું નામ નથી!
ખાસ-ખબર ન્યૂઝ નવી દિલ્હી
- Advertisement -
અમેરિકાના રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પે 12 દેશના લોકોને અમેરિકામાં પ્રવેશવા પર સંપૂર્ણપણે પ્રતિબંધ મૂકવાનો આદેશ જારી કર્યો છે. તેમણે કહ્યું હતું કે અમેરિકાની સુરક્ષા અને લોકોના જીવનની સુરક્ષા માટે આ પગલું જરૂરી છે. આ પ્રતિબંધ 9 જૂનથી અમલમાં આવી રહ્યો છે. આ ઉપરાંત 7 દેશના નાગરિકો પર પણ આંશિક પ્રતિબંધ લાદવામાં આવ્યો છે. આ ઇમિગ્રેશન અને નોન-ઇમિગ્રેશન વિઝા બંને પર લાગુ થશે. ટ્રમ્પે બુધવારે રાત્રે એક સત્તાવાર ઘોષણાપત્ર પર હસ્તાક્ષર કર્યા, જે મુજબ 12 દેશ પર મુસાફરી પ્રતિબંધ લાદવામાં આવ્યો છે. રસપ્રદ વાત એ છે કે બધા 12 દેશમાં મુસ્લિમ બહુમતી વસતિ છે. એનાં નામ છે – અફઘાનિસ્તાન, મ્યાનમાર, ચાડ, કોંગો, ઇક્વેટોરિયલ ગિની, એરિટ્રિયા, હૈતી, ઈરાન, લિબિયા, સોમાલિયા, સુદાન અને યમન. મહત્ત્વપૂર્ણ વાત એ છે કે ટ્રમ્પ કહે છે કે અમે અમેરિકાને ખતરનાક લોકો (આતંકવાદી)થી બચાવવા સુરક્ષિત કરી રહ્યા છીએ, પરંતુ નવાઈની વાત એ છે કે આતંકને આશરો આપતા પાકિસ્તાનનું નામ આ યાદીમાં સામેલ નથી! ટ્રમ્પે કહ્યું અમેરિકાને એવા વિદેશી નાગરિકોથી સુરક્ષિત રાખવું જરૂરી છે, જેઓ આતંકવાદી હુમલા કરવાનો, રાષ્ટ્રીય સુરક્ષાને નુકસાન પહોંચાડવાનો, નફરત ફેલાવવાનો અથવા ઇમિગ્રેશન કાયદાનો દુરુપયોગ કરવાનો પ્રયાસ કરે છે ટ્રમ્પે અન્ય દેશોના નાગરિકોને વિઝા આપતી વખતે સાવધાની રાખવા કહ્યું છે. તેમણે કહ્યું હતું કે વિઝા આપતી વખતે એ વાતનું ધ્યાન રાખવું જોઈએ કે એવા લોકો અમેરિકા ન આવે, જે અમેરિકનો અથવા દેશનાં હિતોને નુકસાન પહોંચાડી શકે.
ઇમિગ્રેશન વિઝા પર આવતા લોકો કાયમી રહેવાસી બની જાય છે, તેથી તેમની તપાસ વધુ મહત્ત્વપૂર્ણ અને મુશ્કેલ છે. સુરક્ષા ખતરો હોય તોપણ આ લોકોને બહાર કાઢવા મુશ્કેલ છે. બીજી તરફ, નોન-ઇમિગ્રેશન વિઝા પર આવતા લોકોની તપાસ ઓછી થાય છે, તેથી એવા દેશોમાંથી આવતા લોકો પર પ્રતિબંધ મૂકવો જરૂરી છે જ્યાં ઓળખ અને માહિતી શેરિંગ સંબંધિત સિસ્ટમ સારી નથી.
આતંકવાદને રોકવા માટે પ્રતિબંધો જરૂરી છે: રાષ્ટ્રપતિ ટ્રમ્પ
ટ્રમ્પે આતંકવાદને રોકવા માટે આ પ્રતિબંધોને જરૂરી ગણાવ્યા છે. તેમણે કહ્યું હતું કે આ પ્રતિબંધો એટલા માટે પણ જરૂરી છે, જેથી વિદેશી સરકારો પાસેથી સહયોગ મેળવી શકાય, ઇમિગ્રેશન કાયદા લાગુ કરી શકાય અને રાષ્ટ્રીય સુરક્ષા, વિદેશનીતિ અને આતંકવાદવિરોધી કાર્યને આગળ ધપાવી શકાય.આદેશમાં જણાવાયું છે કે અફઘાનિસ્તાન તાલિબાન દ્વારા નિયંત્રિત છે, જે એક આતંકવાદી જૂથ છે અને પાસપોર્ટ અથવા નાગરિક દસ્તાવેજો જારી કરવા માટે કોઈ સક્ષમ અથવા સહાયક સરકાર નથી. ઉપરાંત ત્યાં કોઈ યોગ્ય ચકાસણી પદ્ધતિઓ નથી.આદેશ મુજબ, મ્યાનમાર પર પ્રતિબંધનું કારણ એ છે કે તેના લોકો તેમના વિઝા સમાપ્ત થયા પછી પણ અમેરિકામાં રહે છે.
- Advertisement -
રિપોર્ટ અનુસાર, ઇ1/ઇ2 વિઝા પર મ્યાનમારથી આવતા 27.07% લોકો અને ઋ, ખ, ઉં વિઝા પર આવતા 42.17% લોકો નક્કી સમય કરતાં વધુ દિવસો રહે છે. આ ઉપરાંત મ્યાનમાર અમેરિકાથી દેશનિકાલ કરાયેલા તેના નાગરિકોને પાછા લેવામાં સહકાર આપતું નથી.
2017માં 7 મુસ્લિમ બહુમતી ધરાવતા દેશો પર પ્રતિબંધ લાદવામાં આવ્યો હતો
ટ્રમ્પે તેમના પહેલા કાર્યકાળ દરમિયાન 2017માં ટ્રાવેલ પ્રતિબંધ લાદ્યો હતો, જેને ઘણીવાર મુસ્લિમ પ્રતિબંધ તરીકે ઓળખવામાં આવે છે, જેમાં મોટેભાગે મુસ્લિમ બહુમતી ધરાવતા દેશોનો સમાવેશ થતો હતો.જાન્યુઆરી 2017માં જારી કરાયેલા આદેશ અનુસાર, શરૂઆતના પ્રતિબંધમાં જે સાત દેશો પર અમેરિકામાં પ્રવેશ પર સંપૂર્ણપણે પ્રતિબંધ મૂકવામાં આવ્યો હતો એમાં ઈરાન, ઇરાક, લિબિયા, સોમાલિયા, સુદાન, સિરિયા અને યમનનો સમાવેશ થાય છે. બાદમાં એમાં ફેરફારો કરવામાં આવ્યા. પહેલા ઇરાકને આ યાદીમાંથી હટાવવામાં આવ્યું. બાદમાં સુદાનને દૂર કરવામાં આવ્યું અને તેની જગ્યાએ ચાડને ઉમેરવામાં આવ્યું.
પછી ઉત્તર કોરિયા અને વેનેઝુએલા જેવા બિન-મુસ્લિમ દેશોને પણ સામેલ કરવામાં આવ્યા, જેથી તેને ધાર્મિક ભેદભાવ ન કહી શકાય.



