સત્યસાંઈ રોડ, શ્રીજી સોસાયટી અને આલાપ હેરિટેજની વચ્ચે આવેલ જગ્યાના સ્થળે હોળી પ્રગટાવાશે
ખાસ-ખબર ન્યૂઝ રાજકોટ
દર વર્ષની જેમ આ વર્ષે પણ સમગ્ર જાહેર જનતાના સાથ સહકારથી સત્યસાંઈ રોડ, શ્રીજી સોસાયટી અને આલાપ હેરિટેજની વચ્ચે આવેલ જગ્યા ના સ્થળે યુનિટી ફાઉન્ડેશન દ્વારા વૈદિક હોળીની ભવ્ય ઉજવણી થશે. યુનિટી ફાઉન્ડેશન હિંદુ સંસ્કૃતિની જાળવણી અને તેને સમાજ વચ્ચે લઈ જવાની આગવી ઓળખ ધરાવે છે, જ્યારથી યુવાનો પણ હિન્દુ સંસ્કૃતિને ઓળખતા થયા છે ત્યારથી તેને પ્રભાવિત થઈને તેને અનુસરવા લાગ્યા છે, જેનો તાજો દાખલો કુંભનું સંગમ સ્નાન છે, જેમાં નવ યુવાનોએ મોટા પ્રમાણે સંગમ સ્નાન કરીને ધન્યતાનો અનુભવ કર્યો હતો. હિન્દુ સંસ્કૃતિ એ સાયન્સ અને સમાજને જોડી રાખવાની આગવી વિરાસત છે, આ વિરાસત જાળવી રાખવી અને તેને સમાજમાં પ્રચલિત કરવી એ એકમાત્ર ધ્યેય સાથે હાલ યુનિટી ફાઉન્ડેશન કાર્ય કરી રહ્યું છે. સામાન્ય રીતે નાની હોળીઓ તો દરેક સોસાયટી મોહલ્લામાં થતી હોય છે પરંતુ મોટાપાયે વૈદિક પદ્ધતિથી હોળી કરી લોકોને જોડવાનું કાર્ય હાલ યુનિટી ફાઉન્ડેશન દ્વારા કરવામાં આવી રહ્યું છે. સત્ય સાંઈ રોડની આસપાસની સોસાયટીઓને સાથે જોડી સર્વે સોસાયટીના લોકોના સહકારથી મોટાપાયે હોળીનું ભવ્ય આયોજન કરવામાં આવી રહ્યું છે. જેમાં યુનિટી ફાઉન્ડેશનના સભ્યો દ્વારા તડામાર તૈયારી કરવામાં આવી રહી છે, અને ઉજવણીમાં બહેનો દ્વારા રંગોળી અને હોળીની સજાવટ કરી, હોળીની ઉજવણીમાં ચાર ચાંદ લગાવવામાં આવશે. આ સમગ્ર આયોજનમાં યુનિટી ફાઉન્ડેશનના ચેરમેન ચેરમેન ભરતભાઈ બોધરા (ગુજરાત પ્રદેશ ભાજપ ઉપાધ્યક્ષ), પરેશભાઈ ગજેરા (પ્રમુખ છઇઅ), પ્રમુખ હરેશભાઈ કાનાણી, ઉપપ્રમુખ વિજયભાઈ તોગડિયા, સેક્રેટરી જીગ્નેશભાઈ કિયાડાના માર્ગદર્શન અને રાહબારી નીચે તડામાર તૈયારી કરવામાં આવી રહી છે.