પ્રશાસનના એકશનથી દબાણધારકોમાં ખળભળાટ
માધવપુર મેળાને લઈ તંત્ર દ્વારા તૈયારીઓ શરૂ કરવામાં આવી
ખાસ-ખબર ન્યૂઝ પોરબંદર
આગામી રામનવમીથી માધવપુરમાં ભવ્ય લોકમેળો અને ભગવાન શ્રીકૃષ્ણ-રૂક્ષ્મિણીની વિવાહોત્સવની તૈયારીઓ શરૂ થઈ ગઈ છે. મેળા પૂર્વે તંત્રએ કડક વલણ અપનાવતા હનુમાન મઢી વિસ્તાર સહિત મેળા ગ્રાઉન્ડમાં થયેલ દબાણો દૂર કરવા માટે આજે બુલડોઝર એકશન હાથ ધર્યો.
પ્રાચીન પરંપરાને અનુકૂળ, 6 એપ્રિલથી 10 એપ્રિલ સુધી મહાન આસ્થાનો મેળો યોજાશે.
ભગવાન શ્રીકૃષ્ણ અને રૂક્ષ્મિણિ વિવાહ પ્રસંગે દેશભરથી ભક્તો ઉમટે છે, જેને લઈને તંત્ર દ્વારા વિસ્તારને દબાણ મુક્ત અને વ્યવસ્થિત બનાવવાનો પ્રયાસ કરવામાં આવી રહ્યો છે.
દબાણ અંગે તંત્રને રજુઆતો મળ્યા બાદ પોરબંદર તંત્ર, પોલીસ અને પીજીવીસીએલની ટીમે સંયુક્ત અભિયાન હાથ ધરી કામગીરી પૂર્ણ કરી. તંત્રની આ કાર્યવાહીએ સ્થાનિકોમાં રસપ્રદ ચર્ચા જગાવી છે.
- Advertisement -
એક કરોડની 2485 મીટર જમીન દબાણ મુક્ત
તંત્રએ માધવપુર મેળા ગ્રાઉન્ડ અને આજુબાજુના વિસ્તારમાં દબાણ હટાવવાની કામગીરી શરૂ કરી, જેમાં કુલ 2485 મીટર જમીન દબાણમુક્ત કરવામાં આવી, જેની કિંમત આશરે એક કરોડ રૂપિયા આંકવામાં આવી રહી છે.
પોરબંદર-સોમનાથ હાઈવે પર એકશન
તંત્રએ પોરબંદર-સોમનાથ હાઈવે પર પણ દબાણ હટાવવાની કામગીરી ચલાવી, જેના કારણે જિલ્લાભરમાં આ એકશનની ભારે ચર્ચા થઈ રહી છે. સ્થાનિક પ્રશાસન, પોલીસ અને પીજીવીસીએલએ સંયુક્ત ઓપરેશન હાથ ધરી વિસ્તારને ગેરકાયદેસર દબાણોથી મુક્ત કર્યો.
વિશાળ ભક્તસમૂહ માટે તૈયારીઓ તેજ
માધવપુરના ભવ્ય મેળામાં હજારો ભક્તો અને શ્રદ્ધાળુઓની ભીડ ઉમટે છે, જેના કારણે તંત્ર દ્વારા વિસ્તારો સ્વચ્છ અને વ્યવસ્થિત બનાવવાના પ્રયાસો તેજ કરવામાં આવ્યા છે. 6 થી 10 એપ્રિલ સુધી ચાલનારા ભવ્ય મેળા માટે સુરક્ષા અને વ્યવસ્થાની કામગીરી પણ શરૂ કરવામાં આવી છે.