અમેરિકન રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પના પ્રસ્તાવ પર યૂક્રેન રશિયા સાથે 30 દિવસોના યુદ્ધ વિરામ માટે સંમત થઈ ગયો છે. આના બદલામાં અમેરિકાએ યૂક્રેન સાથે લશ્કરી સહાય અને ગુપ્ત માહિતીની આપ-લે કરવાનું ફરી શરૂ કરી દીધું છે.
જોકે, આ યુદ્ધવિરામ ત્યાં સુધી અસરકારક નહીં બને જ્યાં સુધી રશિયા ઔપચારિક રીતે તેનો સ્વીકાર ન કરી લે. અમેરિકાના વિદેશ મંત્રી માર્કો રુબિયોએ કહ્યું, ‘અમે ક્રેમલિનને સ્પષ્ટ સંદેશ આપીશું કે યૂક્રેન વાતચીત માટે તૈયાર છે. હવે એ તેમના પર નિર્ભર છે કે તેઓ હા કહે છે કે નહીં.’ અમેરિકી રાષ્ટ્રપતિ ટ્રમ્પે કહ્યું, ‘હવે અમારે રશિયા જવાનું છે અને આશા રાખીએ છીએ કે રાષ્ટ્રપતિ વ્લાદિમીર પુતિન પણ આ માટે સંમત થશે. અમે ઇચ્છીએ છીએ કે આ યુદ્ધનો અંત આવે. જો અમે રશિયા પાસેથી આ કરાવી શકીએ, તો તે ખૂબ સારું રહેશે.’
- Advertisement -
સાઉદી અરેબમાં કલાકો સુધી ચાલેલી બેઠક બાદ જાહેરાત
જેદ્દાહમાં અમેરિકન પ્રતિનિધિમંડળનું નેતૃત્વ રૂબિયો અને રાષ્ટ્રીય સુરક્ષા સલાહકાર માઇકલ વૉલ્ટ્ઝે કર્યું. તેમણે યૂક્રેન રાષ્ટ્રપતિના ચીફ ઓફ સ્ટાફ એંડ્રી યરમક, વિદેશ મંત્રી એંડ્રી સિબિહા અને રક્ષા મંત્રી રુસ્તમ ઉમારોવના નેતૃત્વમાં કિવથી આવેલા પ્રતિનિધિમંડળ સાથે મુલાકાત કરી. યૂક્રેને કહ્યું કે તેઓ રશિયા સાથે 30 દિવસના યુદ્ધ વિરામના ટ્રમ્પ પ્રશાસનના પ્રસ્તાવનું સમર્થન કરશે. સાઉદી અરબમાં કલાકો સુધી ચાલેલી બેઠક બાદ આ જાહેરાત કરવામાં આવી.
જેદ્દાહમાં થયેલી વાતચીતે યુદ્ધ વિરામની વાતચીતને નવી ગતિ આપી, જે વ્હાઇટ હાઉસમાં યૂક્રેન અને અમેરિકાના રાષ્ટ્રપતિ વચ્ચે સાર્વજનિક વિવાદ બાદ અટકી ગઈ હતી. ત્યારે ટ્રમ્પે એક વીડિયોમાં કહ્યું, ‘યૂક્રેને થોડી વાર પહેલા જ યુદ્ધ વિરામ ઓર સહમતિ વ્યક્ત કરી છે. હવે અમારે રશિયા જવાનું છે કે અને આશા રાખીએ છીએ કે રાષ્ટ્રપતિ વ્લાદિમીર પુતિન પણ આ માટે સંમત થશે. શહેરમાં જે લોકો મરી રહ્યા છે, શહેરમાં બ્લાસ્ટ થઈ રહ્યા છે. અમે ઈચ્છીએ છીએ કે આ યુદ્ધનો અંત આવે. આ પૂર્ણ યુદ્ધ વિરામ છે. આશા છે કે રશિયા પણ સંમત થશે. જો અમે રશિયા પાસેથી આ કરાવી શકીએ, તો તે ખૂબ સારું રહેશે.’
- Advertisement -
હવે તમામની નજરો રશિયા પર
જો કે આ યુદ્ધ વિરામ ત્યાં સુધી પ્રભાવી નહીં થાય, જ્યાં સુધી રશિયા તેને ઔપચારિક રીતે સ્વીકારી ન લે. અમેરિકન રાષ્ટ્રીય સુરક્ષા સલાહકાર માઇકલ વૉલ્ટ્ઝે કહ્યું, “યૂક્રેનના પ્રતિનિધિમંડળે એ સ્પષ્ટ કરી દીધું છે કે તેઓ શાંતિ માટે રાષ્ટ્રપતિ ટ્રમ્પના દ્રષ્ટિકોણનું સમર્થન કરે છે. અમને આ વખતે નક્કર માહિતી મળી છે કે યુદ્ધને કાયમી ધોરણે કેવી રીતે સમાપ્ત કરી શકાય છે, જેમાં લાંબા ગાળાની સુરક્ષા ગેરંટી પણ સામેલ છે.” આ બેઠક એવા સમયે થઈ છે જ્યારે હાલમાં જ યૂક્રેને રશિયા પર મોટો ડ્રોન હુમલો કર્યો હતો, જેમાં 300થી વધુ ડ્રોન છોડવામાં આવ્યા હતા.
જોકે રશિયાએ દાવો કર્યો કે તેણે બધા ડ્રોનને તોડી પાડ્યા, પરંતુ આ હુમલો યુદ્ધમાં યૂક્રેનની આક્રમક વ્યૂહરચના દર્શાવે છે. હવે બધાની નજર રશિયા પર છે કે તે આ યુદ્ધવિરામ પ્રસ્તાવ સ્વીકારે છે કે નહીં. જો આ પ્રસ્તાવ સફળ થાય છે, તો તે ત્રણ વર્ષ લાંબા યુદ્ધને સમાપ્ત કરવાની દિશામાં એક મોટું પગલું સાબિત થઈ શકે છે. રશિયાએ એ પણ સ્પષ્ટ કહ્યું કે કોઈપણ પ્રસ્તાવ પર પહોંચતા પહેલા યૂક્રેનને નાટોમાં જોડાવાનો પોતાનો આગ્રહ છોડવો પડશે. ઉપરાંત, રશિયાના કબજા હેઠળના વિસ્તાર પર કોઈ સમાધાન કરવામાં આવશે નહીં.