SOG ટીમનું સફળ ઓપરેશન, મુખ્ય સૂત્રધારને ઝડપી પાડવા ચક્રો ગતિમાન
ખાસ-ખબર સંવાદદાતા
મોરબી એસઓજી ટીમે બાતમીને આધારે માળીયા ફાટક પાસે પિકઅપ બસ સ્ટોપ નજીકથી બે રાજસ્થાની શખ્સને 149.60 ગ્રામ હેરોઇન ડ્રગ્સ સાથે ઝડપી પાડયા હતા તે દરમિયાન આરોપીઓની પુછપરછમાં અન્ય એક રાજસ્થાની ડ્રગ્સ પેડલરનું નામ ખુલતા આગળની કાર્યવાહી હાથ ધરવામાં આવી હતી. મોરબીમાં નશાના કાળા કારોબાર પર પોલીસ રીતસરની તૂટી પડી હોય તે રીતે એક પછી એક દરોડા કરીને ગુનેગારોને ભોં ભીતર કરી રહી છે.
- Advertisement -
ત્યારે મોરબી એસઓજી ટીમે માળીયા ફાટક નજીક આવેલા પિકઅપ બસ સ્ટોપ પાસેથી રાજસ્થાનના બાડમેર જિલ્લાના વતની આરોપી કૈલાશરામ ગોરખારામ નાઈ (ઉં.વ. 23) અને રમેશકુમાર મોહનરામ સિયાગ (ઉં.વ. 22) નામના શખ્સોને 149.6 ગ્રામ હેરોઈન ડ્રગ્સ (કિં.રૂ. 7,48,000), ત્રણ મોબાઇલ ફોન અને રોકડા રૂપિયા 4600 મળી કુલ રૂ. 7,63,100 ના મુદ્દામાલ સાથે ઝડપી લીધા હતા.
એસઓજીએ હેરોઇન ડ્રગ્સ સાથે ઝડપી લીધેલા બંને શખ્સોની પ્રાથમિક પૂછતાછમાં આરોપીઓએ હેરોઈનનો આ જથ્થો રાજસ્થાનના સાંચોરના રહેવાસી દિનેશ બીશ્નોઈ પાસેથી મેળવ્યો હોવાની કબૂલાત આપતા એસઓજી ટીમે ત્રણેય આરોપીઓ વિરુદ્ધ મોરબી સીટી બી ડિવિઝન પોલીસ મથકમાં એનડીપીએસ એકટ મુજબ ગુન્હો નોંધાવીને ફરાર આરોપીને ઝડપી પાડવા ચક્રો ગતિમાન કર્યા છે.