ભારતની સુપ્રીમ કોર્ટના ચુકાદાનો કર્યો ઉલ્લેખ
ખાસ-ખબર સંવાદદાતા
ભારતની જેમ નેપાળની સુપ્રીમ કોર્ટે પણ ઐતહાસિક ચુકાદો આપીને ત્રણ તલાકની પ્રથાને માન્યતા આપવાનો ઈનકાર કરી દીધો છે. નેપાળની કોર્ટે પોતાના ચુકાદામાં કહ્યુ હતુ કે,નેપાળના જે પણ કાયદા અત્યારે અસ્તિત્વમાં છે તે પ્રમાણે છુટાછેડા માટેના હાલના કાયદા સિવાય અન્ય કોઈ સંપ્રદાયની વિશેષ વ્યવસ્થાનો સ્વીકાર કરવી શકાય તેમ નથી. ઈસ્લામિક શરિયા કાયદાના આધાર પર મહિલાઓને અપાયેલા તલાક અન્યાય છે.
નેપાળની સુપ્રીમ કોર્ટની બે જજની બેન્ચ દ્વારા અપાયેલા ચુકાદામાં એવુ કહેવામાં આવ્યુ છે કે, તમામ ધર્મના પુરુષો માટે એક સમાન કાયદો લાગુ કરવામાં આવ્યો છે. નેપાળમાં ટ્રિપલ તલાકના એક મામલામાં કાઠમંડૂના રહેવાસી મુન્વ્વર હુસેન સામે તેની પત્નીએ સુપ્રીમ કોર્ટમાં રીટ દાખલ કરી હતી. કારણકે તલાક આપ્યા બાદ હુસેને બીજી મહિલા સાથે લગ્ન કર્યા હતા. કોર્ટે કહ્યુ હતુ કે, એક કરતા વધારે લગ્ન કરવા એ નેપાળના કાયદા પ્રમાણે ગુનો છે અને ઈસ્લામિક રિવાજ પ્રમાણે તલાક બાદ કરેલા લગ્ન પણ એક કરતા વધારે લગ્ન જ ગણવામાં આવશે. ઈસ્લામમાં મહિલાઓ સાથે ભેદભાવ કરવાનો અને પુરુષોને વિશેષ અધિકારી આપવાનો કોઈ ઉલ્લેખ નથી એટલે ટ્રિપલ તલાક આપવાની વાત જ અપ્રસ્તુત છે.
નેપાળની સુપ્રીમ કોર્ટે પોતાના ચુકાદામાં ભારતની સુપ્રીમ કોર્ટે ત્રણ તલાકને લઈને આપેલા ચુકાદાનો પણ ઉલ્લેખ કરીને કહ્યુ હતુ કે, ભારતે હવે ટ્રિપલ તલાકની પરંપરાને ગેરકાનૂની જાહેર કરી દીધી છે.