અમેરિકાએ શરૂ કરેલા ટ્રેડવોર તથા બજેટમાં માર્કેટને સીધી રાહત ન મળ્યાની અસર: સેન્સેકસમાં 700 પોઈન્ટથી વધુનું ગાબડું: નવા ઈન્કમટેક્સ બિલ તથા રીઝર્વ બેંકની ધિરાણ નીતિ પર નજર
ખાસ-ખબર ન્યૂઝ રાજકોટ
- Advertisement -
શેરબજાર માટે નવા નાણાકીય વર્ષનું બજેટ ઈવેન્ટલેશ બન્યાના માહોલ બાદ હવે તેની ઈફેકટ આવવા લાગી હોય તેમ ગાબડુ પડયું હતું. બીજી તરફ કરન્સી માર્કેટમાં ડોલર સામે રૂપિયાની મહાડુબકી લાગી હતી અને 55 પૈસાના કડાકા સાથે 87.15ની નવી નીચી સપાટીએ ધસી ગયો હતો. અમેરિકાએ ટ્રેડવોર શરૂ કરીને ચીન, કેનેડા, મેકસીકો પર વધારાની ડયુટી લાદતા ભારતને પણ અસર થવાની આશંકા વ્યકત થવા લાગી હતી. ભારતીય નિકાસને ફટકો પડવાના ભણકારા હતા. ટ્રેડવોરની ઈફેકટ હોય તેમ કરન્સી માર્કેટમાં અમેરિકન ડોલર સામે ભારતીય રૂપિયો 55 પૈસાના ઘટાડાથી રૂા.87.15 સાંપડયો હતો. બીજી તરફ શેરબજારમાં પણ ગાબડુ પડયું હતું. બજેટનો માર્કેટ પર કોઈ સીધો પ્રભાવ ન હતો એટલે ટ્રેડવોરની ભીતિ નબળો રૂપિયો વિદેશી નાણા સંસ્થાઓવાની વેચવાલી એવા કારણોથી નીચે ઉતરી ગયું હતું.
જાણીતા શેરબ્રોકરોના કહેવા પ્રમાણે 12 લાખ સુધીની આવક ટેક્સનું થતા માર્કેટમાં નવું રોકાણ આવી શકે છે પરંતુ આ રોકાણ પરની કમાણી કરપાત્ર બની જાય તેમ હોવાથી ઈન્વેસ્ટરોમાં અસર હતી. હવે રીઝર્વ બેંકની ધીરાણ નીતિ તથા ચાલુ સપ્તાહે રજુ થનારા નવા ઈન્કમટેક્સ બીલ પર નજર કરવામાં આવી રહી છે. જેની માર્કેટ પર વ્યાપક અસર થવાની સંભાવના છે. શેરબજારમાં આજે મોટાભાગના શેરો રેડ ઝોનમાં હતા. બજેટમાં કોઈ રાહત મળી ન હોય તેવા ક્ષેત્રોના શેરોમાં દબાણ હતું. જાહેર ક્ષેત્રની કંપનીઓના શેરોમાં આક્રમક વેચવાલી હોય તેમ ગાબડા પડયા હતા.
કોટક બેંક, લારશન, એનટીપીસી, પાવર ગ્રીડ, રીલાયન્સ, સ્ટેટ બેંક, ટાટા મોટર્સ, ટાટા સ્ટીલ, અલ્ટ્રાટેક સીમેન્ટ, અદાણી પોર્ટ, એશીયન પેઈન્ટ વગેરે શેરોમાં ઘટાડો હતો. ઓટો મોબાઈલ્સ શેરો વધુ ઝળકયા હતા. મારૂતી, મહેન્દ્રા, આઈશર મોટર ઉપરાંત બજાજ ફાઈનાન્સ, ટાઈટન, ઈન્ડુસઈન્ડ બેંક, નેસ્લે વગેરે ઉંચકાયા હતા. મુંંબઈ શેર બજારનો સેન્સેકસ ઈન્ડેક્ષ 700 પોઈન્ટથી નજીકનો ઘટાડો સુચવતો હતો અને 548 પોઈન્ટના ગાબડાથી 76957 સાંપડયો હતો. તે ઉંચામાં 77128 તથા નીચામાં 76756 સાંપડયો હતો. નેશનલ સ્ટોક એક્ષચેંજનો નીફટી 199 પોઈન્ટના ઘટાડાથી 23282 હતો. તે ઉંચામાં 23345 તથા નીચામાં 23222 હતો.