મધ્યસ્થી બનનાર યુવકને ત્રણ શખ્સોએ ગુપ્તીના ઘા ઝીંકીને પતાવી દીધો
બે આરોપીઓ પોલીસના હાથવેંતમાં
ખાસ-ખબર સંવાદદાતા
વાંકાનેરમાં પાડોશીઓ સાથે પૈસાની લેતીદેતી બાબતે લેણીયાતો આવીને વારંવાર ગાળાગાળી કરતા હોઈ સમજાવટ કરવા ગયેલા યુવક પર ત્રણ શખ્સે હુમલો કર્યો હતો અને ગુપ્તી તેમજ છરીના આડેધડ અનેક ઘા ઝીંકી યુવકની હત્યા નીપજાવી હતી અને ત્રણેય શખ્સો નાસી છૂટ્યા હતા. શનિવારે મોડી રાતે બનેલી ઘટનાના પગલે પોલીસે આરોપીઓને ઝડપી લેવા સહિત તપાસના ચક્રો ગતિમાન કર્યા હતા જેમાંથી બે આરોપીઓ હાલ પોલીસના હાથવેંતમાં હોવાની સૂત્રો પાસેથી માહિતી મળી છે. વાંકાનેર નેશનલ હાઈવે પાસે આવેલ અમરનાથ સોસાયટીમાં રહેતો અમિત ઉર્ફે લાલો નામનો યુવક તે જ સોસાયટીમાં રહેતા સુરેશભાઈ વિષ્ણુભાઈ ગોંડલિયાના ઘરે પૈસાની લેતીદેતી મામલે સરફરાઝ તથા ઇમરાન આવીને વારંવાર ગાળાગાળી કરતા હોય તેમને સમજાવવા ગયો હતો ત્યારબાદ અમિત સોસાયટીના નાકે બેઠો હતો ત્યારે ઈનાયત તથા ઈમરાને આવીને અમિતને ગુપ્તી તથા છરીના ઉપરાછાપરી ઘા ઝીંકીને મોતને ઘાટ ઉતારી દીધો હતો.
- Advertisement -
આ અંગે અમિતના ભાઈ હીમાંશુભાઇ અશ્વિનભાઇ કોટેચાએ કરેલી ફરિયાદમાં જણાવ્યું છે કે, અમે ક્ધસ્ટ્રક્શનનો ધંધો કરી ગુજરાન ચલાવીએ છીએ. અમે બે ભાઈ તથા એક બહેન છે. અમિત સૌથી મોટો હતો. બે ત્રણ દિવસ પહેલાં જ અમિતે મને વાત કરી હતી કે બાજુમાં રહેતા સુરેશભાઈએ સરફરાજ તથા ઇમરાન પાસેથી પૈસાની લેતીદેતી કરી છે અને એટલે જ આ બંને અવારનવાર સુરેશના ઘરે આવી ગાળાગાળી કરતા હોઈ મેં બન્નેને ટપાર્યા હતા અને એ બાબત આ બંનેને ગમી નથી. તેઓ ગમે ત્યારે મારી સાથે માથાકૂટ કરશે જ, આથી તું પણ ધ્યાન રાખજે.
શનિવારે રાતે અમિત લેથવાળાની દુકાન પાસે બેઠો હતો ત્યારે અમે સાથે હતા અને મારા પત્નીનો કોલ આવતાં હું ઘરે આવ્યો ત્યારબાદ રાતે એક વાગ્યે મારા પિતરાઈ વિરલ બુધ્ધદેવનો મને ફોન આવ્યો કે, તું અમરનાથ સોસાયટીના નાકે પહોંચ જ્યાં વિરલ હાજર હતો અને અમિત લોહીલુહાણ હાલતમાં નીચે પડ્યો હતો. 108 ની મદદથી અમિતને સરકારી દવાખાને ખસેડવામાં આવ્યો હતો. અમિતના શરીર પર અનેક ઘા ઝીંકાયા હતા અને ખૂબ લોહી વહી ગયું હતું. વાંકાનેર સિવિલ હોસ્પિટલમાં ફરજ પરના તબીબે અમિતને મૃત જાહેર કર્યો હતો. વિરલે કહ્યું કે, અમિતને ઇનાયત ઉર્ફે ઇનીયો અયુબભાઇ પીપરવાડીયા તેમજ ઇમરાન ફારૂકે જ છરી અને ગુપ્તીના ઘા ઝીંક્યા છે. પોલીસે હિમાંશુભાઇ કોટેચાની ફરિયાદના આધારે ત્રણે આરોપી વિરુદ્ધ હત્યાનો ગુનો દાખલ કરી તમામને પકડવા ચક્રો ગતિમાન કર્યા હતા જેમાંથી બે આરોપીઓ પોલીસના હાથવેંતમાં હોવાનું પણ જાણવા મળ્યું છે.