પોરબંદર જિલ્લામાં છેલ્લા બે વર્ષમાં રૂપિયા 270.63 કરોડના ખર્ચે 156 રસ્તાના કામ મંજુર કરવામાં આવ્યા
ખાસ-ખબર ન્યૂઝ પોરબંદર
પોરબંદર બંદરની જેટીને મુખ્ય રસ્તાથી જોડવા માટે રૂપિયા 145.15 કરોડના ખર્ચે કુલ 3.8 કિ.મી. લાંબો ફોર લેન રોડ બનાવવામાં આવશે. આ અંગે વિધાનસભામાં પોરબંદરના ધારાસભ્ય અર્જુનભાઈ મોઢવાડિયા દ્વારા પુછવામાં આવેલ પ્રશ્નના જવાબ આપતા માનનીય મત્સ્યઉદ્યોગ અને બંદર વિભાગના મંત્રી રાઘવજીભાઈ પટેલે આ માહિતી આપી હતી. આ અંગે માહિતી આપતા ધારાસભ્ય અર્જુનભાઈ મોઢવાડિયાએ જણાવ્યું હતું કે રાજ્ય સરકારે પોર્ટલેડ સિટી ડેવલપ કરવા માટે જે ચાર બંદર પસંદ કર્યા છે તેમાં પોરબંદરનો પણ સમાવેશ કર્યો છે. પોરબંદર બંદર દ્વારા અંદાજે 94 લાખ 50 હજાર મેટ્રીક ટન કાર્ગો છેલા પાંચ વર્ષમાં હેન્ડલ કરવામાં આવેલ છે. ગુજરાત મેરીટાઈમ બોર્ડ દ્વારા સંચાલિત આ બંદરથી રૂપિયા 100 કરોડથી વધુનું રેવન્ય મળેલ છે. વર્ષ 1961 માં બંદરની જેટીને મુખ્ય રસ્તા સાથે જોડતો રોડ ટૂ લેન બનાવવામાં આવેલ. ત્યારથી ગુજરાત મેરીટાઈમ બોર્ડ દ્વારા આ રસ્તાની જાણવણી કરવામાં આવે છે. પોરબંદર બંદરની જેટીને મુખ્ય રસ્તાથી જોડવા માટે રૂપિયા 1.45.15 કરોડના ખર્ચે કુલ 3.8 કિ.મી. લાંબો ફોર લેન રોડ બનાવવાની દરખાસ્ત મંજુર થયેલ છે. જેમાંથી રૂપિયા 38 કરોડ 89 લાખ રોડ કામ માટે, 1 કરોડ 40 લાખ રૂપિયા ભાગ બી મરીન પોલીસ બ્રીજ ટુ લેન માટે, બાપા સીતારામ બીજ માટે 75 લાખ રૂપિયા, કલ્વટ 1,2,3,4 અને ખોડિયાર મંદિરના બ્રીજ ફોર લેન કરવા માટે રૂપિયા 7 કરોડ 33 લાખ, 15 ટકા વિદ્યુતીકરણ માટે રૂપિયા 7 કરોડ 25 લાખ રૂપિયા, જમીન સંપાદન માટે રૂપિયા 88 કરોડ 25 લાખ, ગ્રીન બેલ્ટ વિકાસ અને ચેર પ્લાન્ટેશન માટે રૂપિયા 95 લાખ, તેમજ અન્ય ખર્ચ અને જી.એસ.ટી. સહિત કુલ 145.15 કરોડ રૂપિયાનો ખર્ચ કરવામાં આવશે. સાથે જ લગભગ 125 વર્ષ જુના ડેક બ્રીજની જગ્યાએ સમાંતર નવો બ્રીજ બનાવવાની કામગીરી હાથ ધરવામાં આવનાર છે. સાથે જ ધારાસભ્ય અર્જુનભાઈ મોઢવાડિયાએ સુચન કર્યુ હતું કે ગુજરાત મેરીટાઈમ બોર્ડ સ્વાયત બોર્ડ છે, જેથી તેને રોડ બનાવવા મહેસુલ વિભાગ પાસેથી ધારા-ધોરણ મુજબ નાણાં ચુકવી જમીન મેળવવી પડે. જેમાં સમય લાગી શકે છે, આ રસ્તો મેરીટાઈમ બોર્ડના બંદરના જોડાણની સાથે સુભાષનગરને પણ જોડે છે, જેથી માર્ગ અન મકાન વિભાગ ડીપોઝિટ વર્ક તરીકે કામ કરે તો ઝડપથી કામ થઈ શકે તેમ છે. આ મામલે મત્સ્યઉદ્યોગ અને બંદર વિભાગના મંત્રી રાઘવજીભાઈ પટેલે આ સુચન અંગે વિચાર કરવાની ખાતરી આપી છે. સાથે જ ધારાસભ્ય અર્જુનભાઈ મોઢવાડિયા દ્વારા પોરબંદર તાલુકા અને જિલ્લામાં છેલ્લા બે વર્ષ દરમિયાન મંજુર થયેલ રસ્તાઓની વિગતો અંગે પુછેલ પ્રશ્નના જવાબમાં મુખ્યમંત્રી ભુપેન્દ્રભાઈ પેટેલ જણાવ્યું હતું કે પોરબંદર જિલ્લામાં વર્ષ 2023 માં રૂપિયા 11.73 કરોડના ખર્ચે 7 રસ્તાના કામ મંજુર થયા હતા. જ્યારે વર્ષ 2024 માં રૂપિયા 258.90 કરોડના ખર્ચે 149 રસ્તાઓના કામો મંજુર કરવામાં આવ્યા છે. જે પૈકી વર્ષ 2023 માં પોરબંદર તાલુકામાં રૂપિયા 6.27 કરોડના ખર્ચે 4 રસ્તાના કામ મંજુર થયા હતા. જ્યારે કુતિયાણા તાલુકામાં રૂપિયા 5.46 કરોડના ખર્ચે 3 રસ્તાના કામો મંજુર થયા હતા. વર્ષ 2024 માં પોરબંદર તાલુકામાં રૂપિયા 125.1 કરોડના ખર્ચે 77 રસ્તાઓના કામ મંજુર કરાયા છે, કુતિયાણા તાલુકામાં રૂપિયા 77.55 કરોડના ખર્ચે 40 રસ્તાઓના કામો અને રાણાવવા તાલુકામાં રૂપિયા 56.25 કરોડના ખર્ચે 32 રસ્તાઓના કામો મંજુર કરાયા છે. માનનીય મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પેટેલ વધુમાં જણાવ્યું હતું કે પોરબંદર જિલ્લામાં છેલ્લા 2 વર્ષ દરમિયાન મંજુર કરાયેલ 156 રસ્તાઓના કામો પૈકી 6 કામો પૂર્ણ કરી લેવામાં આવેલ છે. 62 રસ્તાના કામ અત્યારે પ્રગતિ હેઠળ છે. 85 રસ્તાઓના કામો હવે શરૂ થનાર છે, તેમજ 1 રસ્તાનું કામ સુધારેલ જોબનંબર હેઠળ છે.