શંકરાચાર્યથી લઈ સોનલધામ સુધીના સંતોએ અંધવિશ્ર્વાસને નકાર્યો; મનોવિજ્ઞાને ધુણવાને ગણાવ્યું માનસિક રોગ
સનાતન હિન્દુ ધર્મ માનવને ડરાવીને ભગવાન સુધી પહોંચાડતો ધર્મ નથી, પરંતુ જ્ઞાન, તર્ક, આત્મબોધ અને કર્તવ્ય દ્વારા માનવને મજબૂત બનાવતો શાશ્વત વિચારપ્રવાહ છે. વેદ, ઉપનિષદ, ભગવદગીતા અને દર્શનશાસ્ત્રોમાં હિન્દુ ધર્મનું મૂળ સ્વરૂપ સ્પષ્ટ રીતે દર્શાવવામાં આવ્યું છે-પ્રશ્ન પૂછો, વિચાર કરો, અનુભૂતિથી સત્યને ઓળખો. છતાં સમય જતાં હિન્દુ ધર્મના નામે ભુવા, ઢોંગ, ધુણવું, માતાજી આવવા, ભૂત-પિશાચ-ચુડેલ જેવા ભ્રમો સમાજમાં ઘૂસી ગયા, જેને ધર્મ તરીકે રજૂ કરવામાં આવે છે. આ પ્રવૃત્તિઓ ન તો શાસ્ત્રસંગત છે, ન તો વૈજ્ઞાનિક, અને ન તો હિન્દુ સંસ્કૃતિના મૂળ સ્વભાવ સાથે સુસંગત છે. હિન્દુ ધર્મમાં ભય આધારિત પૂજા કે માનસિક શોષણ માટે કોઈ સ્થાન નથી; અહીં આત્મવિશ્વાસ, વિવેક અને મનોબળ પર ભાર છે. ભગવદગીતા સ્પષ્ટ કહે છે-ઉદ્ધરે આત્મનાઽત્માનં-માણસે પોતે પોતાનો ઉદ્ધાર કરવો જોઈએ; ભુવા, ભૂત કે બાહ્ય શક્તિ પર નિર્ભર રહેવું સનાતન વિચાર નથી. ગુજરાતી સંસ્કૃતિમાં જેને ‘ધુણવું’ અથવા ‘માતાજી આવવા’ તરીકે ઓળખવામાં આવે છે, તેને આધુનિક મનોવિજ્ઞાન ચોક્કસ માનસિક સ્થિતિઓ તરીકે સમજાવે છે. સૌથી સામાન્ય સ્થિતિ છે ડિસોસિએટિવ ટ્રાન્સ ડિસઓર્ડર, જેને ગુજરાતીમાં ‘વિસંલગ્ન ચેતના-સ્થિતિનો વિકાર’ કહેવાય છે; તેમાં વ્યક્તિ પોતાની ઓળખથી અસ્થાયી રીતે વિમુખ થઈ જાય છે અને તેને લાગે છે કે કોઈ બાહ્ય શક્તિ તેના શરીરમાં પ્રવેશી છે, પરિણામે અવાજ બદલાઈ જવો, શરીર ધ્રૂજવું, આંખો ચડાવવી કે ભવિષ્યવાણી કરવી જેવા લક્ષણો દેખાય છે. બીજી સ્થિતિ છે ક્ધવર્ઝન ડિસઓર્ડર, એટલે કે ‘માનસિક તણાવનું શારીરિક રૂપાંતર’, જેમાં તીવ્ર તણાવ અથવા દબાયેલી લાગણીઓ શરીર દ્વારા બહાર આવે છે અને ધુણવું તેનું સ્વરૂપ બની જાય છે. ત્રીજી ગંભીર બીમારી છે સીઝોફ્રેનિયા, એટલે કે ‘વિભ્રમજન્ય માનસિક વિકાર’, જેમાં સતત અવાજો સંભળાવા, દ્રશ્યો દેખાવા અથવા ભગવાન સીધા આદેશ આપે છે એવો દૃઢ ભ્રમ જોવા મળે છે. ચોથી સ્થિતિ છે બાયપોલર ડિસઓર્ડરનો મેનિયા તબક્કો, એટલે કે ‘ઉન્માદ અવસ્થા’, જેમાં વ્યક્તિ અતિશય ઊર્જાવાળી બની જાય છે અને પોતાને મહાન કે દૈવી શક્તિ ધરાવતી માનવા લાગે છે. આ તમામ સ્થિતિઓ ભૂત-પ્રેત કે વળગાડ નથી, પરંતુ માનસિક સ્વાસ્થ્યની સમસ્યાઓ છે, અને સમયસર મનોચિકિત્સકની સારવાર તથા યોગ્ય કાઉન્સેલિંગથી વ્યક્તિ સંપૂર્ણ સામાન્ય જીવન જીવી શકે છે.
આ બાબત અહીં જ અટકતી નથી; હિન્દુ ધર્મના મૂળ ગ્રંથો પોતે જ આવા અંધવિશ્વાસોને નકારી નાખે છે. ઋગ્વેદમાં પ્રાર્થના છે-અપ ન:શોષુચદઘમ્અપ દુષ્વપ્ન્યમ્ અપ-અર્થાત્ હે ઈશ્વર, અમારાથી દુ:સ્વપ્ન, ભ્રમ અને અજ્ઞાન દૂર કરો; અહીં ભય કે ભૂતને નહીં, પરંતુ મનના ભ્રમને દૂર કરવાની વાત છે. યજુર્વેદના ઈશાવાસ્ય ઉપનિષદમાં સ્પષ્ટ કહેવાયું છે-અંધં તમ: પ્રવિશન્તિ યે=વિદ્યામુપાસતે-જે લોકો અજ્ઞાનની ઉપાસના કરે છે, તેઓ અંધકારમાં પ્રવેશે છે; એટલે અંધવિશ્વાસને ધર્મ માનવો એ સીધો અંધકારનો માર્ગ છે. કઠ ઉપનિષદ સૃષ્ટિના નિયમો વિશે કહે છે કે જગત ભયથી નહીં પરંતુ તત્વ અને નિયમથી ચાલે છે, એટલે ભૂત-પ્રેતના ડર પર આધારિત માન્યતાઓ સનાતન વિચારથી વિરુદ્ધ છે. મુંડક ઉપનિષદ ચેતવે છે કે અવિદ્યાયાં રતા: યે-જે અજ્ઞાનમાં મગ્ન છે, તેઓ પોતાને જ જ્ઞાની માને છે; ભુવા અને ઢોંગીઓ માટે આ સીધી ચેતવણી છે. ભગવદગીતા કહે છે-ય: શાસ્ત્રવિધિમુત્સૃજ્ય વર્તતે કામકારત:-જે શાસ્ત્રોને છોડીને મનગમતું કરે છે, તેને ન સિદ્ધિ મળે ન સુખ; એટલે શાસ્ત્રવિરોધી ભુવા સંસ્કૃતિ હિન્દુ ધર્મ નથી. આ શાસ્ત્રીય આધારને મહાન સનાતન વિચારકોએ જીવનમાં ઉતાર્યો. આદિ શંકરાચાર્યના અદ્વૈત વેદાંત અનુસાર અજ્ઞાનથી ભ્રમ જન્મે છે અને જ્ઞાનથી નાશ પામે છે; ભૂત-પિશાચ-ચુડેલ જેવી માન્યતાઓ અજ્ઞાનનું ફળ છે, સત્યનું નહીં. રામાનુજાચાર્યે ભક્તિને બુદ્ધિ અને માનવ ગૌરવ સાથે જોડીને રજૂ કરી અને ડરાવતી, શોષણકારી ભક્તિનો ઇનકાર કર્યો. સ્વામી વિવેકાનંદે ખુલ્લેઆમ કહ્યું કે જે ધર્મ માણસને ડરાવે અને કમજોર બનાવે તે ધર્મ નથી; અંધશ્રદ્ધા રાષ્ટ્રની શક્તિ નબળી પાડે છે, જ્યારે હિન્દુ ધર્મ આત્મવિશ્વાસ અને સાહસ શીખવે છે. બજરંગદાસ બાપા જેવા સંતોએ સેવા, સંયમ અને સાદગી દ્વારા સાબિત કર્યું કે સાચી ભક્તિ માનવ કલ્યાણમાં છે, ભૂત ઉતારવામાં નથી. આધુનિક સમયમાં આઈ શ્રી સોનલમાં (જગદંબા સ્વરૂપ)નું ઉદાહરણ વિશેષ મહત્વનું છે; તેમણે ભુવા-દાણા જોવાની પ્રથા સામે સ્પષ્ટ અને સાહસિક વિરોધ કર્યો, બીમારી માટે ડોક્ટર પાસે જવાની સલાહ આપી અને સ્ત્રીઓના માનસિક શોષણ સામે અવાજ ઉઠાવ્યો, સ્પષ્ટ શબ્દોમાં કહ્યું કે દેવી ડરાવવા નથી આવતી, દેવી જાગૃત કરવા આવે છે. આ બધાનો સાર એ છે કે ભૂત, પિશાચ, ચુડેલ અને ભુવા આધારિત અંધવિશ્વાસ હિન્દુ ધર્મના જળમૂળમાં નથી; વેદાંત તેમને મિથ્યા ગણાવે છે અને મનોબળ નબળું પડે ત્યારે ઊભી થતી કલ્પનાઓ તરીકે ઓળખે છે. સાચી ભક્તિ એટલે માતા-પિતાનો સન્માન, કર્મમાં નિષ્ઠા, સ્ત્રીનું ગૌરવ, અન્યાય સામે અવાજ અને સમાજ તથા રાષ્ટ્ર પ્રત્યે જવાબદારી. હિન્દુ ધર્મને બચાવવો હોય તો ભુવા નહીં, વેદ વાંચવા પડશે; ડર નહીં, વિચાર અપનાવવો પડશે; અંધભક્તિ નહીં, જાગૃત શ્રદ્ધા વિકસાવવી પડશે. સનાતન ધર્મ જ્ઞાનથી જીવંત રહે છે, જ્યારે અંધવિશ્વાસ સમાજને અંધકારમાં ધકેલે છે.
હ અવિદ્યા (અજ્ઞાન)માંથી ભય જન્મે છે : આદિ શંકરાચાર્ય
હ ભૂત-પ્રેત, ભુવા, ટોણા-ટુણા મનનો ભ્રમ છે.
હ આત્મા અજન્મા અને અમર છે તે ભૂત બની શકે નહીં.
હ જે લોકો ભૂત-પ્રેતમાં ડરે છે, તે અજ્ઞાનમાં જીવે છે
હ અવિદ્યા (અજ્ઞાન)માંથી ભય જન્મે છે.
હ અજ્ઞાનથી જ ભય ઉત્પન્ન થાય છે; જ્ઞાનથી ભય નાશ પામે છે.
- Advertisement -
રામાનુજાચાર્ય શું કહે છે?
વિશિષ્ટાદ્વૈત વેદાંતના સ્થાપક હતા અને ભક્તિ માર્ગને પ્રાધાન્ય આપ્યું છે. ભગવાન વિષ્ણુની શરણાગતિ પછી કોઈ ભૂત-પ્રેત કે નકારાત્મક શક્તિ અસર કરી શકે નહીં. ભૂત પ્રેતનો ભય રાખવો ભગવાન પર અપૂર્ણ વિશ્વાસ સમાન છે. જે નારાયણ પર સંપૂર્ણ આશ્રય રાખે છે, તેને કોઈ ભય રહેતો નથી.
ભુવા-ધૂળવું વગેરે સનાતન ધર્મ નથી બસ નાટક છે : મોહનગિરી મહારાજ
મોહનગિરી મહારાજ જે હાલ સોશિયલ મીડિયામાં ખૂબ વાયરલ છે. અને મહાકાળી માતાના પરમ ભક્ત છે. તે કહે છે કે તમે કઈ રીતે કહી શકો કે મારી અંદર શક્તિ(દેવી)/મહાકાળી માતા આવે છે. જેની સામે મહાદેવને પણ ઝૂકવું પડતું હોય એવી શક્તિ તમારી અંદર કઈ રીતે પ્રવેશ કરી શકે. અરે મહાકાળી મા જો માનવ શરીર માં પ્રવેશ કરે તો માનવ શરીર આટલી દિવ્ય ઊર્જાને સહન કરી જ ન શકે માનવ શરીર તાત્કાલિક ફાટી ને ટુકડા ટુકડા થઈ જાય છે. જેની ખાલી નઝર જ ધરતી પર પડે તો ધરતી નષ્ટ થઈ જાય તમે આવી શક્તિ ના દાવ કઈ રીતે કરી શકો કે આ શક્તિ મારી અંદર આવે છે એવા લોકોને બોલાવો અને હું મારા આશ્રમ માં માત્ર બે ચાબુક મારીશ એટલે બધી ધૂણતી હરકતો નીકળી જશે.



