પોલીસે સીસીટીવી ફૂટેજના આધારે તપાસ હાથ ધરી
ખાસ-ખબર ન્યૂઝ જૂનાગઢ, તા.14
- Advertisement -
જૂનાગઢમાં તસ્કરોથી યુકો બેંકનું એટીએમ ન તૂટતા અને રૂપિયા હાથ ન લાગતા તોડફોડ કરી નાસી ગયા હતા. શહેરમાં કાળવા ચોક સ્થિત પ્લેટિનિયમ આર્કેડમાં યુકો બેન્ક શાખા બહાર યુકો બેંકનું એટીએમ ગઈ તારીખ 7 મેના રોજ ખુલ્લુ હોવાની અને તેનો લોક તોડવામાં આવ્યો હોવાની જાણ થતાં બ્રાન્ચ મેનેજર વિજયભાઈ ભગવાનજીભાઈ વિસાવેલીયાએ જઈને જોતા એટીએમ ખુલ્લું. મેઈન દરવાજાનો લોક તૂટેલો હોવાનું અને અંદરના એટીએમ વોલ્ટનું પતરૂ વાળેલું તેમજ હેન્ડલ તોડવાનો પ્રયાસ કરવામાં આવ્યો હોવાનું જોવા મળ્યું હતું.
બાદમાં બેંકના સીસીટીવી ફૂટેજ ચેક કરતા રાત્રિના 12:30 વાગ્યાથી 3 વાગ્યા દરમિયાન અજાણ્યા શખ્સે એટીએમમાં પ્રવેશી તેનો મેઇન દરવાજો તોડી અંદરથી રૂપિયા કાઢવાનો પ્રયાસ કરતો હોવાનું માલુમ પડયું હતું. આથી જાણ કરતા પોલીસે પણ પહોંચીને સીસીટીવી ફૂટેજ ચેક કર્યા હતા. એટીએમ તોડવાનો અને ચોરીનો પ્રયાસ કરી રૂપિયા 2.50 લાખનું નુકસાન કર્યાની ફરિયાદ મૈનેજર વિજય વિસાવેલીયાએ કરતા બી. ડિવિઝન પોલીસે તપાસ હાથ ધરી હતી.