જૂનાગઢ અગ્નિકાંડ મામલે રાજ્યના પોલીસ વડાને પત્ર
ખાસ-ખબર ન્યૂઝ જૂનાગઢ, તા.14
- Advertisement -
જૂનાગઢ શહેરમાં ગત તા.7-5-2025ના રોજ ઝાંઝરડા ચોકડી પાસે મનપા જેસીબીના ડ્રાઈવર દ્વારા ખાડો ખોદતાં સમયે ગેસ લાઈન લીક થતા અગ્નિકાંડની ઘટના બની હતી જેમાં એક માસુમ બાળકી સહીત ત્રણ નિર્દોષ લોકોના મૃત્યુ નિપજ્યા હતા આ ઘટના માનવ સર્જિત હોવાના મામલે જૂનાગઢ કોંગ્રેસ કાર્યકારી પ્રમુખ અમિત પટેલે રાજ્યના પોલીસ વડા વિકાસ સહાયને લેખિત પત્ર લખી મહાનગર પાલિકાના જવાબદાર અધિકારી સહીત સામે ગુનો દાખલ કરવા માંગ કરી છે.
ગેસલાઇન અગ્નિકાંડ મામલે રાજ્ય પોલીસ વડાને લેખિત પત્ર લખી માંગ કરી છે કે, પ્રથમ જવાબદાર મનપાના ઇજનેર તેમજ કમિશનર તેમજ ટોરેન્ટ કંપનીના જવાબદાર અધિકારી, કોન્ટ્રાકટર અને જેસીબી ડ્રાઇવર સહિત પાંચેય અગ્નિકાંડમાં જવાબદાર છે. તેમ છતાંય મગર મચ્છોને બચાવી નાની માછલી જેસીબીના ડ્રાઇવર એકને જ તોહમતદાર બનાવી સંતોષ માની લીધો છે ફરી હકિકતે હજુ ચાર દોષીત હોવા છતાં તેમનો એફઆઇઆરમાં કયાંય ઉલ્લેખ થયો નથી. જ્યારે આટલી મોટી ગંભીર બેદરકારીમાં જવાબદાર મોટા મગર મચ્છો બચી જશે તો આવી ઘટનાઓનું વકતો વખત પુનરાવર્તન થતુ રહેશે. જેથી ખરા દોષીતો સામે એફઆઇઆરમાં ઉમેરો કરી તમામ સામે કાર્યવાહી કરવાની માંગ કરી છે.