વેવિશાળનાં ઠીક એક દિવસ પહેલા શબરીએ પોતાનું ઘર છોડી દીધું અને ત્યાંથી ભાગીને સીધા દંડકારણ્ય પહોંચી ગયા, દંડકારણ્યમાં ઋષિ-મુનિઓ તપસ્યા કરતાં, જેમની સેવા કરવા માટે શબરી ઇચ્છુક હતાં
મોડર્ન ધર્મ
– પરખ ભટ્ટ
– પરખ ભટ્ટ
રામાયણમાં એક પ્રસંગનો ઉલ્લેખ છે, જેમાં માતા સીતાને શોધતાં શોધતાં શ્રીરામ લક્ષ્મણની સાથે દંડકારણ્યમાં રસ્તો ભટકી જાય છે અને માતા શબરીનાં આશ્રમે પહોંચી જાય છે. સ્વયં શ્રીરામને પોતાનાં આંગણે પધારેલા જોઇને શબરી ઘડીકભર એમને પ્રસાદમાં શું ધરવું એની અસમંજસમાં પડી જાય છે. પોતાની ઝૂંપડીમાં જઈને જુએ છે, તો સામે થોડાક બોર દેખાય છે… પરંતુ ક્યાંક એ ખરાબ કે ખાટા તો નથી ને એ જોવા માટે તે પોતે એકે-એક બોરને ચાખે છે. સારા-સારા બોર વીણીને તે ભગવાન રામને આપે છે. શબરીનાં એંઠા બોરને પણ પ્રભુ પ્રેમપૂર્વક આરોગી લે છે.
ભગવાન રામ પ્રત્યેનાં શબરીનાં ભક્તિભાવની આ કથા આપણે નાનપણથી સાંભળતા આવ્યા છીએ. માતા શબરીનો એ આશ્રમ છત્તીસગઢનાં શિવરીનારાયણમાં ‘શિવરીનારાયણ પરિસર’ ખાતે સ્થિત છે. મહાનદી, ઝોંક અને શિવનાથ નદીનાં કિનારે સ્થિત આ મંદિર તથા આશ્રમ પ્રકૃતિનાં રમણીય સ્થળોથી ઘેરાયેલો છે! શબરીએ જે વૃક્ષનાં પાંદડામાં બોર રાખીને ભગવાન રામને જમાડ્યા હતાં, એ કૃષ્ણ વડનું ‘કટોરીનુમા’ પાંદડુ આજે પણ એ સ્થાન પર મળી આવે છે.
શિવરીનારાયણ મંદિરને કારણે જ આ સ્થાન છત્તીસગઢની જગન્નાથપુરીનાં નામે પ્રસિદ્ધ થયું છે. માન્યતા પ્રમાણે, આ સ્થાન પર જ પ્રાચીન સમયમાં ભગવાન જગન્નાથની પ્રતિમા સ્થાપિત કરવામાં આવી હતી, પરંતુ પછીથી એમને પુરી લાવવામાં આવ્યા! સ્થાનિક લોકોની આ આસ્થાને લીધે જ એવું માનવામાં આવે છે કે આજના સમયમાં પણ ભગવાન જગન્નાથ અહીં અવારનવાર મુલાકાત લે છે. છત્તીસગઢના બિલાસપુરથી 64 કિલોમીટર અને રાયપુરથી 120 કિલોમીટર દૂર ઝાંઝગીર-ચાંપા જિલ્લામાં આવેલા શિવરીનારાયણને પહેલાનાં સમયમાં માતા શબરીનાં નામે શબરીનારાયણ તરીકે ઓળખવામાં આવતું હતું. જે બાદમાં, શિવરીનારાયણનાં નામે પ્રચલિત થયું.
- Advertisement -
દેશના સૌથી પ્રચલિત ચાર ધામમાં ઉત્તર ભારતના બદ્રીનાથ, દક્ષિણ ભારતના રામેશ્વરમ, પૂર્વ ભારતના જગન્નાથપુરી અને પશ્ચિમ ભારતના દ્વારકાધામનો સમાવેશ થાય છે, પરંતુ મધ્યમાં સ્થિત શિવરીનારાયણને ‘ગુપ્તધામ’ તરીકે ઓળખવામાં આવે છે. આ વાતનું વર્ણન રામાવતારચરિત્ર અને યાજ્ઞવલ્ક્ય સંહિતામાં પણ મળી આવે છે.
શબરીનું વાસ્તવિક નામ શ્રમણા હતું. તેનો સંબંધ ભીલ સમુદાયની શબર જાતિ સાથે હતો. શબરીનાં પિતા પોતે ભીલોનાં રાજા હતાં. કહેવામાં આવે છે કે શબરીનાં વિવાહ એક ભીલ કુમાર સાથે નક્કી થયા હતાં. વિવાહની પહેલા કંઈ-કેટલાય બકરા-ભેંસને બલિ ચડાવવા માટે લાવવામાં આવ્યા, જેને જોઇને શબરીનું હ્રદય અત્યંત દુભાયું. એમને થયું કે આ તે વળી કેવા લગ્ન, જેમાં સેંકડો નિર્દોષ પશુની આહુતિ આપી દેવામાં આવે?
માતંગ ઋષિના મૃત્યુ પછી શબરીનો મોટાભાગનો સમય ભગવાન શ્રીરામની પ્રતિક્ષામાં વીતવા લાગ્યો, આખો દિવસ તેઓ આશ્રમની સાફસફાઈ કરીને એને ચોખ્ખો-ચણાંક રાખવાનો પ્રયત્ન કરતા
છત્તીસગઢના બિલાસપુરથી 64 કિલોમીટર અને રાયપુરથી 120 કિલોમીટર દૂર ઝાંઝગીર-ચાંપા જિલ્લાામાં આવેલા શિવરીનારાયણને પહેલાનાં સમયમાં માતા શબરીનાં નામે શબરીનારાયણ તરીકે ઓળખવામાં આવતું હતું, જે બાદમાં, શિવરીનારાયણનાં નામે પ્રચલિત થયું
વેવિશાળનાં ઠીક એક દિવસ પહેલા શબરીએ પોતાનું ઘર છોડી દીધું અને ત્યાંથી ભાગીને સીધા દંડકારણ્ય પહોંચી ગયા. દંડકારણ્યમાં ઋષિ-મુનિઓ તપસ્યા કરતાં, જેમની સેવા કરવા માટે શબરી ઇચ્છુક હતાં, પરંતુ નીચી જાતિની હોવાને લીધે તેઓ ખચકાટ અનુભવી રહ્યા હતાં. તેમને મનમાં આશંકા હતી કે કોઇ ઋષિ એમની સેવાનો સ્વીકાર નહીં કરે! આખરે તેમને એક રસ્તો સૂઝ્યો. દરરોજ સવારે ઋષિ-મુનિઓ જાગે એ પહેલા એમના આશ્રમથી માંડીને નદી સુધીનો રસ્તો તેઓ સાફ કરી નાખતા. માર્ગમાંથી કાંટા દૂર કરીને તેઓ ત્યાં રેતીની ચાદર બિછાવી દેતા, જેથી કોઇના પગ લોહીલુહાણ ન થાય! શબરી આ બધું એવી રીતે કરતા હતાં કે કોઇને એની ખબર સુદ્ધાં ન પડે. એક દિવસ માતંગ ઋષિની નજર શબરી પર પડી. એમના સેવાભાવથી અતિ પ્રસન્ન થઈને ઋષિએ શબરીને પોતાનાં આશ્રમમાં શરણ આપી. માતંગ ઋષિના આ પગલાનો ખૂબ પ્રબળ સામાજિક વિરોધ કરવામાં આવ્યો, એમ છતાં એમણે શબરીને આશ્રમમાંથી નિષ્કાસિત ન કર્યા. મૃત્યુની આખરી ક્ષણોમાં માતંગ ઋષિએ શબરી પાસેથી વચન લીધું કે એમનાં અવસાન પછી પણ તેઓ આશ્રમ છોડીને ક્યાંય ન જાય, કારણકે ભગવાન વિષ્ણુના અવતાર પ્રભુ શ્રી રામ પોતે અહીં એક દિવસ પધારવાનાં છે!
- Advertisement -
માતંગ ઋષિના મૃત્યુ પછી શબરીનો મોટાભાગનો સમય ભગવાન શ્રીરામની પ્રતિક્ષામાં વીતવા લાગ્યો. આખો દિવસ તેઓ આશ્રમની સાફસફાઈ કરીને એને ચોખ્ખો-ચણાંક રાખવાનો પ્રયત્ન કરતા. ભગવાન રામ માટે દરરોજ તેઓ વૃક્ષ પરથી તાજા-મીઠા બોર તોડી લાવતાં. બોરમાં જંતુ ન આવી જાય કે પછી એ ખાટ્ટા ન થઈ જાય, એ માટે તોડતી વખતે દરેકે-દરેકને ખાસ ચાખવાનો તેઓ આગ્રહ રાખતા. આમ કરતાં-કરતા કેટલાય વર્ષો વીતી ગયા. એક દિવસ શબરીને જાણ થઈ કે બે યુવકો એમને શોધી રહ્યા છે. તેઓ તરત જ સમજી ગયા કે પ્રભુ રામનું આગમન થઈ ચૂક્યું છે, પરંતુ વર્ષો વીતી ગયા હોવાને લીધે તેઓ હવે વૃદ્ધ થઈ ચૂક્યા હતાં. સફેદ વાળ, કરચલીવાળો તેજસ્વી ચહેરો અને લાકડીનાં સહારે ચાલતું એક વૃદ્ધ શરીર! ઉંમર થઈ ગઈ હોવા છતાં ભગવાન શ્રીરામનાં આગમનની ખબર સાંભળતાં જ તેમને પોતાની વયનું પણ ભાન ન રહ્યું! દોડીને તેઓ શ્રીરામ-લક્ષ્મણ પાસે પહોંચ્યા અને હાથ પકડીને એમને આશ્રમ લઈ આવ્યા. પ્રભુના ચરણકમળોને પોતાનાં હાથે ધોઇને તેઓ ખૂબ રાજી થયા. સ્વહસ્તે તોડેલા મીઠા બોર તેમણે બંને ભાઈઓને ધર્યા. ભગવાન રામે ખૂબ પ્રેમ અને આદરભાવપૂર્વક બોર આરોગ્યા અને લક્ષ્મણને પણ ખાવા માટે જણાવ્યું, પરંતુ લક્ષ્મણને શબરીનાં એંઠા બોર ખાવામાં સંકોચ થઈ રહ્યો હતો. રામનું માન રાખવા માટે એમણે બોર ઉઠાવ્યા તો ખરા, પરંતુ ગ્રહણ ન કર્યા! જેનું પરિણામ એ આવ્યું કે રામ-રાવણ યુદ્ધમાં જ્યારે શક્તિબાણનો પ્રયોગ કરવામાં આવ્યો, ત્યારે તેઓ મૂર્છિત બની ગયા હતાં!