ફાઈનલમાં બેંગાલુરુનો પંજાબ સામે છ રનથી રોમાંચક વિજય : બેંગાલુરુ-કોહલીના 17 વર્ષના ઈન્તઝારનો અમદાવાદમાં અંત
અમદાવાદના નરેન્દ્ર મોદી સ્ટેડિયમમાં પંજાબ કિંગ્સને 6 રને હરાવીને રોયલ ચેલેન્જર્સ બેંગ્લોર (RCB)એ IPL 2025 જીત્યું. સંપૂર્ણ સ્કોરકાર્ડ, મેચ હાઇલાઇટ્સ અને 2008 થી 2025 સુધીના IPL વિજેતાઓની સંપૂર્ણ યાદી જુઓ.
- Advertisement -
રોયલ ચેલેન્જર્સ બેંગાલુરુએ દિલધડક ફાઈનલમાં છ રનથી પંજાબ કિંગ્સને હરાવીને આઇપીએલમાં પહેલીવાર ચેમ્પિયન બનવાની સિદ્ધિ મેળવી હતી. બેંગાલુરુ સાથે આઇપીએલ ટ્રોફી માટેના કોહલીના પણ 17 વર્ષના ઈંતજારનો સુખદ્ અંત આવ્યો હતો. અમદાવાદમાં રમાયેલી રોમાંચક ફાઈનલમાં કોહલીની 43 રનની ઈનિંગને સહારે રોયલ ચેલેન્જર્સ બેંગાલુરુએ નવ વિકેટે 190 રન નોંધાવ્યા ત્યારે બધાને પંજાબની જીત આસાન લાગતી હતી. જોકે કૃણાલ પંડયાએ માત્ર 17 રનમાં બે વિકેટ ઝડપતાં તેમજ ભુવનેશ્વર સહિતના બોલરોએ કમાલ કરતાં પંજાબની ટીમ આખરે સાત વિકેટે 184 રન સુધી જ પહોંચી શકતાં હારી ગઈ હતી.
શશાંક સિંઘે આખરી ચાર બોલ પર 6,466 એમ કુલ 22 રન ફટકાર્યા હતા, પણ તેની 30 બોલમાં 61* રનની ઈનિંગ બેંગાલુરુની જીતને અટકાવી શકી નહતી. શ્રેયસ ઐયરનું સતત બીજી સિઝનમાં આઇપીએલ ટ્રોફી જીતવાનું સ્વપ્ન અધુરુ રહી ગયું હતુ.
રોલર-કોસ્ટર રાઈડ જેવા આઇપીએલના ફાઈનલ મુકાબલામાં પ્રિયાંશ આર્ય (24) અને પ્રભસિમરન (26)ની જોડીએ પાંચ ઓવરમાં 43 રનની ઓપનિંગ ભાગીદારી નોંધાવી ત્યારે પંજાબ માટે ટાઈટલ હાથવેંતમાં લાગતું હતુ. જોકે હેઝલવૂડની બોલિંગમાં બાઉન્ડ્રી પર સોલ્ટે પ્રિયાંશનો કમાલનો કેચ ઝડપતાં બાજી પલ્ટી હતી.
- Advertisement -
પંજાબના બેટ્સમેન ઈંગ્લિસે23 બોલમાં 39 રન ફટકાર્યા હતા, પણ કૃણાલે પ્રભસિરમનને અને શેફર્ડ ઈન ફોર્મ પંજાબના કેપ્ટન ઐયર (1)ને જલ્દી-જલ્દી આઉટ કરતાં બાજી પલ્ટી હતી. કૃણાલે ઈંગ્લિશના સંઘર્ષનો પણ અંત આણ્યો હતો. ભુવનેશ્વરકુમારે એક જ ઓવરમાં વાઢેરા અને સ્ટોઈનીસની વિકેટ મેળવતા બેંગાલુરુને જીતની વધુ નજીક પહોંચાડયું હતુ. આખરે પંજાબને આખરી ઓવરમાં 29 રન કરવાના હતા. જેમાં હેઝલવૂડને શરૂઆતના બે ડોટ બોલ નાંખ્યા હતા. જે પછી શંશાકનો ઝંઝાવાત પણ ટીમને જીત સુધી પહોંચાડી શક્યો નહતો.
અગાઉ પંજાબના કેપ્ટન ઐયરે ટોસ જીતીને પ્રથમ બેંગાલુરુને બેટિંગમાં ઉતાર્યું હતુ. સોલ્ટ 9 બોલમાં 16 રન કરીને બીજી જ ઓવરમાં આઉટ થયો હતો. આ પછી બેંગાલુરુની ટીમે જાણે વિકેટ બચાવતા એપ્રોચ સાથે બેટિંગ કરી હતી. કોહલીએ એક છેડો સાચવી રાખ્યો હતો. તેણે મયંક અગ્રવાલ સાથે 28 બોલમાં 38 રનની ભાગીદારી કરી હતી. અગ્રવાલ 18 બોલમાં 24 રનના સ્કોર પર ચહલની બોલિંગમાં અર્ષદીપના હાથે કેચઆઉટ થયો હતો. કોહલીએ કેપ્ટન પાટીદાર સાથે ત્રીજી વિકેટમાં ૨૭ બોલમાં ૪૦ અને લિવિંગસ્ટન સાથે ચોથી વિકેટમાં ૨૪ બોલમાં ૩૫ રન જોડયા હતા. પાટીદાર 16 બોલમાં 26 રને જેમીસનનો અને કોહલી 35 બોલમાં 43 રને ઓમરઝાઈનો શિકાર બન્યા હતા.
લિવિંગસ્ટન અને જીતેશે 12 બોલમાં 36 રનની ભાગીદારી કરતાં આરસીબીને 200ને પાર પહોંચાડવાનો ઈરાદો સ્પષ્ટ કર્યો હતો. લિવિંગસ્ટન(15 બોલમાં 25) જેમસીનનો ત્રીજો શિકાર બન્યો હતો. જ્યારે વ્યશકે ડેન્જરસ બની શકે તેવા જીતેશને બોલ્ડ કર્યો હતો. તેણે 10 બોલમાં 2 ચોગ્ગા અને 2છગ્ગા સાથે 24 રન નોંધાવ્યા હતા.
બેંગાલુરુની ટીમે આખરી પાંચ ઓવરમાં 58 રન ફટકાર્યા હતા. જોકે અર્ષદીપે આખરી ઓવરમાં ત્રણ જ રન આપતાં ત્રણ વિકેટ ઝડપી હતી.
બેંગાલુરુની જીત અને ’18’નો અનોખો સંયોગ
રોયલ ચેલેન્જર્સ બેંગાલુરુની જીત અને ’18’નો અનોખો સંયોગ જોવા મળ્યો હતો. બેંગાલુરુની ટીમે આઇપીએલની ૧૮મી સિઝનમાં પહેલીવાર જીત હાંસલ કરી હતી. યોગાનુંયોગ કોહલીની જર્સીનો નંબર પર 18 જ છે. જ્યારે ફાઈનલની તારીખ 03-06-2025 ના તમામ અંકોનો કુલ સરવાળો પણ 18 થાય છે.