આમ આદમી પાર્ટીના આયોજનમાં રાષ્ટ્રગાનની મર્યાદા પણ ન જાળવી કાર્યકરોની કરી અટકાયત

ભાજપ-કોંગ્રેસનાં આયોજન સામે આંખ મિંચામણા : રાજકોટ પોલીસે ભાન ભૂલી દેશના ત્રિરંગાનું ખુલ્લેઆમ અપમાન કર્યું

તંત્ર તટસ્થ હોવું જોઈએ તેના બદલે તંત્ર પણ શાસક પક્ષનો મંત્ર જપવા માંડે ત્યારે કેવો ધજાગરો થાય તેની પ્રતિતિ ગઈકાલે રાજકોટ પોલીસે કરાવી.સમસ્ત રાષ્ટ્રની સાથે રાજકોટમાં પણ ગઈકાલે 74માં આઝાદીપર્વની કોરોનાની ગાઇડલાઇન મુજબ આમ આદમી પાર્ટી દ્વારા વોર્ડ નં.-2 માં રામેશ્ર્વર ચોક ખાતે ઉજવણી થઈ રહી હતી. અહીં સોશિયલ ડિસ્ટન્સ જાળવી આમ આદમી પાર્ટીના કાર્યકરોએ ધ્વજારોહણ કર્યું અને રાષ્ટ્રગાનનું સમૂહગાન શરુ કર્યું ત્યાં પોલીસ પાકિસ્તાનની હોય તેમ ત્રાટકી હતી. રાજકોટ પોલીસ રાષ્ટ્રધ્વજ કે રાષ્ટ્રગાનની આમન્યા પણ નીકળ્યા વિના દવજ ઉતારી કબ્જે કર્યો હતો અને ચાલુ રાષ્ટ્રગાન અટકાવી આમ આદમી પાર્ટીના અહેમદ અબ્દુલભાઇ સાંધ સહિતના કાર્યકારોની અટકાયત કરી હતી. નોંધનીય છે કે શહેરમાં આ જ પ્રકારે શાસક ભાજપે કરણપરા ખાતેના પક્ષ કાર્યાલયે તેમજ કોંગ્રેસે પણ જાહેરમાં રાષ્ટ્રીય પર્વ ઉજવ્યું હતું પરંતુ પોલીસને ત્યાં સબ સલામત લાગ્યું અને એક માત્ર આમ આદમી પાર્ટીના આયોજનમાં જ કેમ ખામી દેખાણી તે સમગ્ર શહેરમાં ચર્ચાનો વિષય બન્યો છે.