ચંદ્રયાન-3 માં ઓર્બિટર નહીં હોય માત્ર લેન્ડર અને રોવર જ તેનો હિસ્સો હશે

અંતરીક્ષ વિભાગના રાજય મંત્રી જિતેન્દ્ર સિંહે જણાવ્યુ કે ચંદ્રયાન-3નું લોન્ચિગ 2021ની શરૂઆતમાં થશે. આ ચંદ્રયાન-2ના રિપીટ મિશન જેવું હશે. જેમાં તેના જેવું જ લેન્ડર અને રોવર હશે. પરંતુ ઓર્બિટર નહીં હોય. ચંદ્રયાન-2 ને 22 જુલાઇ 2019ના રોજ લોન્ચ કરવામાં આવ્યુ હતુ. તેના લેન્ડર-રોવરને 7 સપ્ટેમ્બર 2019ના રોજ ચંદ્રના દક્ષિણી ધ્રુવ પર ઉતરનાર હતું પરંતુ છેલ્લી ક્ષણોમાં તેનુ ક્રેશ લેન્ડિગ થઇ ગયુ. તેનું ઓર્બિટર વ્યવસ્થિત રીતે કામ કરી રહયું છે અને મહત્વપુર્ણ માહિતી મોકલી રહયુ છે. ચંદ્રયાન-2ની ક્રેશ લેન્ડિગ પછી ઇસરોએ આ વર્ષના અંત સુધીમાં ચંદ્રયાન-3ને મોકલવાની યોજના બનાવી હતી. પરંતુ કોરોના વાયરસની મહામારીને કારણે તેમાં વિલંબ થઇ રહયો છે. વધુમાં કેન્દ્રિય મંત્રીએ જણાવ્યુ કે ચંદ્રયાન-1 ઇસરોનું પહેલું ચંદ્ર અભિયાન હતુ. જેણે ચંદ્ર પર પાણી હોવાના પુરાવા સમગ્ર વિશ્વને આપ્યા હતા.

ચંદ્રયાન-1 થી પ્રાપ્ત થયેલી માહિતીમાં ચંદ્રના ધ્રુવો પર પાણી હોવાનો સંકેત મળ્યો હતો. આજે સમગ્ર વિશ્વના વૈજ્ઞાનિકો તેના પર સંશોધન કરી રહયા છે. ભારત પોતાના પહેલા સમાનવ અંતરીક્ષ અભિયાન ગગન યાનની પણ તૈયારી કરી રહયુ છે. તેના માટે જરૂરી તાલીમ અને પ્રક્રિયાઓ કરવામાં આવી રહી છે. કોરોનાને કારણે તેમા અમુક સમસ્યાઓ આવી છે. પરંતુ 2022 પહેલા જ તેને પુર્ણ કરવામાં આવશે.