સમગ્ર દેશમાંથી 468 કેદીઓ ફરાર થયા જે માંથી સૌથી વધુ 172 માત્ર ગુજરાતના

ગુજરાતની જેલમાંથી કેદીઓના નાસી છૂટવાના પ્રમાણમાં સતત વધારો થઇ રહ્યો છે. માત્ર એક વર્ષમાં સમગ્ર દેશમાંથી 468 કેદીઓ ફરાર થયા હતા અને તેમાંથી સૌથી વધુ 172 માત્ર ગુજરાતમાંથી હતા. ગુજરાતમાંથી 11 કેદીઓ જેલમાંથી 152 કેદીઓ જેલ બહારના સમયગાળા દરમિયાન જ્યારે 9 કેદીઓ પોલીસ કસ્ટડીમાંથી ફરાર થયા હતા. જોકે, આ પૈકી 118 કેદીઓની ફરી ધરપકડ પણ કરવામાં આવી હતી.

નેશનલ ક્રાઇમ રેકોર્ડ્સ બ્યુરો (એનસીઆરબી)ના વર્ષ 2019ના અહેવાલ પ્રમાણે ગુજરાતમાં જેલની અંદરથી એક વર્ષમાં 11 કેદીઓ ફરાર થયા હતા. દેશના જે રાજ્યમાંથી જેલની અંદરથી કેદીઓ સૌથી વધુ નાસી છૂટયા હોય તેમાં મહારાષ્ટ્ર 13 સાથે મોખરે જ્યારે ગુજરાત બીજા સ્થાને છે. ગુજરાતમાંથી 152 કેદીઓ પેરોલના સમયગાળામાં કે તબીબી સારવારના બહાને હોસ્પિટલમાંથી નાસી છૂટયા છે.

સમગ્ર દેશમાંથી વર્ષ 2019માં સૌથી વધુ કેદીઓ નાસી છૂટયા હોય તેમાં 172 સાથે ગુજરાત મોખરે, રાજસ્થાન 50 સાથે બીજા, મહારાષ્ટ્ર 39 સાથે ત્રીજા જ્યારે ઉત્તર પ્રદેશ 31 સાથે પાંચમાં સ્થાને છે. જેલમાંથી નાસી છૂટેલા 231 કેદીઓની એક વર્ષ દરમિયાન પુનઃ ધરપકડ કરાઇ છે. આ 231માંથી 118 કેદીઓ માત્ર ગુજરાતમાંથી છે. આ સ્થિતિએ ગુજરાતમાંથી 172માંથી 118 કેદીઓ મળી આવ્યા છે અને 54 કેદીઓ હજુ ફરાર છે. વર્ષ 2019માં જેલમાં બે જૂથ વચ્ચે ઘર્ષણ-મારામારીની દેશભરમાં કુલ 137 ઘટના નોંધાઇ હતી. જોકે, આ પૈકી એકપણ ગુજરાતની જેલમાં નોંધાઇ નથી.

સમગ્ર દેશમાં જેલ બહારથી 253 કેદીઓ ફરાર થયા છે. આમ, જેલ બહારથી કેદીઓના ફરાર થવાનું 55%થી વધુ પ્રમાણ માત્ર ગુજરાતમાંથી છે. ગુજરાતમાંથી પોલીસ કસ્ટડીમાંથી 9 કેદીઓ નાસી છૂટયા છે. પોલીસ કસ્ટડીમાંથી સૌથી વધુ કેદીઓ નાસી છૂટયા હોય તેમાં ગુજરાત ચોથા સ્થાને છે. આ યાદીમાં ઉત્તર પ્રદેશ 25 સાથે ટોચના, મહારાષ્ટ્ર 17 સાથે બીજા, પંજાબ 14 સાથે ત્રીજા, ગુજરાત-કેરળ સંયુક્ત ચોથા સ્થાને છે. સમગ્ર દેશમાંથી 139 કેદીઓ પોલીસ કસ્ટડીમાંથી નાસી છૂટયા છે.

ગુજરાતની જેલમાં 2611 કેદીઓ આજીવન કેદ હેઠળ
ગુજરાતની જેલમાંથી 2611 કેદીઓ આજીવન કેદની સજા હેઠળ છે જ્યારે 3 કેદીઓને મૃત્યુદંડની સજા થયેલી છે. આ સિવાય 497 કેદીઓ 10થી 13 વર્ષની, 290 કેદીઓ 7થી 9 વર્ષની, 172 કેદીઓ 5થી 6 વર્ષની જ્યારે 229 કેદીઓ 2થી 4 વર્ષની સજા ભોગવી રહ્યા છે.