ઓર્ગેનિક ફાર્મિંગ ક્ષેત્રે નવા શિખરો સર કરનાર દેવેશ પટેલ
દેવેશભાઈને 2013માં ગુજરાતના પહેલા ઓર્ગેનિક ખેડૂત તરીકે સર્ટિફિકેટ મળ્યું છે
- Advertisement -
દેવેશ પટેલ ખેડૂત, એન્જિનિયર, કૃષિ વિજ્ઞાની, મોટિવેશનલ, લેક્ચરર, ઉત્પાદક, વેપારી… તેમના વ્યક્તિત્વના વિવિધ પાસાએ તેમની સફળ કારકિર્દી ઘડી છે
આજે આપણે વાત કરવી છે એક એવા યુવા સાહસિક ઓર્ગેનિક ખેડૂતની કે જેમણે બહુ નાની ઉંમરે ખેતી અને એ ખેતપેદાશોમાંથી વિવિધ વસ્તુઓનું મેન્યુફેક્ચરિંગ તેમજ તેનું ટ્રેડિંગ એન્ડ માર્કેટિંગ, આ બધા ક્ષેત્રના સફળતાના રહસ્ય આત્મસાત કરીને ભારતમાં જ નહીં પણ વિદેશની ધરતી પર પણ આપણા દેશનું નામ રોશન કર્યું છે.
દેવેશ પટેલ અભ્યાસે કોમ્પ્યુટર એન્જિનિયરિંગ અને વ્યવસાયે ખેડૂત છે, મેન્યુફેક્ચરર, ટ્રેડર અને એગ્રીકલ્ચર ફિલ્ડમાં અનેકો ખેડૂતને ઓર્ગેનિક ખેતી માટે પ્રોત્સાહિત કરી, નવા નવા પ્રયોગો અપનાવી વિજ્ઞાની અને વેપારી બનવાનું મોટીવેશન આપનાર સક્ષમ માર્ગદર્શક છે. બીજું, દેવેશ પટેલની સફળગાથા અનેકોને વ્યવસાયિક પ્રેરણા તો પુરી પાડશે જ પરંતુ જૈવિક ખેતી, કે જે આજના સમયની તાતી માંગ છે, તેના વિશે પણ જાગૃતતા કેળવાય એ માટે પણ દેવેશભાઈની વાતો જાણવી જરૂરી છે.
આણંદ જિલ્લાના બોરીયાવી ગામના દેવેશભાઈને ખેતી દાદા તેમજ પિતા તરફથી વારસામાં મળી છે. 1992ની સાલથી દેવેશભાઈના દાદા અને પિતા ઓર્ગેનિક ખેતી કરતા હતા . (સજીવ ખેતી એ એક કૃષિ અભિગમ છે જે કૃત્રિમ ખાતરો અને કેમિકલયુક્ત જંતુનાશકના ઉપયોગને ટાળે છે.) 1982માં જન્મેલા દેવેશભાઈ 1998થી ખેતી ક્ષેત્રે સક્રિય થયા. ભાઈ કહે છે કે મારા પિતા અને દાદા ભગવત કાર્ય સાથે જોડાયેલા હોય, તેના પ્રસાદ રૂપે મારા વ્યક્તિત્વ ઘડતરમાં જ ત્રણ વાત મારા લોહીમાં વણાયેલી હતી કે, ધરતી એ મા છે તો માને કેમિકલ રૂપી ઝેર આપીને દૂષિત ન કરાય પરંતુ ઋષિમુનિઓએ જે બાયોડાયવર્સિટી આપી છે તે ગાયોના છાણ-મૂત્રથી ભૂમિ તૃપ્ત થાય એ એનું વિજ્ઞાન છે. બીજું જમીન સ્ત્રીલિંગ શબ્દ છે. હવે તમે જમીનને પત્ની તરીકે જુઓ છો કે મા તરીકે જુઓ છો તેના પર તમારી જમીન સાથેની માવજત કેવી હશે તે નક્કી થશે. જો તમે જમીનને માતા માનતા હશો તો હંમેશા તેનો આદર કરી અને આપવાની વૃત્તિ રાખશો અને જો તમે તેને તમારી સ્ત્રી સમજીને તેની પાસેથી કામ લેશો તો હંમેશા ભોગ અને લેવાની વૃત્તિ રહેશે. હું મારી જમીનને માતા ગણું છું અને હું તે રીતે તેનું જતન કરું છું.
ત્રીજુ સામાજિક-નૈતિક જવાબદારી, જો હું મારા ખેતરમાં કેમિકલ નાખું છું અને એક કેમિકલ વાળા પાક લોકો ખાય અને તેનું નુકસાન થાય છે તો એ માટે જવાબદાર તો હું પોતે જ ગણાઉ. મારી ઉપરોક્ત ત્રણ માન્યતાએને કારણે ઓર્ગેનિક ફાર્મિંગના આઈડિયા સાથે હું લાગણીથી જોડાયેલો છું. કોમ્પ્યુટર એન્જિનિયરની ડિગ્રી ધરાવતા દેવેશભાઈને અભ્યાસ પૂરો થતાં જ વિવિધ જગ્યાએ પ્લેસમેન્ટ સાથે અમેરિકા જવાની ઓફર પણ આવી હતી પરંતુ પોતે ધરતીથી જોડાયેલા હોય ખેતી તરફનું ખેંચાણ જીતી ગયું અને તેમણે અમેરિકા જવાનું પડતું મૂકી અહીં દેશમાં જ રહીને ખેતીને સમૃદ્ધ કરવા વિચાર્યું ત્યારે એક વખતે દેવેશભાઈનો આત્મવિશ્વાસ પણ ડગી ગયો હતો કે તે જે કરે છે બરાબર કરે છે કે શું? દેવેશભાઈ કહે છે કે આ સમયે જિંદગીમાં એક શોર્ટ ટર્મ ગોલ સેટ કર્યો કે હું પાંચ વર્ષ ખેતીને આપીશ. તેમણે ગોલ રાખ્યોકે પાંચ વર્ષમાં પાંચ લાખ રૂપિયા કમાઉ તો જ ખેતીના વ્યવસાયને વળગી રહેવું. (અને હવે આજે આટલા વર્ષે એક લાખને બદલે તેમની ઇન્કમ ક્યાં જઈને પહોંચી છે તે તમને google જ બતાવશે)
- Advertisement -
દેવેશભાઈ કહે છે કે આ પાંચ વર્ષના અંતે મને એટલું સમજાયું કે મારી પાસે ફક્ત લાગણી જ હતી, વિજ્ઞાન નહોતું. ત્યારબાદ ઓર્ગેનિક ફાર્મિંગ, માઈક્રો સાયન્સ, બાયોડાઇવર્સિટી એન્વાયરમેન્ટ, રિક્વાયરમેન્ટ એન્ડ ડિમાન્ડ સપ્લાય, ફેમિલીનું ટ્રેડિશનલ સાયન્સ, યુનિવર્સિટી, ગવર્મેન્ટ અને ઘણા બધા આર્ટીકલ્સ… આ બધામાંથી પસાર થયા બાદ મને ખબર પડી કે ઓર્ગેનિક ફાર્મિંગ ખરેખર છે શું, તેની રિક્વાયરમેન્ટ શું છે. અને તેના આધારે ખેતી શરૂ કરી. 2004થી 2010 સુધીમાં, વધુને વધુ વિકાસ કેવી રીતે કરવો તેનું વિઝન મને વિજ્ઞાન પાસેથી મળ્યું.
આ સમયગાળા દરમિયાન ખેત ઉત્પાદન બાબતે તો એક લેવલે સ્થિરતા આવી પરંતુ ભારત મોટાભાગના ખેડૂતોને સતાવતો પ્રશ્ન એટલે કે બજાર મેળવવું એ પ્રશ્ન ઊભો રહ્યો.દેવેશભાઈ નું કામ બીજા ખેડૂત કરતા કઈ રીતે અલગ છે અને તેમણે ખેડૂતને નડતાં કયા કયા પ્રશ્નોમાં પ્રશ્નોના નિરાકરણ માટે ક્રાંતિરૂપ પગલા ઉઠાવ્યા તે આપણે વિગતવાર સમજીએ
દેવેશભાઈ કહે છે કે, મારો ઈગો ત્યાં હર્ટ થયો કે હું વિજ્ઞાનનો માણસ છું, હું મહેનત કરું છું હું રિસર્ચ કરું છું મારી જમીન મારી લેબોરેટરી છે, ગુજરાતની ચાર યુનિવર્સ એગ્રીકલ્ચર યુનિવર્સિટીની એડવાઈઝર કમિટીમાં રહીને સ્ટુડન્ટ સાથે એક્સટેન્શન એક્ટિવિટી પ્રોસેસિંગ માર્કેટિંગમાં મારી સ્ટ્રોંગ ભૂમિકા હોય છે છતાં આ પ્રશ્ન કેમ?! તેમનું માનવું છે કે હું ઓર્ગેનિક ફાર્મિંગ કરું છું અને મને તેનું બજાર મળવું જોઈએ પરંતુ આજે પણ હજુ બે પાંચ ટકા લોકો જ ઓર્ગેનિકના કોન્સેપ્ટને સમજે છે કે સપોર્ટ કરે છે. આ તબક્કે દેવેશભાઈએ જોયું કે માર્કેટમાં સારા મધ્યમ અને હલકી ગુણવત્તાના શાકભાજી એક જથ્થામાં એકસાથે વેચાતાં હોય છે. ઉપર ઉપર સારું શાક અને નીચે સડેલું, હલકી ગુણવત્તાવાળું શાક રાખવામાં આવે છે. ખેડૂતની આ કારીગરી વેપારી પણ સમજતા હોય છે જેના કારણે ખેડૂતોને ધાર્યો ભાવ મળતો નથી. આ જોઈને તેમણે ગ્રેડિંગ શરૂ કર્યું એટલે કે અલગ અલગ ત્રણ કેટેગરી એ, બી અને સી કેટેગરીમાં શાકભાજી પેક કરવાનું શરૂ કર્યું જેના કારણે ગ્રાહકમાં તે વિશ્વાસ બંધાયો કે સૌને પોતાની જરૂરિયાત અને ખિસ્સા મુજબનુ શાકભાજી મળી રહે અને ખેડૂતને તેમનો યોગ્ય ભાવ મળી રહે. જો કે વેપારી અને ગ્રાહકોમાં આ ગ્રેડિંગની ટેવ પાડવામાં તેમને છ મહિના લાગ્યા.
અલબત્ત ગ્રેડિંગ પદ્ધતિ બજાર મેળવવાનો એક માર્ગ હતો પરંતુ સમસ્યાનો સંપૂર્ણ હલ ન હતો. ઘણીવાર એવું થાય કે બજારમાં જે તે ઉત્પાદનના ભાવ જ ન હોય. તો ઓર્ગેનિકના નામે કોઈ પાંચ-દસ પૈસા વધારે આપે પરંતુ ઉત્પાદનના પાયાના ભાવ જ એટલા નીચા હોય કે ખેડૂતને નુકસાન સિવાય કશું ન મળે! તો આવા સમયે દેવેશભાઈએ મૂલ્યવર્ધન અપનાવવાનું શરૂ કર્યું.
પોતાની ખેતઉપજનું મૂલ્યવર્ધન
તેમણે પોતાની જ ખેતપેદાશોમાંથી અલગ અલગ પ્રોડક્ટ બનાવી તેને માર્કેટમાં મૂકી. દેવેશભાઈ કહે છે કે વેપારી મને ઘઉંના ₹15 રૂપિયા આપે છે અને એ જ ઘઉં પોતે ₹18 કિલો વેચે છે તેના બદલે હું જ સીધો 18 થી 20 રૂપિયામાં ગ્રાઇન્ડીંગ, શોર્ટિંગ પેકિંગ બ્રાન્ડિંગ સાથેનો માલ વેચું તો મને બે પૈસા વધારે મળે. બટાકાનો ભાવ ઓછો મળે પણ હું બટાકાની વેફર બનાવીને બજારમાં આવ્યો તો ચિત્ર બદલાઈ ગયું. એ જ પ્રમાણે મરચામાંથી પાવડર બનાવીને બજારમાં મુક્યો. આમ, 2008થી મૂલ્યવર્ધન મળતાં સારી આવક થવા લાગી.
પટેલ સીઝેડ સન્સ તેમની કંપનીનું નામ અને તેમને બ્રાન્ડનું નામ છે સત્વ ઓર્ગેનિક. ’સત્વ’ નામ વિશે દેવેશભાઈ કહે છે કે ગીતામાં કૃષ્ણએ ગુણધર્મ બતાવ્યા છે સાત્વિક, રાજસિક અને તામસિક… એ ઉપરાંત સત્વ એટલે કોઇપણ પદાર્થનો અર્ક!
‘સત્વ ઓર્ગેનિક’ બ્રાન્ડ હેઠળના ઉત્પાદનો
શાકભાજીમાં આદુ અને હળદર પર દેવેશભાઈએ ઘણું રિસર્ચ કર્યું છે અને આ સંબંધિત પ્રોડક્ટ્સ પર પેટન્ટ પણ મેળવ્યા છે.
હળદર અને આદુની પ્રોડક્ટ બનાવીને દેવેશભાઈએ મૂલ્યવર્ધન શરુ કર્યું. હળદર પાવડર માર્કેટમાં મુક્યા પછી અમુક સમયે લાગ્યું કે અહીં હરીફાઈ વધુ રહેશે તો તેમણે હળદરનું અથાણું બજારમાં મૂક્યું. હળદરમાં પણ બે બ્રાન્ડ, રસોઈની હળદર અને દવા તરીકે વપરાતી હળદર, એમ ગુણવત્તા મુજબ તેમણે બજારમાં મૂકી. બીજું, બાળકોને હળદર વાળું દૂધ પીવડાવવું એક મોટો પ્રશ્ર્ન હોય છે. દેવેશભાઈએ તેના ઉકેલરૂપે હળદર ચોકલેટ બનાવી જેમાં મિલ્ક કમ્પોનેન્ટ્સની અંદર લીલી હળદરના ફ્રેશ ગ્રેન્યુલ્સનાં ઉપયોગ સાથે એવી ટેકનોલોજીનો ઉપયોગ કર્યો છે એ લગભગ બજારમાં ક્યાંય નથી. આ ચોકલેટથી નુકસાન કશું નથી ફાયદો જ છે. એવી જ રીતે આદુની ચોકલેટ બનાવી.બીજું, ડાયાબિટીસના દર્દી હળદરનો જ્યુસ પીતા હોય છે.
ફક્ત સીઝનમાં હેલ્થ કોન્સયશ લોકો માટે હળદર શોટ બનાવીને તેઓ આપે છે. ચૂસવા માટેની હળદર, કુંડામાંથી કાઢીને મોઢામાં મૂકો અને આદુનો કે હળદરનો ટુકડો મોઢામાં ઓગળી જાય તેવું ક્યારેય બને? પણ તેમની પાસે એવી પ્રોસેસ છે કે ફ્રેશ ટુકડાની ટેબ્લેટ મોમાં મુકતાં જ ઓગળી જાય. આ. આ ઉપરાંત રોગપ્રતિકારક શક્તિ તેમજ અનેક રોગોના ઉપાય માટે હળદર- જીંજર, કર્કયુમીન અશ્વગંધા સાથે મિક્સ કરી નોન જીલેટીન કેપ્સ્યુલમાં આપે છે જેથી કરીને વિગન ફૂડ ફોલો કરનાર પણ તેને આરામથી લઈ શકે. આ ઉપરાંત સરગવાના પાવડરમાંથી પ્રોડક્ટ બનાવે છે. આ બધી પ્રોડક્ટની તેઓએ પેટન્ટ લીધી છે અને દરેક પ્રોડક્ટ લગભગ ત્રણ થી ચાર વર્ષના રિસર્ચ બાદ માર્કેટમાં મુકાયેલી છે. આણંદ યુનિવર્સિટી એગ્રીકલ્ચર યુનિવર્સિટીના લેક્ચર ઓથોરિટી અને ફેકલ્ટી હોવાથી તેમને ફાયદો એ થાય છે કે કૃષિ વિજ્ઞાની પીએચડી અને રિસર્ચ કરનાર વિદ્યાર્થીના જ્ઞાનનો તેમને ફાયદો મળે છે.લેબના એકસેસ મળી રહે છે.
બજારમાં લોટ તૈયાર મળે છે. તેમાં પ્રીઝર્વેટિવ હોય છે. જેથી કરીને છ છ મહિના ફ્રેશ રહે છે પણ આપણે અનાજ દળાવીએ એ લોટ પંદર દિવસમાં બેસ્વાદ થઈ જાય છે. દેવેશભાઈ પ્રીઝર્વેટીવ વગર લોટની શેલલાઈફ વધે એના રિસર્ચમાં સફળતાની રાહ પર છે.
ઈલાયચી, તજ, વરીયાળી, લવિંગ, જાયફળ, મરી, તમાલપત્ર વગેરે કેરલાના ખેતરોમાંથી સીધા ખરીદી કરીને ચાનો મસાલો બનાવે છે એવી જ રીતે ગરમ મસાલો. ધાણા હળદરની ખેતી પોતે કરે છે. દેવેશભાઈ મોડર્ન બિઝનેસમાં નહીં પરંતુ ટ્રેડિશનલ બિઝનેસમાં માને છે. તેથી જ પરંપરાગત રીતે મસાલા તૈયાર કરે છે અહીં કોઈ મશીનનો યુઝ થતો નથી. સુંઠનો પાવડર, હળદર પાવડર, મરચું પાવડર, ગરમ મસાલો ધાણાજીરું પાવડર… આ બધા મસાલા ખાંડીને બનાવવામાં આવે છે. દેવેશભાઈ કહે છે કે મશીનમાં કે ઘંટીમાં દળવાથી જે-તે પદાર્થ ગરમ થાય છે અને તેના વિટામિન અ નો નાશ થાય છે. હાથથી ખાંડીએ કે પથ્થરવાળી ઘંટીમાં દળીએ તેના બે ફાયદા, એક તો પોષક મૂલ્યો જળવાયેલા રહે છે. બીજું, ગામની બહેનોને રોજગારી મળી રહે છે.
દેવેશભાઈ મોડર્ન બિઝનેસમાં નહીં પરંતુ ટ્રેડિશનલ બિઝનેસમાં માને છે, તેથી જ પરંપરાગત રીતે મસાલા તૈયાર કરે છે અહીં કોઈ મશીનનો યુઝ થતો નથી, સુંઠનો પાવડર, હળદર પાવડર, મરચું પાવડર, ગરમ મસાલો ધાણાજીરું પાવડર… આ બધા મસાલા ખાંડીને બનાવવામાં આવે છે.
આવી રીતે મસાલા તૈયાર કરવામાં કલાકમાં પાંચ સાત કે બહુ તો આઠ કિલોથી વધુ થાય નહીં પરંતુ ‘બેક ટુ નેચર’ માટે આવાં પગલા જરૂરી છે. મેથીમાંથી કસૂર મેથી, મરચા સૂકવીને મરચા પાવડર તેમાં આખા મરચા, વઘારના મરચા, કેટેગરી મુજબ તેના અલગ પાડવામાં આવે છે. હળદર, સૂંઠ તેમજ અન્ય મસાલા તાજા ખાંડીને આપવામાં આવે છે. દેવેશભાઈ કહે છે ગ્રાહક એક વર્ષનો સ્ટોક સાથે લેતા હોય તો હું એમને કહું છું કે અત્યારે તમે આમાંથી અડધી સ્ટોક લો અને છ મહિના બાદ પાછા લઈ જજો તેથી તમને ત્યારે તે સમયે દળેલા તાજા મસાલા મળશે. પ્રોડક્ટની રંગ સુગંધ અને સ્વાદ આમાં અકબંધ જળવાઈ રહે છે. દેવેશભાઈની આ પદ્ધતિથી તદન વિરુદ્ધ, મોટી મોટી કંપનીઓ ટનબંધ માલ સાથે દળીને રાખી દે છે અને વર્ષ દરમિયાન એનો એ માલ માર્કેટમાં મૂકતા રહે છે.
આ ઉપરાંત તેઓ દિવાળીના ટાઈમે ઘઉંના બિસ્કીટ બનાવે છે તેમાં ઘઉંનો લોટ, ઘરનું ઘી હળદર આદુ અશ્વગંધા વગેરે નાખીને યુનિક રેસીપી વડે તેને તૈયાર કરવામાં આવે છે એટલે તેમાં તેમની મોનોપોલી જળવાય છે. કોર્પોરેટ ફિલ્ડમાં ગિફ્ટ તરીકે તેનો ખૂબ ઉપાડ છે. આ ઉપરાંત ‘ યે દિવાલી કિસાનો વાલી’ સ્લોગન સાથે આ બિસ્કીટમાંથી જે પ્રોફિટ મળે તે પ્રોફિટમાંથી બીજા કૂકીઝ બનાવીને દેવેશભાઈ દિલ્હી કેન્ટમાં સૈનિકોને ગિફ્ટ તરીકે પહોંચાડે છે.
દેવેશભાઈની માર્કેટ એસ્ટાબ્લીશમેન્ટ સ્કિલ
ઉત્પાદન કરવું તો સહેલું છે પણ તે પ્રોડકટનું બજાર મેળવવું અઘરું છે. ભાઈ કહે છે કે હું હંમેશા કહું છું કે બજાર તમારી આજુબાજુ છે, બજાર દર કલાકે છે બજાર દરેક ઘરમાં છે; બસ એ જોતા આવડવું જોઈએ. ખેડૂતોએ વેપારી બનવું પડે. જ્યારે બજાર નથી મળતું એવું લાગે ત્યારે તમારી આસપાસના લોકલ માર્કેટને સ્ટ્રોંગ કરો. ગામમાં સ્કૂલ હોય છે પણ શિક્ષકો મોટાભાગે બહારથી આવેલા હોય છે. જે તેમની જરૂરિયાત લોકલ માર્કેટમાંથી સંતોષતા હોય છે. હવે, બાત કરને સે બાત બનતી હૈ એ નાતે, તમે નવા પ્રોડ્યુસર છો અને તમને બોલતા નથી આવડતું તો પણ; સ્કૂલના ટીચર તમારા માટે ગુડ કોમ્યુનિકેટર એટલા માટે છે કે કાં તો તમે પેરેન્ટ્સ તરીકે તેને મળ્યા હોવ છો અથવા તમે તેના ભૂતપૂર્વ વિદ્યાર્થી છો એટલે તેની સાથેનું તમારું કોમ્યુનિકેશન ફીયરલેસ હશે. આ રીતે ગામની બેંક તેમજ સરકારી કચેરીઓના ઓફિસર કલાસ ગ્રાહક છે. આ બધી જગ્યાએ જઈને મારી પ્રોડક્ટ વિશે તેમને સમજવ્યુ અને તેમને ગેરંટી આપી કે અગર તેમને પ્રોડક્ટ નહીં ગમે તો સો ટકા મનીબેક સાથે હું માલ પાછો રાખી લઈશ. આ ગેરેન્ટીને લઈને ગ્રાહકનો વિશ્વાસ જળવાઈ રહે છે. આ જ રીતે ગામની પાંચ સારી સોસાયટીઓ કવર કરી મેં માઉથ ટુ માઉથ પબ્લિસીટી કરી કે અમે સારી વસ્તુ અથવા તો સસ્તી વસ્તુ આપીએ છીએ. આજ રીતે હાઇવે પરની હોટલ રેસ્ટોરન્ટમાં રોજની અમુક શાકભાજી અને અનાજના જથ્થાની ડિમાન્ડ હોય છે તેને ડીલેવરી પહોંચાડીને તે માર્કેટ પણ મેં હસ્તગત કરી. આ તો થઈ શરૂઆતની વાત, એ પછી ગ્રાહક જ બીજા ગ્રાહકને ખેંચી લાવે એ નાતે આજે મેં મોટા પ્રમાણે માર્કેટ શેર હસ્તગત કર્યો છે.
પ્રોસેસિંગ એક જટીલ બાબત છે. પણ તેમાં દેવેશભાઈના પત્ની અને મમ્મીનો પૂરો સહકાર છે. કોઈપણ પ્રોડક્ટ બજારમાં મુકતા પહેલા દેવેશભાઈના પત્ની તેના પર લાંબો સમય સાયન્ટિફિક એક્સપેરિમેન્ટ કરે છે અને તેમાં સફળતા મળે તો પછી તેને બજારમાં મુકવામાં આવે છે.
પાકની લલણી ક્યારે કરવી? કેટલો પકવવું તેને ક્યારેય દળવું તેના પર દેવેશભાઈના પત્ની અને મમ્મી પૂરતું ધ્યાન આપે છે અને બહેનોની સાથે રહીને સંભાળવામાં એક ફેમિલી વાતાવરણ જોવા મળે છે. ખેતરના અઘરા કામ… બિયારણ તૈયાર કરવું, વાવણી લલણી,સુકવવું, દળવું, ખાંડવું, પેકેજીંગ પ્રોસેસિંગ વગેરે સાથેનું ઉત્પાદન છતાં દેવેશભાઈને લેબરના પ્રશ્ર્નો ક્યારેય નડતા નથી. બિયારણ તૈયાર કરવાથી માંડી તેની વાવણી, નિંદામણ હાર્વેસિ્ંટગ અને ખેતઉપજમાંથી પ્રોસેસિંગ, માપવું જોખવું એમ અહીં કામ કરતી બહેનોને બારે મહિના કામ મળી રહે છે(જે બીજા ખેતરમાં નથી હોતું) ભાઈ કહે છે કે, અમે એટલું માનીએ છીએ કે અમારા માણસો થકી અમે લીલા છીએ. તેઓ અમારા નોકર નહીં પણ ભાગીદાર છે. અમે એમના બાળકોને ભણાવીએ છીએ જેથી તેમની જેમ જિંદગીભર મજૂરી ન કરવી પડે. ઉપરાંત દરેક કામદાર માટે બે લાખના વીમા ઉપરાંત મેડિક્લેમ પણ દેવેશભાઈ ખુદ કરાવે છે. અમારા નુકસાનને તેઓ પોતાનું નુકસાન અને અમારા ફાયદાને તેઓ પોતાનો ફાયદો ગણે છે કામચોરી નહિ પણ કુટુંબભાવના કેળવાય છે.
દેવેશભાઈની પોતાની જમીન ઉપરાંત ગામમાં એવા ખેડૂતો છે કે જેવો વિદેશ જઈને વસેલા છે અને પાછા આવીને ક્યારેક ખેતી નથી કરવાના તેઓની જમીન લીઝ ઉપર લે છે. તેઓ ભારતમાં યુરોપના અને અમેરિકાના ખેતીના તેમજ પ્રોસેસિંગના સ્ટાન્ડર્ડ ફોલો કરે છે કારણ કે એ દેશમાં માલ મોકલવા માટે એ દેશના સ્ટાન્ડર્ડ ખેતરમાં પણ ફોલો કરવા પડે છે.
‘સત્વ ઓર્ગેનિક’ બ્રાન્ડ હેઠળના ઉત્પાદનો શાકભાજીમાં આદુ અને હળદર પર દેવેશભાઈએ ઘણું રિસર્ચ કર્યું છે અને આ સંબંધિત પ્રોડક્ટ્સ પર પેટન્ટ પણ મેળવી છે
ગુજરાતના પ્રથમ સર્ટિફાઇડ ઓર્ગેનિક ફાર્મર
ઓર્ગેનિક ફાર્મરના સર્ટિફિકેટનાં આકરા ક્રાઈટેરિયા હોય છે તે બધામાંથી પાસ થઈને 2013માં ગુજરાતના પહેલા ઓર્ગેનિક ખેડૂત તરીકે તેમને સર્ટિફિકેટ મળ્યું છે. આ ઉપરાંત દેવેશભાઈ ગુજરાતના પ્રથમ ખેડૂત છે જે ‘બ્લોક ચેઇન’માં છે. બ્લોકચેઇન એક એવી સાઈટ છે કે જ્યાં કોઈપણ બ્રાન્ડના ઉત્પાદનથી માંડીને વેચાણ સુધીના તબક્કાઓ વિશે વીડિયોના ફોર્મમાં માહિતી મળે છે. તેને કોઈ હેક કે તેની માહિતીમાં કોઈ ચેડા નથી કરી શકતું. ખેતરમાં પેદાશના વાવેતરના, હાર્વેસિ્ંટગના ફોટા, ખેતરમાં ક્યા દિવસે ઘઉં નીકળ્યા, ત્યાંથી કયા દિવસે ઘરે આવ્યા, પ્રોસેસિંગના બધા ડેટા અહીં સ્ટોર થતા હોય છે. એ ઘઉં સાત દિવસ પછી પેક થયા અને ત્રણ મહિના પછી એનો લોટ બન્યો એ માહિતી પણ ત્યાં મળે છે. વધારામાં, ભાઈ પોતાના પેકેટ પર ‘નો યોર ફૂડ’ લખીને એક ક્યુઆર કોડ ચોટાડે છે. તે ક્યુઆર કોડ સ્કેન કરવાથી પ્રોડક્ટ પ્રોસેસિંગની બધી માહિતી મળી રહે છે.
તેમની પ્રોડક્ટ ઓફલાઇન તેમજ ઓનલાઈન મળે છે. હમણાં તેઓની વેબસાઈટ મોડીફાઇ થતી હોય, 15મી ઓગસ્ટથી પાછી શરૂ થશે. ડીસ્ટ્રીબ્યુશનમાં પણ તેમના કોઈ કડક આગ્રહ નથી કે ડિસ્ટ્રીબ્યુટરે અમુક-તમુક કિલો માલ લેવો જ પડે. જર્મની ફ્રાન્સ યુરોપ ઓસ્ટ્રેલિયા કેનેડા યુએસ યુકે. વગેરેમાં આઠેક વર્ષથી તેઓ પોતાનો માલ એક્સપોર્ટ કરી રહ્યા છે. તો સ્વીઝરલેન્ડ અને સાઉથ આફ્રિકામાં ડિસેમ્બરથી તેમનો માલ એક્સપોર્ટ થવાનું શરૂ થશે.
પોતાનું વીઝન પોતાના પૂરતું જ સીમિત ન રાખતાં, બીજા ખેડૂતોને મદદ કરવા દેવેશભાઈ સદા ઉત્સાહી રહે છે. ઋઙઘ, ફાર્મર પ્રોડ્યુસર ઓર્ગેનાઈઝેશન, તેમણે ભારતમાં સૌપ્રથમ સૌથી મોટુ ઇનીશીયેટિવ લીધું છે. સરકારને સામેથી રિક્વેસ્ટ કરીને ભારતનું સૌથી પહલું અને ગુજરાતનું સૌથી મોટુ કોપરેટીવ યુનિટ પબ્લિક પ્રાઇવેટ પાર્ટનરશીપ મોડેલ હેઠળ શરૂ કર્યું છે. જે ગુજરાતમાં જે લોકો ઓર્ગેનિક ઉત્પાદન કરે છે પણ તેમને બજાર નથી મળતું તેમને અમુલ મોડલની માફક આ સંસ્થાના સભાસદ બનાવે છે અને તેમના વતી સંસ્થા તેમના ઉત્પાદનનું મોટાપાયે વેચાણ કરે છે જેનો નફો શેર, ડિવિડન્ડ તેમજ બોનસ સ્વરૂપે બધાને મળે છે. આમ કરવાથી ખેડૂતને બજાર મળવા લાગ્યું છે.
દિનેશભાઈ ખેડૂતને એક જ વાત કરે છે કે તમારી પાસે ચાર વીઘા જમીન હોય અને તમને એક વીઘા માટે ઓર્ગેનિક સર્ટિફિકેટ મળી હોય અને બાકીના ત્રણ વીઘામાં તમે કેમિકલ ખેતી કરતા હોવ તો એ એક વિઘાના માલ પર જ ઓર્ગેનિકનો માર્કો રાખો બાકીના ત્રણ વીઘા ને ઓર્ગેનિક માલમાં ખપાવવાની કોશિશ ન કરો. આ ઉપરાંત વજનમાં પણ પ્રમાણિક રહો. આ બધા પેરામીટર પર ખરા ઉતરીને આપણા સફળ બ્રાન્ડ બની શકીએ. દેવેશભાઈ ખેડૂતોને શીખવાડતાં રહે છે કે તમારી ઉપજને પ્રોડક્ટ બનાવી બજારમાં કેવી રીતે મુકવી. તેમજ તમે સારી વસ્તુ વેંચો તો દસ વખત તમારે બહાર જવું પડશે પરંતુ અગિયારમી વખત ગ્રાહક સામેથી તમારી પાસે આવશે, કોઈપણ જાતની સ્કીમ કે ગિફ્ટની યોજના વગર! ભાઈ કહે છે કે અચ્છે ખાનેવાલે બઢ ગયે હૈ, અચ્છે પકાનેવાલે કમ હો ગયે હૈ; ગ્રાહકોનો એક એવો વર્ગ છે કે સારી વસ્તુ માટે પાંચ-પચાસ રૂપિયા વધારે ખર્ચી નાખતા વિચાર નથી કરતો. બીજું, ખેડૂતને કહું છું કે તમારું સર્કલ બદલો. હાથમાં માવો ચોળતાં સરકારને ગાળો દેતાં, નેગેટિવ વાતો કરતા લોકોની વચ્ચે બેસવા કરતા તમે એવા ખેડૂત વચ્ચે બેસો કે જેમને કંઈક પ્રોગ્રેસિવ કર્યું છે જે સતત ઇનોવેટિવ કરવા તત્પર છે તેના પાસેથી તમને કંઈક શીખવા મળશે.
પોતાના ડીપીમાં ઘઋછ, ઓર્ગેનિક ફાર્મર દેવેશ પટેલ એવું નામ રાખ્યું છે. ઓર્ગેનિક ફાર્મિંગ વિશે જાણવું હોય તો તેઓ વારંવાર એફબી લાઈવ થતા હોય છે. માર્કેટિંગ પેકેજીંગ બ્રાન્ડિંગને લઈને તેમના અનુભવો તેવો વારંવાર શેર કરતા રહે છે અને ખેડૂતને આગળ વધવામાં મદદ કરે છે દેવેશભાઈ પોતે આઇ.ટીના માણસ છે એટલે આ બધું કરી શકે છે. ખેડૂતો અને સ્ટુડન્ટો તેમની સાથે જોડાયેલા છે. ઓર્ગેનિક પદ્ધતિથી ઉત્પાદન વધી શકે છે એ તેમણે સાબિત કર્યું છે, ભાઈ કહે છે કે, પણ તેના માટે તેનું વિજ્ઞાન જાણવું જરૂરી છે કે જમીનને ક્યાં ટાઈમે કેટલું અને શું આપવું તે સમજવું પડે. આવી ઘણી બધી વૈજ્ઞાનિક મેથડ મેં પૃવડ કરી છે. સરકારે તેને એવોર્ડ પણ આપ્યા છે અનેક પ્રોગ્રામમાં મને વિદેશ મોકલ્યો છે. મારા રિસર્ચ અને મેથડને મોટા પાયે આંતરાષ્ટ્રીય માન્યતા મળી છે, જેનો ઉપયોગ અહીંના ખેડૂતો વધુમાં વધુ કરે એ માટે હું ખેડૂતોને સતત માર્ગદર્શન આપતો રહું છું.
સરકાર પાસેથી ખેડૂતોને અપેક્ષા વિશે વાત કરતા તેઓ કહે છે કે સરકાર ખેડૂતોનું ભલુ ઇચ્છી રહી છે અને સારી સારી પોલીસી પણ બનાવી રહે છે પરંતુ પોલીસી ટેબલ લેવલથી નીકળીને એમ્પ્લીમેન્ટ લેવલ સુધી નથી પહોંચતી. મને ખુદને સાડા છ લાખના ઇનામો, ટેકનોલોજી સબસીડી, પ્રોજેક્ટ સબસીડી એ બધું સરકારતરફથી મળેલું છે. ખેડૂને બજારવ્યવસ્થા પણ મળી રહે તેઓ ડેડીકેટેડ સપોર્ટ મળવો જોઈએ. અઢળક પોલિસી સરકાર સમક્ષ મેં મૂકી છે પણ સરકાર તેની રીતે કામ કરે છે! આમ જોઈએ તો જૂનામાં જૂની ખેતી આપણી છે. 5000 વર્ષનો આપણો ખેતીનો ઇતિહાસ છે. કૃષિપ્રધાન દેશ હોવા છતાં આપણે ત્યાં બજેટમાં પણ ખેતીને એટલું વેઇટેજ નથી મળતું જેટલા બીજા દેશોમાં મળે છે. બીજું, ત્યાંના ખેડૂતો સાયન્ટિફિક સ્ટાન્ડર્ડ અનુસરીને કામ કરે છે ફર્ટિલાઇઝર, સોઈલ અને વેધર મેનેજમેન્ટ સમજીને કામ કરે છે. આપણે ત્યાં એ નથી.
દેવેશભાઈને સાંભળવા એ એક લ્હાવો છે. ખેતીને સંલગ્ન બાબત પર તેઓ કલાકો સુધી અસ્ખલીતપણે બોલી શકે છે એ જ દર્શાવે છે કે તેમના કાર્યમાં, ઝીણી ઝીણી બાબતો પર તેમનો ઊંડો અભ્યાસ, વિશેષ દ્રષ્ટિ છે અને તેમના વિષયમાં તેઓ એકદમ સ્પષ્ટ છે. એકપણ મુદ્દો ચુક્યા વીના ખેતઉત્પાદનથી લઈને ઈનોવેટિવસ,રિસર્ચ, સાયન્ટિફિક એપ્રોચ, પ્રોડક્ટ્સ, માર્કેટિંગ ટ્રેડિંગ, અને આ બધામાં ટ્રાન્સપેરેન્સિ… આ તમામ વિશેની તેમની એટલી વિસ્તૃત અને સરસ સમજણ તેઓ આપે છે.
દેવેશભાઈ ગુજરાતના પ્રથમ ખેડૂત છે જે ‘બ્લોક ચેઇન’માં છે, બ્લોકચેઇન એક એવી સાઈટ છે કે જ્યાં કોઈપણ બ્રાન્ડના ઉત્પાદનથી માંડીને વેચાણ સુધીના તબક્કાઓ વિશે વીડિયોના ફોર્મમાં માહિતી મળે છે, તેને કોઈ હેક કે તેની માહિતીમાં કોઈ ચેડા નથી કરી શકતું