અજાણ્યાં મલકમાં દિલીપ ભટ્ટ જેવા ચાહવાળા મળી જાય ત્યારે ઘણાં કામ આસાન થઈ જાય
હું ન્યૂ યોર્ક પહોંચ્યો કે ગણતરીના કલાકોમાં વાચક દિલીપ ભટ્ટ અમારી હોટેલ પર હાજર. આવતાવેંત મકાઈનો ચેવડો, સૂકી ભેળ વગેરેનાં પેકેટ મારા હાથમાં મૂકી દીધાં. અને ચાનાં મસાલાનાં બે પેકેટ પણ ખરાં. ચા અને દિલીપભાઈનાં સાત જનમનાં નાતા વિશે આગળ વાત કરીશું. સૌપ્રથમ તેમનો ટૂંકો પરિચય.
મૂળ જૂનાગઢ જિલ્લાનાં. તાલુકો કદાચ મેંદરડા. એન્જિનિયર. 33 વર્ષ પહેલાં અમેરિકા આવ્યા અને સ્થાયી થયાં. અત્યારે ન્યૂ યોર્ક મેટ્રો રેલવેમાં જોબ કરે છે. ન્યૂ જર્સીમાં એમનું ઘર. સાહિત્યનો જીવ. અગાઉ પણ ફોન પર અમારે ઘણી વખત વાત થઈ છે. બીજાં અનેક વાચકોની જેમ એમણે પણ પ્રેમપૂર્વક કહ્યું હતું કે, “અમેરિકા આવો ત્યારે મને યાદ કરજો!” હું યાદ કરું એ પહેલાં એમણે મને યાદ કરી લીધો.
દિલીપભાઈએ કહ્યું હતું કે, “હું હોટેલ પર આવું એટલે આપણે સરસ ચા પીએ!” મને હતું કે, કોઈ ઇન્ડિયન કેફેમાં લઇ જશે. પણ, એ તો બધો સામાન લઈ ને આવ્યા હતાં. કોઈ પોલીસ અધિકારી જેમ કમરે ગન લટકાવે, લેખકો પાસે પેન હોય એમ દિલીપભાઈ પાસે ચાની સામગ્રી હાજરાહજૂર હોય. એમને તમે “દિલીપભાઈ ચાવાળા” કહો તો પણ ચાલે. ચા એમની પ્રથમ ચાહ (ભાભીજી માફ કરે!) છે. કદાચ ગયા જન્મમાં તેઓ દાર્જિલિંગમાં ચાનાં બગીચામાં “ટી ટેસ્ટર” હશે અથવા તો ટી એસ્ટેટનાં માલિક હશે. ચા પાછળ એમણે વર્ષો ખર્ચ્યા છે. ખૂબ સંશોધન કર્યું છે. ચાનો મસાલો ઘેર જ બનાવે છે. નાનાં પાયે ચાનો બિઝનેસ પણ કરે. ન્યૂ યોર્ક અને આસપાસનાં શહેરોમાં નાનાં-મોટાં ફંક્શન્સમાં ચા સર્વ કરવાની હોય તો ગુજરાતીઓ એમને જ યાદ કરે.
એમની ચા એટલે કાઠિયાવાડી ઘૂંટડો જોઈ લ્યો. ખેતલા આપા જેવી ચાસુંદી નહીં, ટી પોસ્ટ જેવી મસ્ત ચા. કાંટો ચડી જાય અને કિક લાગી જાય એવી. અમે ક્યારે પીધી? એક દિવસ હોટેલ પરથી અમને તેઓ ટ્વિન ટાવર – વર્લ્ડ ટ્રેડ સેન્ટર લઈ ગયા. ત્યાં અમે ફર્યાં, મોલમાં ગયા. નજીક જ તેમની ઑફિસ. ત્યાં અમને લઈ ગયા. મોડી સાંજ થઈ ગઈ હતી. ઑફિસ સ્ટાફ ઘેર જતો રહ્યો હતો. અમને એમણે કેન્ટીનમાં બેસાડ્યા. ફ્રીઝમાંથી પોતાનો દારૂગોળો કાઢ્યો. ઉત્તમ-વીણેલું આદું, ઝીણા કપડાંમાં વીંટેલો તાજો ફુદીનો, ફ્રેશ મિલ્ક, શ્રેષ્ઠ ચાની ભૂકી… આ બધું કાઢી ને બે કપ ગોલી જેવી ચા એમણે બનાવી. અમે ચૂસકીઓ લઈ ને તેની મોજ માણી. ખરેખર લાજવાબ.
પછી તેઓ અમને એમનાં ડેસ્ક પર લઈ ગયા. નિરાંતે વાતોનાં વડાં કર્યાં. એમનું એક-એક ડ્રોઅર ખોલી ને મને દેખાડ્યું. ગુજરાતી નાસ્તાઓનો ખજાનો હતો તેમાં. એ ડ્રોઅર હંમેશા ખુલ્લું જ હોય. ઑફિસ સ્ટાફ – કલીગ્સને જ્યારે મન થાય ત્યારે આવી ને ખાનું ખોલી ને નાસ્તો લઈ લેવાનો. ચા પીવડાવવાનો અને જમાડવાનો તેમને ગાંડો શોખ. ઑફિસનાં ડ્રોઅરમાં બે મોટી કીટલી રાખી છે. કોઈ મિત્રનું, પરિચિતનું મોટું ગ્રૂપ આવ્યું હોય તો ઑફિસમાં બધાંને બેસાડવાનું શક્ય ન હોય. આવાં કિસ્સામાં તેઓ ગ્રૂપને વર્લ્ડ ટ્રેડ સેન્ટર પાસે ઉભું રાખે અને ત્યાં કીટલી અને ગ્લાસ લઈ ને પહોંચી જાય. દિવાળી વખતે ઘેરથી ઑફિસના સિત્તેર લોકો માટે ગુજરાતી ભોજન લઈ જાય. દાળ, ભાત, શાક, રોટલી, સંભારો, છાશ અને ચૂરમાનાં લાડું.
અમેરિકા પહોંચ્યાની પોસ્ટ મેં મૂકી કે બે-પાંચ કલાકમાં અમેરિકા સ્થિત અનેક વાચક મિત્રોનાં મેસેજ આવ્યા અને બધાંએ પ્રેમપૂર્વક આમંત્રણ આપ્યું. પણ, દિલીપભાઈ સાથે અમને બરાબર ફાવી ગયું છે. આજે આ લખું છું ત્યારે અહીં સવારનાં 8 વાગ્યા છે, 10 વાગ્યે એક કામથી મારે જવાનું છે. હું ફ્રી થઈશ કે તરત મારે એમને ફોન કરવાનો છે, તેઓ નિયત જગ્યાએ પહોંચી જશે. અજાણ્યાં મલકમાં આવા કોઈ ચાહવાળા મળી જાય ત્યારે ઘણાં કામ આસાન થઈ જાય. ન્યૂ યોર્ક જવાનું થાય તો એમની ચા જરૂર પીશો.
કંઈ ભૂલાઈ ગયું? ઓહ યા યા: હિન્દી-અમેરિકી ભાઈ-ભાઈ.
અહીં સુધી તો ઠીક છે, કોઈએ હિન્દી-અમેરિકી ભાઈ-બહેન કહ્યું છે તો ખેર નથી.