તેલંગાણાના પેડ્ડાપલ્લી જિલ્લામાં આજે ટ્રેન દુર્ઘટના સર્જાઈ હતી. રાઘવપુરમ અને રામગુંડમ વચ્ચે રેલવે ટ્રેક પરથી એક માલગાડી પાટા પરથી ઉતરી ગઈ હતી. 44 વેગન વાળી આ ટ્રેનના 11 ડબ્બા પાટા પરથી ખડી પડ્યા હતા અને પલટી ગયા હતા. આ ટ્રેન આયર્ન ઓર લઈને ગાઝિયાબાદથી કાઝીપેટ જઈ રહી હતી. આ દુર્ઘટના ગત રાત્રે સર્જાયો હતો જેની માહિતી આજે સવારે સામે આવી છે. ટ્રેન પાટા પરથી ખડી પડવાના કારણે રેલ માર્ગ ખોરવાઈ ગયો છે, તેથી રેલવેએ રૂટ પર દોડતી 30 થી વધુ ટ્રેનો કેન્સલ કરી દેવામાં આવી છે. ઘણી ટ્રેનોના રૂટ ડાયવર્ટ કરવામાં આવ્યા છે. ખાસ કરીને દિલ્હી અને ચેન્નઈ વચ્ચેનો રેલ વ્યવહાર પ્રભાવિત થયો છે. દુર્ઘટનાના કારણે સુપરફાસ્ટ એક્સપ્રેસ ટ્રેનો, પેસેન્જર ટ્રેનો અને અન્ય માલ ગાડીઓ પણ ટ્રેનના પાટા પર ફસાઈ રહી હતી. આ માહિતી દક્ષિણ મધ્ય રેલવેના PROએ આપી છે.
દુર્ઘટનાની માહિતી મળતા જ સ્ટેશન માસ્ટર, રેલવે અધિકારીઓ અને કર્મચારીઓ ઘટનાસ્થળે પહોંચી ગયા હતા. સ્થાનિક પ્રશાસન અને પોલીસની ટીમો પણ દુર્ઘટના સ્થળે પહોંચી ગઈ હતી. રેલવે કર્મચારીઓએ પાટા પરથી ક્ષતિગ્રસ્ત ડબ્બા અને સામાન હટાવવાનું કામ શરૂ કરી દીધું છે. રેલવે એન્જિનિયરોએ ટ્રેન પાટા પરથી ઉતરી જવાના કારણોની તપાસ કરી છે. રેલવે પ્રશાસનનું કહેવું છે કે, દુર્ઘટનાની તપાસ કર્યા બાદ અધિકારીઓને રિપોર્ટ સોંપવામાં આવશે, કારણ કે જ્યારે કોઈ માલગાડી દુર્ઘટનાનો શિકાર બને છે ત્યારે રેલ ટ્રાફિક મોટા પાયે પ્રભાવિત થાય છે. પેસેન્જર ટ્રેનો અને માલગાડીઓને આમ-તેમ અવરજવર કરવામાં મુશ્કેલીનો સામનો કરવો પડે છે. આવી દુર્ઘટનાઓને અટકાવવાનો પ્રયાસ કરવામાં આવી રહ્યો છે. આ દુર્ઘટનાનું કારણ શોધીને માલગાડીને વધુ સુરક્ષિત બનાવવામાં આવશે, જેથી લોકોને તેના કારણે મુસાફરી કરવામાં મુશ્કેલીનો સામનો ન કરવો પડે.