ભારતીય સંસ્કૃતિનું અભિન્ન અંગ છે તહેવારો. પર્વ એ દરેક સંસ્કૃતિની છબી છે.
– પારૂલ દેસાઇ
આ તહેવારો આધુનિક સમયમાં સંસ્કૃતિના રક્ષક બની ગયા છે. હિન્દુ સંસ્કૃતિનો મહત્વનો અને મોટો તહેવાર તે દિવાળી. વળી ગુજરાતીઓ માટે તો પાંચ પર્વોનું સ્નેહમિલન. ધનતેરસ, કાળી ચૌદશ , દિવાળી, નુતનવર્ષ અને ભાઈ બીજ. નવું વર્ષ શરૂ થતું હોવાને લીધે નુતન વર્ષ દરેક રીતે સુખમયી બની રહે તેવી શુભેચ્છા મળે અને આપીએ.
ઈશ્ર્વર આપને સુખ, શાંતિ, સમૃધ્ધિ અને તંદુરસ્તી આપે એ જ શુભકામના. તન-મન અને ધનની સુખાકારી પ્રાપ્ત થાય તેવી શુભેચ્છા. આવી શુભેચ્છા દર્શાવતી અનેક પોસ્ટ આઠ દિવસ અગાઉથી જ મોબાઇલમાં ખડકાવા લાગી ત્યારે સહજ વિચાર આવ્યો કે આ એક દિવસ નહીં પણ દરેક દિવસે આ શુભેચ્છા દરેકને આપવી જોઈએ કારણકે દરેક દિવસ એ ‘નવો’ છે. હકીકતમાં રોજ સવારનો સૂરજ કંઈક તો ‘નવું’ લાવે જ છે. દરેકની ઈચ્છા હોય છે તન, મન અને ધનથી સમૃદ્ધ બનવાની. જીવનની મધુરતા તન – મન અને ધનની સુખાકારીમાં રહેલી છે એ આપણે સૌ સ્વીકારીએ છીએ. માત્ર આવી શુભેચ્છા અને વડીલોના આશીર્વાદથી તો આ સુખ-શાંતિ પ્રાપ્ત નહીં જ થાય. હા, અન્યનો આ હકારાત્મક ભાવ – ઉર્જા આપણને અમુક અંશે ચોક્કસ સુખી બનાવવામાં મદદ કરી શકે. પરંતુ અમૂલ્ય મનુષ્ય જીવન મેળવ્યા પછી જાતે બધા જ નિર્ણયો લઈએ તેટલા ઉંમરમાં મોટા થયા પછી તંદુરસ્ત રહેવા, માનસિક શાંતિ અને આર્થિક સમૃધ્ધિ પામવા માટે આપણાં પ્રયત્નો કેટલા ? જો કે આર્થિક સમૃધ્ધિ પ્રાપ્ત કરવા ધ્યેય રાખીને પુરુષાર્થ કરીએ સાથે જ્યોતિષ અને જપ-તપ, મંત્રનો પણ સહારો લઈએ પણ ભાગ્યે જ પોતાની શારીરિક – માનસિક સ્વસ્થતા માટે કોઈ પ્રયત્ન થતાં હોય. નવા વર્ષથી જ આપણે જીવનને મધુર બનાવવા કટિબદ્ધ બનશુ તો ક્યારેય કોઈ પણ પ્રકારની સમસ્યા આવશે નહીં.
10 વર્ષથી ઉપરની દરેક વ્યક્તિ જો યોગ અને પ્રાણાયામ કરવાનું શરૂ કરી દે તો તેઓ માનસિક -શારીરિક સ્વસ્થ બની કોઈ પણ જાતના રોગનો કે કુટેવનો ભોગ બને નહીં. ત્વચા સંબંધી તમામ સમસ્યાઓ દૂર થઈ તેજસ્વી -કાંતિમય કુદરતી સૌંદર્ય મેળવી શકશે. વિધાર્થીઓ પોતાના અભ્યાસ અને કેરિયરમાં પણ સફળતા મેળવી શકશે. સામાન્ય રીતે આપણી તન અને મનની સ્વસ્થતા માટે એટલેકે આપણે હંમેશ નિરોગી- તંદુરસ્ત રહીએ તે માટે અઠવાડિયાના પાંચ દિવસ યોગ-પ્રાણાયામ કરવા જ જોઈએ. આપણી દિનચર્યામાં જ તેનો સમાવેશ કરવો જરૂરી છે. રોગ પ્રતિકારક શક્તિ વધે, સ્નાયુઓ મજબૂત બને, યાદ શક્તિ વધે, મન શાંત રહે એટ્લે સ્વાભાવિક જ નિરોગી રહી શકીએ. વિચારવાની શક્તિ વધે, મન એકાગ્ર બની કાર્ય કરે, યાદ શક્તિ વધે એટ્લે ઓછા સમયમાં વધુ યાદ રાખી અભ્યાસમાં કે ધંધા – વ્યવસાય કે નોકરીમાં પ્રગતિ કરી શકીએ. આના કારણે માંદગી પાછળ થતાં ખર્ચમાં પણ ઘટાડો થાય. વળી, સમયનો પણ બચાવ થાય છે. જેને લીધે આર્થિક ઉન્નતિ પણ થવાની. વર્તમાન સમયમાં સતત મોબાઈલનો ઉપયોગ સમય પસાર કરવા, મનોરંજન મેળવવા કે પછી અભ્યાસ- વ્યવસાયને કારણે ઘણા કામકાજ ઓનલાઈન થતાં હોવાના લીધે ‘માયોપિયા ટેક્સ્ટ નેક’ નામની શારીરિક માનસિક બીમારીનું પ્રમાણ વધી રહ્યું છે. આ બીમારીમાં ચીડિયાપણું, ગુસ્સો, હતાશા, માથાનો દુખાવો, નિરસતા, સ્વ-ઈજા કરવાના વિચારો, અનિદ્રા તેમજ વર્ટીગોં, સર્વાઈકલ પેઇન થાય છે. આ બધાથી બચવા માટે એક જ સચોટ ઉપાય છે યોગ – પ્રાણાયામ. યોગ સાથે જ અમુક સૂક્ષ્મ ક્રિયાઓ તેમજ સર્વાંગી વ્યાયામ પણ જરૂરી છે. આ બધી બાબતોને વિશ્વ એ પણ અપનાવી છે.
- Advertisement -
ધરતી પર રહેનાર તમામ સજીવને હવા, પાણી અને સૂર્યની ઉર્જા ની જરૂર પડે છે જેમાં સૂર્ય એ ઉર્જાનો મુખ્ય સ્ત્રોત છે. સૂર્ય પ્રકાશ વિટામિન ઉ આપે છે તે હેતુથી જ સૂર્ય નમસ્કાર દ્વારા સૂર્યની ઉર્જાનો શરીરમાં સંગ્રહ કરવાનું મહત્વ છે. પેટ, આંતરડા, સ્વાદુપિંડ, હૃદય, ફેફસાં સ્વસ્થ રહે છે. કરોડરજ્જુ અને કમરને લચીલા બનાવે છે. શરીરના ઝેરી દૃવ્યો બહાર નીકળે છે. વધારાનું વજન ઓછું કરે છે. ચામડી સુંદર, ડાઘ રહિત, તેજસ્વી, કસાયેલી બને છે. સુગર લેવલ નિયમિત કરે છે જેથી ડાયાબિટીક દર્દીઓએ ખાસ કરવું જોઈએ. ઉપરાંત લોહીનું પરિભ્રમણ સારી રીતે થાય છે.
‘પહેલું સુખ તે જાતે નર્યા’ જાણતા હોવા છતાં સ્વાસ્થ્ય માટે દિવસનો માત્ર એક કલાક અને નહિવત ફી નો ખર્ચ કરનારા જૂજ જોવા મળે છે. આગ લાગે ત્યારે કૂવો ખોદવા ન જવાય તેમ બીમાર પડીએ ત્યારે જ સ્વાસ્થ્ય જાળવવા જાગૃત ન બનાય. સ્માર્ટ વ્યક્તિઓ ગાડરિયા પ્રવાહમાં તણાઈને જિમ – ઝૂબ્બામાં જવાને બદલે યોગ – પ્રાણાયામ-હિલિંગ થેરાપીને પ્રાધાન્ય આપે છે. ટૂંકમાં જીવનને મધુર બનાવવું સહેલું છે. નવા વર્ષમાં આપ સૌના જીવનમાં સુખ-શાંતિ, સમૃદ્ધિ પ્રગટાવવા સમજ મેળવી રહો તેવી શુભકામના.
BE SMART, BE HEALTHY
‘પહેલું સુખ તે જાતે નર્યા’ જાણતા હોવા છતાં સ્વાસ્થ્ય માટે દિવસનો માત્ર એક કલાક અને નહિવત ફી નો ખર્ચ કરનારા જૂજ જોવા મળે છે. આગ લાગે ત્યારે કૂવો ખોદવા ન જવાય તેમ બીમાર પડીએ ત્યારે જ સ્વાસ્થ્ય જાળવવા જાગૃત ન બનાય…