ખનિજ ભરેલા વાહન ચાલકો પાસે એન્ટ્રી નામે રૂપિયા પડાવતા હતા
ખાસ-ખબર ન્યૂઝ સુરેન્દ્રનગર, તા.18
સુરેન્દ્રનગર જિલ્લામાં ચાલતી ખનિજ ચોરી છડે ચોક ધમધમે છે છતાં કોઈ કાર્યવાહી નહિ થતા ખમ ખનિજ વિભાગ પર અનેક વખત શંકા ઉદભવી રહી છે. પરંતુ ખનિજ વિભાગના અધિકારીઓ અને કર્મચારીઓ પર પણ હવે લાંચનો કાળો ડાઘ લાગ્યો છે. જેમાં સુરેન્દ્રનગર જિલ્લાના કટારીયા ચેક પોસ્ટ પાસે ખાણ ખનીજની કર્મચારી અને સિક્યુરિટી ગાર્ડ એક હજાર રૂપિયાની લાંચ લેતા એ.સી.બીના છટકામાં ઝડપાયા હતા.
- Advertisement -
જાણવા મળતી વિગતો અનુસાર સુરેન્દ્રનગર જિલ્લાના લીમડી તાલુકાના કટારીયા ગામ નજીક ખાણ ખનિજ વિભાગની ચેક પોસ્ટ આવેલી છે જેમાં સુરેન્દ્રનગર જિલ્લા અથવા અન્ય જિલ્લામાંથી આવતા જતા ખનિજ ભરેલા વાહનોની રોયલ્ટી સહિતના પુરાવા તપાસવા આવે છે આ ચેક પોસ્ટ પર ખાણ ખનિજ વિભાગના અધિકારી પણ નીમવામાં આવ્યા છે છેલ્લા કેટલાક સમયથી કટારીયા ચેક પોસ્ટ પર ખાણ ખનિજના કર્મચારી દ્વારા હપ્તા સિસ્ટમ થકી ખનીજના વાહનો જવા દેવામાં આવતા હોવાની ફરીયાદો ઉઠવા પામી હતી પરંતુ અહીંનો હપ્તો ચેક મુખ્ય કચેરીના અધિકારી સુધી જતો હોવાથી કોઈ કાર્યવાહી થતી ન હતી પરંતુ અંતે પાપ ચાપી ચડી પોકારે તે પ્રકારે ગઈ કાલે સવારે એક જાગૃત નાગરિકના ત્રણ ડમ્પરો ખનિજ વહન કરવા માટે ચેક પોસ્ટમાં કર્મચારી હેરાનગતિ ન કરે તે માટે ખનીજના ક્લાર્ક સાજીદખાન અહેમદખાન પઠાણ દ્વારા એક ડમ્પરના રૂ.500 લેખે ત્રણ ડમ્પર રૂ.1500 એન્ટ્રીના નામે લાંચ માંગી હતી જે વાતચીત દરમિયાન અંતે રૂ.1000માં નક્કી થતાં ચેક પોસ્ટ પર પ્રાઇવેટ સિક્યુરિટી ગાર્ડ ગીરીશભાઈ હીરાભાઈ ઝાલા દ્વારા લાંચના રૂપિયા સ્વીકારતા એ.સી.બીના છટકામાં ઝડપાયા હતા. આ તરફ લાંચના છટકામાં ઝડપાયેલ સિક્યુરિટી ગાર્ડ ગીરીશભાઈ હીરાભાઈ ઝાલા અને ખાણ ખનિજ વિભાગના ક્લાર્ક સાજીદખાન અહેમદખાન પઠાણ વિરૂદ્ધ ગુન્હો નોંધ્યો હતો. જ્યારે ખાણ ખનિજ વિભાગના કર્મચારીને લાંચ લેતા ઝડપી પાડવા રાજકોટ વિભાગના મદનીશ નિયામક કે.એચ.ગોહિલના સુપર વિઝનમાં સુરેન્દ્રનગર તથા મોરબી એ.સી.બી દ્વારા ઓપરેશનને સફળતા પૂર્વક પાર પડ્યું હતું.