મને ગોળી વાગી ત્યારે સારવાર કરી ન હતી, ડોક્ટરને પતાવી દેવો છે
જસદણ પોલીસે રાજકોટના કુખ્યાત શખ્સ સામે ગુનો નોંધી ત્રણેયને દબોચી લીધા
- Advertisement -
ખાસ-ખબર સંવાદદાતા
મૂળ રાજકોટમાં બાપા સીતારામ ચોકનો અને હાલ જસદણમાં ચિતલીયા રોડ પર રહેતો અને અંહી જ રામાણી હોસ્પિટલમાં મેનેજમેન્ટનું કામ કરતાં દીપેન ઉર્ફે લાલાભાઇ વિનોદભાઈ ઠુંમર (ઉ.વ.36) નામના યુવાને જસદણના રાજવીર ઉર્ફે રાજો બીશુ વાળા, નીલરાજ શાંતુ ખાચર અને રવિરાજ ઉર્ફે ભગત ઉમેદ ગીડા સામે જસદણ પોલીસમાં ફાયરિંગ, ધમકી, મારકૂટ સહિતની કલમો હેઠળ ફરિયાદ નોંધાવી છે. ફરિયાદમાં જણાવ્યું હતું કે રવિવારના મોડી રાત્રે ઊંઘ ઉડતા ફોનમાં જોતાં મિસ કોલ થઈ ગયા હતા. જે નંબર પર કોલ કરતા સામેથી એક વ્યક્તિએ કહ્યું હતું કે હોસ્પિટલમાં મારામારી ચાલુ છે. જેથી તે તુરંત હોસ્પિટલે પહોંચ્યો હતો હોસ્પિટલે સ્ટાફના યોગેશભાઈ અને મેહુલ સાથે ત્રણેય આરોપી મારકૂટ કરતા હતા અને આરોપીઓ કહેતા હતા કે, કયાં તમારો રામાણી તેને પતાવી દેવા છે કહી ગાળો આપવા લાગ્યા હતા જેથી યુવાને ગાળો આપવાની ના કહેતા આરોપીઓએ યુવાનને પકડી નીચે હોસ્પિટલ બહાર લઇ ગયા હતા અને કહેતા હતા કે મને ગોળી વાગી ત્યારે સારવારમાં આવતા ડોક્ટર રામાણી કે તું નહોતા મળ્યા. હોસ્પિટલને તાળા મારી દેવા છે કહી યુવાનનું ફોરચ્યુનર કારમાં અપહરણ કરી રાજવીરના ઘરે લઈ ગયા હતા. જ્યાં આરોપીઓ પૈકી રાજવીરે તેની પાસે રહેલ પિસ્તોલ જેવી નાની બંદૂક હોય તેમાં કાર્ટીસ ભરી અને યુવાનને ડરાવતો હતો બાદમાં આરોપીએ તેને પરત કારમાં બેસાડી વીંછિયા રોડ ત્યાંથી લીલાપર રોડ પર લઈ ગયા હતા. રસ્તામાં પણ ધમકાવી હથિયાર બતાવી ડરાવતા હતા. બાદમાં રાજવીરે ચાલુ વાહને કાચ ખોલી હવામાં એક રાઉન્ડ ફાયરિંગ કર્યું હતું અને આટલી વાર લાગે તેમ કહ્યું હતું. એટલું જ નહીં આરોપીએ યુવાનને બંદૂક બતાવી ડોક્ટર રામાણીને ફોન કરવાનું કહેતા યુવાને કોલ કર્યો હતો. આ સમયે ફોન સ્પીકર પર રાખવાનું કહેતા અને ડોક્ટર રામાણી સાથે વાત કરી હતી. ડોક્ટર રામણીએ પણ આરોપીઓને તેને છોડી દેવા વિનંતી કરી હતી. બાદમાં આરોપીઓએ યુવાનને તેના ઘર નજીક ઉતારી ઘર અંદર લઈ ગયા હતા. જ્યાં ફરીથી તારી સોડા શોપ સવારે ખુલવી જોઈએ નહીં તેની ચાવી મંગાવી છે તેમ કહેતા તેના કર્મીને ફોન કરી ચાવી મંગાવતા આરોપીએ રાખી લીધી હતી અને બીજી તરફ ડોક્ટર રામાણીએ દીપકભાઈ ગીડાને ફોન કરતા તે ત્યાં આવી જતા આરોપીઓએ ચાવી પરત આપી દીધી હતી અને ફરિયાદ નોંધાવી હતી.