જામનગર શહેર અને જિલ્લામાં કોરોનાનો ખોફ દિનપ્રતિદિન વધતો જાય છે. જેમાં સાતમ-આઠમ નોમ અને દશમના તહેવારના દિવસો ગોઝારા સાબિત થયા હોયા તેમ જામનગરની જી.જી.હોસ્પિટલના બિછાને છેલ્લા 72 કલાક દરમિયાન 17 દર્દીઓના મૃત્યુ નિપજતા હાહાકાર મચી ગયો છે. આ ઉપરાંત જામનગર શહેરમાં કોરોનાના દર્દીઓનો આંકડો એક હજારને પાર થયો છે. છેલ્લા 72 કલાક દરમિયાન સમગ્ર જિલ્લામાં વધુ 184 દર્દીઓ કોરોના સંક્રમિત બન્યા છે. જામનગર શહેર અને જીલ્લામાં કોરોનાનુ સંક્રમણ રોકેટ ગતીએ આગળ વધી રહ્યુ છે ત્યારે મોતનો આંકડો પણ સતત વધી રહ્યો છે. દિવસેને દિવસે વિકટ બનતી પરિસ્થિતિને લઈ તંત્ર પર પણ ચિંતાના વાદળો વધુ ઘેરાયા છે.