ગુનો સાબિત થયે ઓછામાં ઓછા 10 વર્ષની અને વધુમાં વધુ 14 વર્ષની કેદની જોગવાઈ: ગુનેગારે જંત્રીદર મુજબ દંડ પણ ભરવો પડશે

‘ધ ગુજરાત લેન્ડ ગ્રેબિંગ ( પ્રોહિબિશન ) બિલ 2020’નો મુસદ્દો તૈયાર: ‘ટાઈમ્સ ઑફ ઇન્ડિયા’નો વિશેષ અહેવાલ

કિન્નર આચાર્ય

CM રૂપાણી હવે જમીન કૌભાંડિયાઓને ડામવા કમર કસી રહ્યા છે. તેમનાં નેતૃત્વમાં ગુજરાત સરકાર ભુમાફિયાઓ પર લગામ લગાવવા માટે એન્ટિ લેન્ડ ગ્રેબિંગ કાયદામાં સુધારો કરીને ૧૪ વર્ષ સુધીની સજાની જોગવાઈ કરવા તૈયારી કરી રહી છે . રાજય સરકારના રેવન્યુ વિભાગ દ્વારા આ માટે ‘ધ ગુજરાત લેન્ડ ગ્રેબિંગ ( પ્રોહિબિશન ) બિલ ૨૦૨૦’નો મુસદ્દો તૈયાર કરવામાં આવ્યો છે. જેને વિધાનસભાના આગામી મહિને મળનાર ચોમાસુ સત્રમાં રજૂ કરવામાં આવી શકે છે. આ પ્રસ્તાવિત બિલમાં ગુનો સાબિત થયો હોય તેવા કેસમાં ભુમાફિયાઓને વધુમાં વધુ ૧૪ વર્ષની જેલની સજા અને ઓછામાં ઓછી ૧૦ વર્ષ સજાની જોગવાઈ કરવામાં આવી છે. આ અંગે જાણકારી ધરાવતા ઊચ્ચ સૂત્રોએ કહ્યું કે નવા પ્રસ્તાવિત કાયદા મુજબ જે ગુનેગાર સાબિત થશે તેમણે જે તે જમીનની જંત્રી જેટલો દંડ પણ ભરવો પડશે.

ટાઇમ્સ ઓફ ઇન્ડીયાના એક અહેવાલમાં જણાવ્યું છે કે, જો આ ગુનો આચરનાર કોઈ કંપની હશે તો જયારે ગુનો આચરવામાં આવ્યો તે સમયે કંપનીમાં ભાગ ધરાવતા હોય તેવા દરેક વ્યકિત ગુનેગાર ગણાશે અને તેમની વિરુદ્ધ કાયદેસર પગલા લેવામાં આવશે. સૂત્રોએ કહ્યું કે આ કાયદાનું બિલ ગત બજેટ સેશનમાં જ રજૂ થનાર હતું પરંતુ કોવિડ -૧૯ ના પરિસ્થિતિને જોતા તે સમયે આ બિલ રજૂ કરવામાં આવ્યું નહોતું. રેવન્યુ વિભાગના ટોચના સૂત્રોએ કહ્યું કે આ પ્રસ્તાવિત કાયદો વધતા જતા જમીન પડાવી લેવાના ગુનાને ધ્યાનમાં રાખીને તૈયાર કરવામાં આવ્યો છે. પછી તે વ્યકિતગત ગુનો હોય કે કંપની બનાવીને જમીન પડાવી લેવાનો ગુનો આચર્યો હોય, આ જમીન ધાકધમકી, જોરજબરજસ્તી , ગેરકાયદેસર રીતે પડાવી હોય , જમીન સરકારી હોય, સ્થાનિક સ્વરાજ સંસ્થાઓની હોય, ટ્રસ્ટની હોય કે પછી વ્યકિતગત માલિકીની તમામ બાબતોને આ નવા કાયદામાં આવરી લેવામાં આવી છે. જમીન પડાવી લેતા આ ભુમાફિયાઓ ખોટા દાવાઓ કરી છેતરપિંડી કરે છે. અનૈતિક જમીન દલાલો સાથે મળીને ખોટી રીતે જમીનના સોદા કરે છે અને લોકો સાથે છેતરપિંડી કરીને રુપિયા પડાવી લે છે. આવી અનૈતિક અને ગેરકાયદે પ્રવૃાિ કાયમ માટે બંધ થવી જોઈએ .