ઈરાનમાં ભારતીય દૂતાવાસે ભારતીય નાગરિકો અને ભારતીય મૂળના લોકોને સતર્ક રહેવા અને બિનજરૂરી હિલચાલ ટાળવા વિનંતી કરી છે.
ઇઝરાયલ અને ઈરાન વચ્ચે વધતા તણાવ અને લશ્કરી પરિસ્થિતિને ધ્યાનમાં રાખીને, ભારતીય દૂતાવાસે ઈરાનમાં રહેતા તમામ ભારતીય નાગરિકો માટે એક એડવાઇઝરી જારી કરી છે. ભારતીય દૂતાવાસે કહ્યું છે કે, ‘વર્તમાન પ્રાદેશિક પરિસ્થિતિને ધ્યાનમાં રાખીને, બધા ભારતીય નાગરિકોએ સતર્ક રહેવું. તેમજ ઇઝરાયલી અધિકારીઓ અને હોમ ફ્રન્ટ કમાન્ડ દ્વારા જારી કરાયેલ સુરક્ષા માર્ગદર્શિકાનું સંપૂર્ણ પાલન કરવું.’
- Advertisement -
આ સાથે, ભારતીયોને બિનજરૂરી મુસાફરી ટાળવા અને નજીકના સલામતી આશ્રયસ્થાનોની નજીક રહેવાની સલાહ આપવામાં આવી છે. દૂતાવાસે દરેકને પરિસ્થિતિ સામાન્ય ન થાય ત્યાં સુધી સાવચેત રહેવા અને જરૂર પડે તો તાત્કાલિક સહાય માટે દૂતાવાસનો સંપર્ક કરવાની અપીલ કરી છે.
ઈઝરાયલમાં ભારતીય દૂતાવાસે પણ જારી કરી એડવાઇઝરી
આ સાથે જ ઈઝરાયલમાં ભારતીય દૂતાવાસે પણ ભારતીય મૂળના લોકો માટે એડવાઇઝરી જારી કરી છે કે, ‘વર્તમાન સ્થિતિને ધ્યાને રાખતાં ઇઝરાયલમાં રહેતા બધા ભારતીય નાગરિકોને સતર્ક રહેવા અને સુરક્ષા નિયમોનું પાલન કરવા સુચના. તેમજ બિનજરૂરી પ્રવાસ ટાળવો અને ઇઝરાયલની ઓથોરીટીની સુચનાઓનું પાલન કરવું.’
- Advertisement -
ઈરાન પર ઇઝરાયલનું ઓપરેશન ‘રાઈઝિંગ લાયન’
ગુરુવારે મોડી રાત્રે ઇઝરાયલે ઈરાન વિરુદ્ધ એક મોટું લશ્કરી ઓપરેશન ‘રાઈઝિંગ લાયન’ શરૂ કર્યું. ઈરાનના મીડિયાએ પણ આ હુમલાની પુષ્ટિ કરી છે. જયારે ઇઝરાયલી સંરક્ષણમંત્રીએ જણાવ્યું કે, ‘ખતરો આવે એ પહેલા જ પ્રતિક્રિયા આપવી જરૂરી હતી. આથી આ ઓપરેશન હાથ ધરવામાં આવ્યું. કારણ કે, ઈરાનનો પરમાણુ કાર્યક્રમ ઇઝરાયલ માટે સીધો ખતરો બની રહ્યો હતો અને તેથી જ આ લશ્કરી પગલું ભરવું જરૂરી બન્યું છે.’
ઇઝરાયલી વડા પ્રધાન બેન્જામિન નેતન્યાહૂએ આ ઓપરેશન વિશે મોટું નિવેદન આપતા કહ્યું હતું કે, ‘તેમની સેનાએ ઈરાનના તે અગ્રણી પરમાણુ વૈજ્ઞાનિકોને નિશાન બનાવ્યા છે, જેઓ કથિત રીતે પરમાણુ બોમ્બ વિકસાવવાના કામ લાગેલા હતા. આ ઉપરાંત, તેમણે એવો પણ દાવો કર્યો હતો કે ઈરાનના બેલિસ્ટિક મિસાઈલ કાર્યક્રમના મુખ્ય કેન્દ્ર પર પણ ચોક્કસ હુમલો કરવામાં આવ્યો છે. ઇઝરાયલે આ ઓપરેશનને ‘સ્ટ્રેન્થ ઓફ અ લાયન’ નામ આપ્યું છે. નેતન્યાહૂએ સ્પષ્ટપણે કહ્યું હતું કે, ‘ઈરાન દ્વારા ઉભા થયેલા ખતરાને સંપૂર્ણપણે નાબૂદ ન થાય ત્યાં સુધી આ ઓપરેશન ચાલુ રહેશે.’