પરીવારની જવાબદારી અને આર્થિક તંગીથી જીવન ટુકાવવામાં પુરુષોની સંખ્યા વધારે
આત્મહત્યાના કેસમાં ૨૩.૪ ટકા પગારદાર લોકો : ૨૦૧૯માં ભારતમાં ૧૩૯૧૨૩ લોકોએ આત્મહત્યા કરી
કેન્દ્રીય ગૃહ મંત્રાલયના રાષ્ટ્રીય અપરાધ રેકોર્ડ બ્યૂરોએ ૨૦૧૯માં થયેલી આત્મહત્યાના આંકડા બહાર પાડયા છે. ભારતમાં ૧૩૯૧૨૩ લોકોએ આત્મહત્યા કરી છે જેમાં ૯૭૬૧૩ પુરુષો અને ૪૧૩૫૯ મહિલાઓનો સમાવેશ થાય છે એટલે કે મહિલાઓની સરખામણીમાં પુરુષોના આત્મહત્યા કેસ મહિલાઓ કરતા બમણાથી પણ વધારે છે.વધતી જતી રોજગારીની ચિંતા અને તણાવનો વધુ ભોગ પુરુષો બનતા જાય છે.આ આત્મહત્યાના કેસમાં ૨૩.૪ ટકા પગારદાર હતા.એનસીઆરબીએ તેના અહેવાલમાં વિવિધ પ્રકારની આત્મહત્યાના આંકડાનું પૃથ્થકરણ પણ કર્યુ છે.
ભારતની ૭૦ ટકા વસ્તી સીધી કે આડકતરી રીતે ખેતી પર નભે છે જેમાં ૨૦૧૯માં ૧૦૨૮૧ લોકોએ આત્મહત્યા કરી છે જેમાં ૫૯૫૭ ખેડૂતો એને ૪૩૨૪ ખેત મજૂરો છે.ભારતમાં ખેત ઉત્પાદન અને ખેતી માટે જાણીતા મહારાષ્ટ્રમાં સૌથી વધુ ૩૮.૨ ટકા ખેડૂતોએ આત્મહત્યા કરી છે.આવી જ રીતે ખેડૂતોની કુલ આત્મહત્યામાં કર્ણાટકમાં ૧૯.૪ આંધ્રપ્રદેશના ૧૦ અને મધ્યપ્રદેશના ૫.૩ ટકાનો સમાવેશ થાય છે. આત્મહત્યા અને આર્થિક આવકને સિધો સંબંધ જણાય છે.૨૦૧૯માં આત્મહત્યા કરતા લોકોમાં બે તિતૃયાંશ લોકો એવા હતા જેમની વાર્ષિક આવક ૧ લાખ કરતા પણ ઓછી હતી. આ લોકો મહિને ૮૩૩૩ અને રોજના ૨૭૮ રુપિયા કમાતા હતા. આ રકમ રોજગાર ગેરંટી યોજનાના મિનિમમ વેતન કરતા પણ ઓછી છે. આત્મહત્યા કરનારા લોકોમાં માત્ર ૩૦ ટકા જ એવા હતા જેની આવક ૧ લાખથી ૫ લાખની વચ્ચે હતી.
- Advertisement -
પરીવારની જવાબદારી પુરુષો પર રહેતી હોવાથી આર્થિક તંગીથી જીવન ટુકાવવામાં પુરુષોની સંખ્યા વધારે છે. ૨૦૧૯માં ૧ લાખથી ઓછી આવક ધરાવનારા ૯૨૨૩૬ લોકોએ આત્મહત્યા કરી જેમાં ૨૯૮૩૨ મહિલાઓ અને ૬૨૨૩૬ પુરુષો હતા. આવી જ રીતે ૧ લાખથી ૫ લાખ રુપિયા આવક ધરાવનારા ૪૧૧૯૭ લોકોએ જાતે જ મોતને વ્હાલું કર્યુ હતું. ૫ થી ૧૦ લાખથી વધુ આવક ધરાવનારા ૧૦૧૯ લોકોએ આત્મહત્યા કરી હતી. જો કે એનસીઆરબીમાં આત્મહત્યાના નોંધાયેલા આંકડા મુજબની વિગતો છે. આ ઉપરાંત દુરદરાજ અને અંતરિયાળ વિસ્તારમાં નહી નોંધાયેલા બનાવો જોતા આત્મહત્યાના કેસ વધારે પણ હોઇ શકે છે.