હાલમાં ભારતમાં ‘વન નેશન, વન ઈલેક્શન’ને બિલ ચર્ચાના કેન્દ્રમાં છે ત્યારે ‘વન નેશન, વન ઈલેક્શન’થી સરકારની તિજોરી કેવી રીતે ભરાશે તેમજ હાલમાં એક મત પાછળ કેટલો ખર્ચ થાય છે. જાણો તમામ વિગતો…
‘વન નેશન, વન ઈલેક્શન’ને લઈને સરકારના દાવાઓ
કેન્દ્ર સરકાર કહે છે કે ‘વન નેશન, વન ઈલેક્શન’થી સરકારનું કામ સરળ થઈ જશે. દેશમાં અવારનવાર ચૂંટણીના કારણે કામ અટકી જાય છે. કારણ કે ચૂંટણી જાહેર થતાની સાથે જ આચારસંહિતા લાગુ થઈ જાય છે. જેના કારણે પ્રોજેક્ટમાં વિલંબ થાય છે અને વિકાસના કામો પ્રભાવિત થાય છે. તો બીજી તરફ લોકસભા અને વિધાનસભાની ચૂંટણીઓ એક સાથે થવાના કારણે સરકાર નીતિ ઘડતર અને તેના અમલીકરણ પર વધુ ધ્યાન આપી શકશે. એટલું જ નહીં, દાવો કરવામાં આવી રહ્યો છે કે એકવાર ચૂંટણી યોજવાથી ખર્ચમાં ઘટાડો થશે અને ઓછા સંસાધનોની જરૂર રહેશે. આનાથી જે પૈસા બચશે તે દેશના વિકાસમાં ખર્ચવામાં આવશે.
- Advertisement -
રાજ્યો પર કોઈ નાણાકીય બોજ પડશે નહીં
રિપોર્ટ અનુસાર, ભારતમાં 1952થી 2023 દરમિયાન દર વર્ષે સરેરાશ 6 ચૂંટણીઓ યોજાઈ છે. આ આંકડો માત્ર લોકસભા અને વિધાનસભાની વારંવારની ચૂંટણીઓનો છે. જો સ્થાનિક ચૂંટણીઓનો સમાવેશ કરવામાં આવે તો દર વર્ષે ચૂંટણીની સંખ્યામાં અનેકગણો વધારો થશે. અહી દલીલ એવી છે કે એકસાથે ચૂંટણી થવાથી સરકાર, ઉમેદવારો અને પક્ષો દ્વારા ખાસ કરીને વિધાનસભાની ચૂંટણીમાં થતા ખર્ચમાં ઘટાડો થશે. એક સાથે ચૂંટણી યોજવાથી મતદાર નોંધણી અને મતદાર યાદી તૈયાર કરવાની કામગીરી સરળ બનશે. આ કાર્ય એક જ વારમાં યોગ્ય રીતે પૂર્ણ કરી શકાય છે. ઓછી ચૂંટણીના કારણે રાજ્યો પર કોઈ નાણાકીય બોજ પડશે નહીં.
શું છે વિપક્ષોની દલીલ
- Advertisement -
કેન્દ્ર સરકારના સામે વિપક્ષની આ બિલ અંગે દલીલો છે કે, દેશમાં ‘વન નેશન, વન ઈલેક્શન’ના અમલમાં અનેક પડકારો અને ખામીઓ છે. ખાસ કરીને કોંગ્રેસની દલીલ છે કે ભારત જેવા વિશાળ દેશમાં આ શક્ય નથી, કારણ કે દરેક રાજ્યમાં વિવિધ પડકારો અને મુદ્દાઓ છે. એક સાથે ચૂંટણીથી તેઓને અસર થશે. આ સાંસ્કૃતિક રીતે પણ અશક્ય છે. એકસાથે ચૂંટણી યોજવાથી પ્રાદેશિક રાજકીય પક્ષોની સંભાવનાઓ પર અસર પડી શકે છે, કારણ કે તેઓ સ્થાનિક મુદ્દાઓને મુખ્ય રીતે પ્રકાશિત કરી શકશે નહીં. તેઓ નાણાં અને ચૂંટણી વ્યૂહરચનાના સંદર્ભમાં રાષ્ટ્રીય પક્ષો સાથે ટક્કર કરી શકશે નહીં. પ્રાદેશિક રાજકીય પક્ષો પાસે મર્યાદિત સંસાધનો હોય છે, જ્યારે રાષ્ટ્રીય પક્ષો તેમના સંસાધનોને કારણે પ્રભુત્વ મેળવી શકે છે.
‘વન નેશન, વન ઈલેક્શન’નો સૌથી મોટો પડકાર
આ ઉપરાંત વિપક્ષોની દલીલ છે કે, બંધારણમાં સુધારો કર્યા વિના ભારતમાં ‘વન નેશન, વન ઈલેક્શન’નો અમલ શક્ય નથી, અને આ સુધારો તમામ રાજ્ય અને કેન્દ્રશાસિત પ્રદેશોની સરકારો દ્વારા મંજૂર થવો જોઈએ. ‘વન નેશન, વન ઈલેક્શન’નો સૌથી મોટો પડકાર વિવિધ રાજ્યોની વિધાનસભાની શરતોને લોકસભાની શરતો સાથે સમન્વય કરવાનો છે. મધ્યસત્ર ચૂંટણીઓ અથવા રાષ્ટ્રપતિ શાસન જેવી પરિસ્થિતિઓમાં, જો કોઈ પક્ષ બહુમતી મેળવવામાં નિષ્ફળ જાય, તો ‘વન નેશન, વન ઈલેક્શન’નો ખ્યાલ લાગુ કરવામાં આવે તો તેની સાથે કેવી રીતે વ્યવહાર કરવો તે અંગે કોઈ સ્પષ્ટતા નથી.
સરકારી તિજોરી કેવી રીતે ભરાશે?
એવું કહેવામાં આવી રહ્યું છે કે દેશમાં એક સાથે ચૂંટણી કરાવવાથી સરકારી તિજોરી પર ઓછો બોજ પડશે. દાવો કરવામાં આવે છે કે આનાથી બચેલા નાણાંનો ઉપયોગ ઔદ્યોગિક વિકાસ માટે કરવામાં આવશે. ‘વન નેશન, વન ઈલેક્શન’ના અમલથી દેશની જીડીપી પણ એકથી દોઢ ટકા વધી શકે છે.
પ્રથમ સામાન્ય ચૂંટણીનો ખર્ચ કેટલો થયો હતો
જો ચૂંટણી ખર્ચની વાત કરીએ તો તે ફુગાવાના સૂચકાંકના આધારે નક્કી કરવામાં આવે છે. ખર્ચ મર્યાદા વર્ષોથી સેવાઓ અને માલસામાનના ભાવમાં થયેલા વધારાના આધારે નક્કી કરવામાં આવે છે. વર્ષ 1951માં આઝાદી પછી દેશમાં પ્રથમ સામાન્ય ચૂંટણીઓ યોજાઈ હતી. આ ચૂંટણીમાં લગભગ 10.5 કરોડ રૂપિયાનો ખર્ચ કરવામાં આવ્યો હતો. ચૂંટણી પંચ અનુસાર, 1951માં કુલ 17.32 કરોડ મતદારો હતા, જે વર્ષ 2019માં વધીને 91.2 કરોડ થઈ ગયા હતા. આ ઉપરાંત પંચના જણાવ્યાનુસાર, 2024ની ચૂંટણી માટે 98 કરોડ મતદારોના નામ યાદીમાં હતા.
2019ની ચૂંટણીમાં આટલા રૂપિયાનો ખર્ચ થયો હતો
મોદી સરકાર 2014માં પહેલીવાર સત્તામાં આવી હતી. ચૂંટણી પંચના જણાવ્યા નુસાર, આ ચૂંટણી કરાવવામાં અંદાજે 3870 કરોડ રૂપિયાનો ખર્ચ કરવામાં આવ્યો હતો. અગાઉ 2009ની લોકસભા ચૂંટણીમાં 1114.4 કરોડ રૂપિયાનો ખર્ચ કરવામાં આવ્યો હતો. 2009ની સરખામણીમાં 2014માં ચૂંટણી ખર્ચ લગભગ ત્રણ ગણો વધ્યો હતો. 2019ની લોકસભા ચૂંટણીમાં લગભગ 6600 કરોડ રૂપિયાનો ખર્ચ થયો હતો.
એક મત આપવા માટે કેટલો ખર્ચ?
જો આપણે 2024ની લોકસભા ચૂંટણીમાં એક વોટ માટેના ખર્ચની ગણતરી કરીએ તો એ વાત સામે આવે છે કે જ્યારે 1951માં દેશમાં પહેલીવાર સામાન્ય ચૂંટણીઓ યોજાઈ ત્યારે લગભગ 17 કરોડ મતદારોએ ભાગ લીધો હતો. તે સમયે દરેક મતદાર પર 60 પૈસાનો ખર્ચ થયો હતો. જ્યારે આ ચૂંટણીમાં કુલ 10.5 કરોડ રૂપિયાનો ખર્ચ કરવામાં આવ્યો હતો. તો 2019ની લોકસભા ચૂંટણીમાં લગભગ 6600 કરોડ રૂપિયાનો ખર્ચ કરવામાં આવ્યો હતો, જ્યારે કુલ મતદારોની સંખ્યા લગભગ 91.2 કરોડ હતી. 2019ની લોકસભા ચૂંટણીમાં આ ખર્ચ વધીને 72 રૂપિયા પ્રતિ મતદાર થયો હતો. 2014ની ચૂંટણીમાં મતદાર દીઠ 46 રૂપિયાનો ખર્ચ થયો હતો. અગાઉ, 2009ની લોકસભા ચૂંટણીમાં, મતદાર દીઠ ખર્ચ 17 રૂપિયા હતો, અને 2004ની ચૂંટણીમાં, ખર્ચ પ્રતિ મતદાર દીઠ 12 રૂપિયા હતો. દેશમાં સૌથી ઓછી ખર્ચાળ લોકસભા ચૂંટણી 1957માં યોજાઈ હતી, ત્યારે ચૂંટણી પંચે માત્ર 5.9 કરોડ રૂપિયાનો ખર્ચ કર્યો હતો, એટલે કે દરેક મતદાર માટે ચૂંટણી ખર્ચ માત્ર 30 પૈસા હતો.
ચૂંટણી ખર્ચનો હિસાબ રાખવામાં આવે છે
લોકસભા ચૂંટણી 2024માં ઉમેદવાર વધુમાં વધુ 95 લાખ રૂપિયા ખર્ચી શક્તો હતો. જેમાં ચૂંટણી પ્રચાર, વાહનો, ભોજન-પાણી, તંબુ અને બેનરો-પોસ્ટરનો સમાવેશ થાય છે. ચૂંટણી દરમિયાન ગાયકો દ્વારા અને સોશિયલ મીડિયા પર આપવામાં આવતી જાહેરાતોનો પણ હિસાબ રાખવામાં આવે છે. હાલમાં, વિધાનસભા ચૂંટણી માટે આ રકમ ઉમેદવાર દીઠ મહત્તમ 40 લાખ રૂપિયા નક્કી કરવામાં આવી છે. અગાઉ, 2019ની લોકસભા ચૂંટણીમાં ખર્ચની મર્યાદા પણ મહત્તમ 95 લાખ રૂપિયા હતી, 2014ની લોકસભાની ચૂંટણીમાં તે 70 લાખ રૂપિયા હતી, 2009ની લોકસભાની ચૂંટણીમાં 25 લાખ રૂપિયા અને 2004ની લોકસભાની ચૂંટણીમાં 25 લાખ રૂપિયા હતી. દેશની પ્રથમ ચૂંટણી એટલે કે 1951માં એક ઉમેદવાર વધુમાં વધુ 25,000 રૂપિયાનો ખર્ચ કરી શકતો હતો.
ECએ ઘણી તૈયારીઓ કરવી પડશે
જો કે, હાલનો મુદ્દો દેશમાં એક સાથે ચૂંટણી યોજવાનો છે. ECએ પૂર્વ રાષ્ટ્રપતિ રામનાથ કોવિંદની અધ્યક્ષતાવાળી સમિતિને પોતાના રિપોર્ટમાં કહ્યું છે કે આ માટે ઘણી તૈયારીઓ કરવી પડશે. મતદાર યાદી અપડેટ કરવી, વોટિંગ મશીન ખરીદવા અને સુરક્ષા દળોની વ્યવસ્થા કરવી જેવા કેટલાક મહત્વપૂર્ણ કાર્યો છે.
લોકસભા અને વિધાનસભાનો ચૂંટણી ખર્ચ કોણ ઉઠાવે છે?
ઓક્ટોબર 1979માં કાયદો અને વ્યવસ્થા મંત્રાલય દ્વારા બહાર પાડવામાં આવેલી માર્ગદર્શિકા અનુસાર, કેન્દ્ર સરકાર લોકસભાની ચૂંટણીનો સંપૂર્ણ ખર્ચ ઉઠાવે છે. તેવી જ રીતે, રાજ્યની વિધાનસભા ચૂંટણીનો ખર્ચ સંપૂર્ણપણે રાજ્ય સરકાર દ્વારા ઉઠાવવામાં આવે છે. હવે જો રાજ્ય અને લોકસભાની ચૂંટણીઓ એકસાથે યોજાય તો ખર્ચ રાજ્ય અને કેન્દ્ર વચ્ચે સમાન રીતે વહેંચવામાં આવે છે. નોંધનીય છે કે, ECએ 2029માં ONOE માટે કેન્દ્રીય સુરક્ષા દળોની તૈનાતી માટે 50 ટકા વૃદ્ધિનો અંદાજ મૂક્યો છે. આ માટે અંદાજે 7 લાખ સુરક્ષા કર્મચારીઓની જરૂર પડી શકે છે. EVM અને VVPAT સ્ટોર કરવા માટે દેશભરમાં 800 વધારાના વેરહાઉસની પણ જરૂર પડશે.
હવે ચાલો જાણીએ કે વન નેશન વન ઇલેક્શન લાગુ થશે તો શું થશે?
- કેન્દ્ર સરકાર લોકસભા ચૂંટણી 2029 પછી તારીખ નક્કી કરશે.
- આ તારીખે જ તમામ રાજ્યોની વિધાનસભાઓનું વિસર્જન કરવામાં આવશે.
- આ પછી, પ્રથમ તબક્કામાં, લોકસભાની મુદત અનુસાર તમામ વિધાનસભાઓ માટે ચૂંટણી યોજાશે.
- 100 દિવસમાં બીજા તબક્કામાં નગરપાલિકા અને પંચાયતની ચૂંટણી યોજાશે.
- આ તમામ ચૂંટણીઓ માટે એક જ મતદાર યાદી હશે.
- લોકશાહીમાં કોઈપણ સરકાર પડી શકે છે. આવી સ્થિતિમાં, જો અવિશ્વાસ પ્રસ્તાવને કારણે લોકસભા અથવા કોઈપણ વિધાનસભા ભંગ કરવામાં આવે છે, તો એવું સૂચન કરવામાં આવ્યું છે કે ગૃહમાં જેટલો સમય બાકી છે તેટલા જ સમયગાળા માટે નવી ચૂંટણીઓ યોજવી જોઈએ.
આઝાદી પછી એક સાથે ચૂંટણીઓ યોજાઈ હતી
ભારતની આઝાદી પછી 1952, 1957, 1962 અને 1967માં એક સાથે ચૂંટણીઓ યોજાઈ હતી . જો આપણે અન્ય દેશોની વાત કરીએ તો, દક્ષિણ આફ્રિકામાં દર 5 વર્ષે એક સાથે રાષ્ટ્રીય અને પ્રાંતીય ચૂંટણીઓ યોજાય છે. સ્વીડનમાં દર ચાર વર્ષે રાષ્ટ્રીય, પ્રાંતીય અને સ્થાનિક ચૂંટણીઓ એકસાથે યોજાય છે. ઈંગ્લેન્ડમાં પણ ફિક્સ્ડ ટર્મ પાર્લામેન્ટ એક્ટ, 2011 હેઠળ ચૂંટણીનું નિશ્ચિત સમયપત્રક છે. જર્મની અને જાપાનમાં પહેલા વડાપ્રધાન પસંદગી એક સાથે થાય છે, પછી બાકીની ચૂંટણીઓ યોજાય છે. તેવી જ રીતે ઈન્ડોનેશિયામાં પણ રાષ્ટ્રપતિ અને ઉપરાષ્ટ્રપતિની ચૂંટણી એક સાથે યોજાય છે.