ભગવાન શિવનું અર્ધનારીશ્વર સ્વરૂપ મને પ્રિય છે. પંચાક્ષરી મંત્રોચ્ચાર કરતી વખતે પણ મારા મનમાં શિવ અને પાર્વતી એકમેકમાં સમાહિત હોય છે. જો જળ અને તેની ભીનાશને એકબીજાથી અલગ પાડી શકાય તો શિવ-પાર્વતીને અલગ રીતે જાણી શકાય. પુરાણકથામાં ભૃંગી નામના ઋષિનો ઉલ્લેખ છે. તેઓ ભગવાન શિવના પરમ ભક્ત હતા. તેઓ એટલી હદે શિવકેન્દ્રી હતા કે અન્ય કોઇ દેવી-દેવતાને (શિવપત્ની પાર્વતીને પણ) પૂજવા તૈયાર ન હતા. કહેવાય છે કે એમની અનન્ય શિવભક્તિને કારણે તેમને કૈલાસ પર્વત પર આયોજાતી જ્ઞાનસભામાં ઉપસ્થિત રહેવાનો પણ અધિકાર હતો. આવી જ એક જ્ઞાનસભામાં શિવજીની સાથે મા પાર્વતી પણ પધાર્યાં હતાં. જ્ઞાનસભમાં પધારેલા તમામ ઋષિઓએ શિવ અને પાર્વતીને પ્રણામ કરીને બંનેની પ્રદક્ષિણા કરી. પરંતુ ભૃંગીએ માત્ર શિવને પ્રણામ કરીને એમની જ પ્રદક્ષિણા કરી. પોતાના અનન્ય ભક્તને બોધ આપવા માટે શિવજીએ દેવીને પોતાની અંદર સમાવી લીધાં અને અર્ધનારીશ્વર રૂપ પ્રગટ કર્યું. ભૃંગી તો પણ ન સમજ્યા. એણે ભમરાનું રૂપ લીધું અને નર-નારીનાં શરીરોને વચ્ચેથી વીંધીને એકલા શિવજીની પ્રદક્ષિણા કરી. આટલી હદે પોતાનો તિરસ્કાર થયો તેમ છતાં દેવી કોપાયમાન ન થયાં. તેમણે ભૃંગીને શાપ આપવાને બદલે વરદાન આપ્યું, “તમે જેનો તિરસ્કાર કરી રહ્યા છો તે વારંવાર ન કરવો પડે એ માટે હું તમને મારી પ્રકૃતિથી મુક્ત કરું છું.” આ સાથે જ ઋષિ ભૃંગીનું પ્રકૃતિમય શરીર રાખમાં ફેરવાઇ ગયું. ભૃંગીના સ્થાન પર માત્ર ભસ્મ રહી હતી. ઋષિને હવે સત્ય સમજાયું. તેમણે દેવીની ક્ષમા માગી. દેવીએ તેમને પ્રકૃતિમય શરીર પરત કર્યું. આ સમયે ભગવાન શિવે કહ્યું, “જે કોઇ ભક્ત મારા અને પાર્વતીનાં સ્વરૂપમાં ભેદ જુએ છે તે મૂર્ખ અને અજ્ઞાની છે. આવા ભક્તને મારી ભક્તિ કરવા છતાં કોઇ ફળ પ્રાપ્ત નહીં થાય.”
શિવ-પાર્વતીનાં સ્વરૂપમાં ભેદ જુએ છે તે મૂર્ખ અને અજ્ઞાની
Follow US
Find US on Social Medias