સિવિલ હોસ્પિટલની અંદર તો લોકો પોતાના કામ માટે આવી શકશે પરંતુ કારણ વગર કોવિડ એરિયામાં એન્ટ્રી કરી શકશે નહિ

દર્દીના સગા માટે ચૌધરી હાઇસ્કૂલમાં ૧૦ રૂમ અને મંડપની સુવિધા : ચૌધરી હાઇસ્કૂલ અને સિવિલ હોસ્પિટલ વચ્ચેની દિવાલ તોડીને રસ્તો ઉભો કરાયો છે

સિવિલ હોસ્પિટલમાં આવેલી કોવિડ-૧૯ હોસ્પિટલમાં દાખલ કોરોનાના દર્દીઓની સુવિધા માટે આરોગ્ય સચિવ ડો. જયંતિ રવિએ અનેક નિર્ણયો લીધા છે. સિવિલની કોવિડ હોસ્પિટલને રેડ ઝોનમાં લેવામાં આવી છે. એટલે કે સિવિલ હોસ્પિટલની અંદર તો લોકો પોતાના કામ માટે આવી શકશે પરંતુ કારણ વગર કોવિડ એરિયામાં એન્ટ્રી કરી શકશે નહિ. કોરોનાના દર્દીઓના સગાઓ માટે પણ ચૌધરી હાઇસ્કૂલમાં બેસવાની વ્યવસ્થા કરવામાં આવી છે. તેમજ દર્દીઓને લઇને આવતી ૧૦૮ તથા બીજી એમ્બ્યુલન્સને એન્ટ્રી ચૌધરી હાઇસ્કૂલના ગેઇટમાંથી જ કરવાની રહેશે. દર્દીઓના સગાઓને પાસથી એન્ટ્રીનો અમલ પણ આજથી શરૂ થઇ ગયો છે.

હોસ્પિટલના તંત્રવાહકો સાથે ડીસીપી મનોહરસિંહ જાડેજાએ પ્ર.નગર પીઆઇ એલ. એલ. ચાવડા અને હેડકવાર્ટરના પીઆઇ કોટડીયા સહિતના સાથે બેઠકો યોજી હતી અને કોવિડ એરિયામાં કારણવગર કોઇ પ્રવેશી ન શકે તે માટેની અને હોસ્પિટલ એરિયામાં પણ સુરક્ષા વ્યવસ્થા સહિતની બાબતોનો ખ્યાલ રાખવા સ્ટાફને સુચનો આપ્યા છે. અત્યાર સુધી કોવિડના દર્દીઓને લઇને એમ્બ્યુલન્સ સિવિલના મુખ્ય પ્રવેશદ્વાર એટલે કે એસબીઆઇ બેંકવાળા અને જામનગર રોડ રેલ્વે હોસ્પિટલવાળા ગેઇટમાંથી આવતી હતી. પરંતુ હવેથી આ એમ્બ્યુલન્સ તથા ૧૦૮ એમ્બ્યુલન્સની એન્ટ્રી ચૌધરી હાઇસ્કૂલના ગેઇટમાંથી અપાશે. આ માટે ચૌધરી હાઇસ્કૂલ અને સિવિલ હોસ્પિટલ વચ્ચેની દિવાલ તોડીને રસ્તો ઉભો કરાયો છે.

દર્દીઓના સગાઓને બેસવા માટેની વ્યવસ્થા પણ ચૌધરી હાઇસ્કૂલમાં ઉભી કરવામાં આવી છે. અહિ દસ રૂમો ખોલાવી નાંખવામાં આવ્યા છે. પાણી-સંડાસ બાથરૂમ સહિતની વ્યવસ્થા ઉભી કરવામાં આવી છે. આ ઉપરાંત મંડપો પણ ઉભા કરાયા છે. કોવિડમાં કારણ વગર ગીરદી ન રહે અને ગમે તે લોકો આવ-જા કર્યા ન કરે તે માટે રેડઝોન જાહેર કરી કડક સિકયુરીટી અને પોલીસ સ્ટાફની ટીમો સતત ફરજ બજાવે તેવી વ્યવસ્થા ઉભી કરવામાં આવી છે. અંદર કોરોના વોરિયર્સ તબિબો અને નર્સિંગ સ્ટાફની ટીમો તથા બહાર પોલીસ અને સિકયુરીટીની ટીમો કામ કરશે.

કોવિડમાં દર્દીઓને મળવા માટેનો સમય સવારે ૧૦ થી ૧૨ અને સાંજે ૪ થી ૬નો રાખવામાં આવ્યો છે. આ સમય દરમિયાન એક દર્દીને એક સગા પાસ દેખાડીને મળી શકશે (વિડીયો કોલિંગની સુવિધાથી), તેમજ સગાઓને પોતાના દાખલ સ્વજન સુધી કોઇ ચીજવસ્તુ પહોંચાડવાની હશે તો તે પણ આ સમય દરમિયાન પહોંચાડી શકાશે. આ સિવાયના કોઇ સમયમાં દર્દીઓને મળી શકાશે નહિ કે વાત થઇ શકશે નહિ. ખાસ ઇમર્જન્સી જેવું હશે તો સામેથી દર્દીના સ્વજનને ફોથી જાણ કરવામાં આવશે.