દર વર્ષે 1,22,724 જેટલા પુરુષો આત્મહત્યા કરવા મજબુર બન્યા
ખાસ-ખબર ન્યૂઝ રાજકોટ
“સમાનતા ફાઉન્ડેશન-ગુજરાત” સંસ્થા દ્વારા તા. 01-02-2025 શનિવારે ડો. આંબેડકર સ્ટેચ્યુ, હોસ્પિટલ ચોકથી લીમડા ચોક ત્રિકોણ બાગ ખાતે રેલી યોજી એક કાર્યક્રમનું આયોજન કર્યું હતું. જેમાં જસ્ટિસ ફોર અતુલ સુભાષ અને પુનિત ખુરાનાને શ્રદ્ધાંજલિ અર્પણ કરી, કલમ -498ક કાયદો નાબૂદ કરવા અથવા કાયદામાં સુધારો લાવવા માટેની ન્યાયની લડત માટે કેન્ડલ માર્ચ રેલી યોજીને લગ્નના શહીદો માટે બે મિનિટનું મૌન પાળ્યું હતું. માનવ અધિકારના મુદ્દા પર સમાજમાં એકતા, સહાનુભૂતિ લાવવા અને દેશમાં પક્ષપાતી કાયદાનો ભોગ બનેલા સેંકડો શહીદોની યાદમાં આ શ્રદ્ધાંજલિ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું. આ કાર્યક્રમના માધ્યમથી દેશમાં વિવિધ કમિશનની જેમ – માનવ અધિકારના યોગ્ય જતન ખાતર પુરુષો માટે પણ “પુરુષ આયોગ” બનાવવામાં આવે તેવી સરકાર પાસે ખાસ માંગણી કરવામાં આવી હતી. આ કાર્યક્રમમાં 40 જેટલાં સભ્યોએ ભાગ લીધો હતો તેમજ રાજકોટ પેરામિલિટરીના મહિલા-પુરુષ જવાનોએ ભાગ લીધો હતો.