મહિલાઓ સાથે થતી જાતીય સતામણી અટકાવવા માહિતગાર કરાયા
ખાસ-ખબર ન્યૂઝ સુરેન્દ્રનગર, તા.3
સુરેન્દ્રનગર જિલ્લામાં મહિલા અને બાળ અધિકારીનાં માર્ગદર્શન હેઠળ “સંકલ્પ” હબ ફોર એમ્પાવરમેન્ટ ઓફ વિમેન યોજના અંતર્ગત જિલ્લાની આરસેટી સંસ્થા ખાતે “મહિલાઓ વિરુદ્ધ થતી હિંસા નાબૂદી” અન્વયે કાર્યક્રમ યોજવામાં આવ્યો હતો. જેમાં કામકાજના સ્થળે મહિલાઓ સાથે થતી જાતીય સતામણી અટકાયત અધિનિયમ 2013 તથા જઇંઊ -ઇજ્ઞડ પર ફરિયાદ કરવા અંગે સેમિનારનું આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં કાર્યક્રમની શરૂઆત જિલ્લા મિશન કોર્ડીનેટર દ્વારા કામકાજના સ્થળે મહિલાઓની જાતીય સતામણી અધિનિયમ – 2013ની વિસ્તૃત જાણકારી આપવામાં આવી હતી. જ્યારે ડી.એચ.ઇ.ડબલ્યુ ટીમ દ્વારા મહિલા અને બાળ અધિકારીની કચેરીમાં ચાલતી મહિલાલક્ષી યોજનાઓ જેવી કે, મહિલા સ્વાવલંબન યોજના, ગંગા સ્વરૂપા આર્થિક સહાય યોજના, ગંગા સ્વરૂપા પુન: લગ્ન આર્થિક સહાય યોજના, બેટી બચાવો બેટી પઢાવો યોજના, વ્હાલી દિકરી યોજના વગેરે મહિલાલક્ષી યોજના અંગેની માહિતી આપવામાં આવી હતી. અત્રે નોંધનીય છે કે, મહિલા અને બાળ વિકાસ વિભાગ, ગાંધીનગર દ્વારા 25 નવેમ્બર થી 10 ડીસેમ્બર, 2024 સુધી “મહિલાઓ વિરુદ્ધ થતી હિંસા નાબૂદી અભિયાન” અંતર્ગત જુદા જુદા સ્થળોએ જનજાગૃતિ કાર્યક્રમો દ્વારા લોકોમાં જાગૃતતા લાવવાનાં પ્રયાસો હાથ ધરવામાં આવી રહ્યા છે.