- ધિરાણ નીતિ સમીક્ષા બેઠક શરૂ
રીટેઈલ મોંઘવારી હળવી થયાના સંકેતો તથા આર્થિક વિકાસ- વૃદ્ધિદરને જોર આપવા માટે રિઝર્વ બેંક વ્યાજદર વધારાનો આક્રમક અભિગમ ઢીલો કરી શકે છે. બુધવારે રિઝર્વ બેંકની વ્યાજદર વધારા ધિરાણનીતિની સમીક્ષા માટે બેઠક છે. નિષ્ણાંતોના કહેવા પ્રમાણે સળંગ ત્રણ વખત રેપોરેટમાં 0.50 ટકાના વધારા બાદ હવે 0.25 થી 0.35 ટકાનો વધારો સંભવિત છે.
રિઝર્વ બેંકની ધિરાણનીતિ સમીતીની બેઠક આજથી શરૂ થઈ છે. ત્રણ દિવસના પરામર્શ બાદ બુધવારે ફેંસલો જાહેર કરશે. રિઝર્વ બેંકે મોંઘવારીને કાબુમાં લેવા પર ફોકસ રાખીને ચાલુ વર્ષના મે મહિનાથી અત્યાર સુધીમાં રેપોરેટમાં 1.90 ટકાનો વધારો કરી દીધો છે. બુધવારે હજુ વધારો સંભવ છે અને ત્યારબાદ ફેબ્રુઆરીમાં રેપોદર વધારવામાં આવે તેવી શકયતા છે.
- Advertisement -
બેંક ઓફ બરોડાના અર્થશાસ્ત્રી મદન સબનવીસના કહેવા પ્રમાણે રિઝર્વ બેંક આ વખતે પણ રેપો દર વધારી શકે છે. એટલું જ નહીં, ફેબ્રુઆરીમાં પણ વધુ એક વધારો શકય છે. નિષ્ણાંતોના કહેવા પ્રમાણે છેલ્લા એકાદ માસથી ફુગાવો ઘટયો છે અને તેમાં વધુ ઘટાડો શકય છે. બુધવારે રેપોદરમાં 0.25 ટકાનો જ વધારો થવાનું અનુમાન છે. દેશમાં ખેતી સીઝન છે. વૈશ્વિકસ્તરે પણ કેટલીક ચીજોના ભાવ નીચા આવ્યા છે. મોંઘવારી નરમ પડી રહી હોવાથી રિઝર્વ બેંકે વ્યાજદર વધારો ધીમો કરે તેમ મનાય છે.
ભારત જ નહીં અમેરિકામાં પણ હવે વ્યાજદરમાં આક્રમક વધારાના અભિગમને બ્રેક લાગી શકે છે. ફંડ રિઝર્વના વડાએ જ આ સંકેત આપ્યો હોવાની સારી નિશાની છે.