CM રૂપાણીની ગુંડાઓને ચેતવણી, “ગુંડાગર્દી નહીં છોડો તો ગુજરાત છોડવું પડશે!”

ગૌવંશ હત્યારાઓને સબક શીખવતો સખ્ત કાનૂન, ભ્રષ્ટાચારી અધિકારીઓ અને કર્મચારીઓ સામે અતિ કડક કાર્યવાહી પછી હવે નવા કાયદા દ્વારા અસામાજિક તત્વોને દસેય દિશાઓથી ઘેરવા CM રૂપાણી મેદાને!

ગુંડામુક્ત ગુજરાત બનાવવાની દિશામાં મુખ્યમંત્રી વિજયભાઈ રૂપાણીએ ઐતિહાસિક પ્રસ્તાવ મંજૂર કર્યો : આવારા તત્વોનું આવી બનશે

ગુજરાતના મુખ્યમંત્રી વિજયભાઈ રૂપાણી જેટલા સંવેદનશીલ છે એટલા જ સખ્ત પણ છે. અને એટલે જ એમણે ગુજરાતને ગુંડામુક્ત બનાવવા એક ઐતિહાસિક એક્ટ મંજૂર કર્યો છે. ગેરકાયદે ધીરધાર, વધુ ઊંચા વ્યાજ વસુલાત અને જુગાર જેવી બદીઓને પાસાના કાયદા હેઠળ લાવવાના પ્રસ્તાવને મંજૂર કર્યા બાદ ગુજરાતના મુખ્યમંત્રી વિજયભાઈ રૂપાણીએ હવે ગુંડા તત્વો સામે લાલ આંખ કરી છે. મુખ્યમંત્રીશ્રીએ ગુંડાઓને તાકીદ કરી છે કે આગામી સમયમાં ગુંડાગર્દી નહીં છોડો તો ગુજરાત છોડવું પડશે. ગુંડામુક્ત ગુજરાત બનાવવા આજ રોજ મુખ્યમંત્રી વિજયભાઈ રૂપાણીએ ગુંડા વિરોધી કડક કાયદા માટે ધ ગુજરાત ગુંડા એન્ડ એન્ટી સોશિયલ એક્ટિવિટીઝ (પ્રિવેન્શન) એક્ટને મંજૂરી આપી દીધી છે. આ કાયદા અંતર્ગત પોલીસની સત્તા પણ વધારવામાં આવશે અને હાલના પાસા એક્ટમાં પણ ધરખમ ફેરફારો થશે. ઉલ્લેખનીય છે કે, અગાઉ મુખ્યમંત્રી વિજયભાઇ રૂપાણીએ ભ્રષ્ટાચાર વિરૂદ્ધ સંગ્રામ માંડતા એન્ટીકરપ્શનની કામગીરીને વધુ ધારદાર બનાવી છે. એ.સી.બી.ને આધુનિક ટેકલોલોજીના ઉપયોગથી ભ્રષ્ટ અધિકારી/કર્મચારીઓ સામે કામ ચલાવવા વ્યાપક સત્તાઓ આપી છે. ભ્રષ્ટ અધિકારીઓ/કર્મચારીઓમાં ફફડાટ ફેલાયો છે. બીજી તરફ ગૌવંશ હત્યા વિરુદ્ધનો અતિ સખ્ત કાનૂન પણ તેમણે અમલી બનાવ્યો છે. આમ ગુંડા તત્વો, જમીન કૌભાંડકારો-ભૂમાફિયાઓ, ગૌવંશના હત્યારા સહિત દરેક અસામાજિક તત્વોને દશે દિશાએથી ભિડવવાનો અભિગમ મુખ્યમંત્રીએ કાયદાઓના કડક અમલીકરણથી અપનાવ્યો છે.

મુખ્યમંત્રી વિજયભાઈ રૂપાનીના નેતૃત્વમાં ગુજરાત વિકાસનું રોલ મોડેલ દેશ અને દુનિયા માટે બન્યું છે ત્યારે શાંતિ, સલામતિ અને સમૃદ્ધિ સાથે વિકાસની ગતિ વધુ વેગવંતી બનાવવામાં આ વટહુકમ નવું પ્રેરક બળ બનશે. મુખ્યમંત્રીશ્રીએ ધ ગુજરાત ગુંડા એન્ડ એન્ટી સોશિયલ એક્ટિવિટીઝ (પ્રિવેન્શન) એકટનો અમલ કરાવીને રાજ્યમાં જે ગુંડા તત્વો નિર્દોષ નાગરિકોને રંજાડે છે તેવા માથાભારે લોકો સામે પણ કાનૂની સકંજો કસી ગુજરાતને અપરાધમુકત, સલામત, સુરક્ષિત અને સમૃદ્ધ બનાવી ઉત્તમથી સર્વોત્તમ તરફ લઈ જવા સંપૂર્ણ પ્રતિબદ્ધ છે એવું સાબિત કરી આપ્યું છે. મુખ્યમંત્રી વિજયભાઈ રૂપાણીએ મંજૂર કરેલા ધ ગુજરાત ગુંડા એક્ટની જોગવાઈઓ સાથેની કેટલીક મહત્વપૂર્ણ બાબત આ મુજબ છે.

ગુંડાગીરી કરનારા તત્વોને ૧૦ વર્ષ સુધીની સખત કેદ અને પ૦ હજાર રૂપિયાનો દંડ કરાશે

ગુંડાઓ સામેના કેસ ચલાવી ઝડપી ન્યાયિક તપાસની કાર્યવાહી અને સજા માટે સ્પેશિયલ કોર્ટની રચના કરાશે

ગુંડા તત્વો દ્વારા મેળવવામાં આવેલી મિલકત જિલ્લા મેજિસ્ટ્રેટ ટાંચમાં લઇ શકશે

સાક્ષીઓને પુરતું રક્ષણ આપી નામ-સરનામા ગુપ્ત રાખવામાં આવશે

ગુનો નોંધતા પહેલા સંબંધિત રેન્જ આઇ.જી અથવા પોલીસ કમિશનરની પૂર્વ મંજૂરી આવશ્યક

દારૂનો વેપાર, જુગાર, ગાયોની કતલ, નશાનો વેપાર અનૈતિક વેપાર, માનવ વેપાર, બનાવટી દવાનું વેચાણ, વ્યાજખોરી, અપહરણ, ગેરકાયદે કૃત્યો આચરવા કે ગેરકાયદેસર હથિયારો રાખવા જેવી બદીઓને નશ્યત કરવા કડક કાયદાકીય જોગવાઇઓ કરાશે

પાસાની જોગવાઇઓનો વ્યાપ વિસ્તારી મહત્વપૂર્ણ સુધારાના વટહુકમ દરખાસ્ત સાથે શાંત-સલામત, સુરક્ષિત-સમૃદ્ધ ગુજરાતના નિર્માણમાં વધુ એક નક્કર કદમ

રાજ્યની વિકાસયાત્રામાં અવરોધક બનનારા- જાહેર વ્યવસ્થાને ખલેલ પહોચાડનારા-હિંસા-ધાકધમકી-બળજબરીથી નિર્દોષ નાગરિકોનું શોષણ કરનારા ગુંડા તત્વોની પ્રવૃત્તિઓને સખ્તાઇથી ડામી દેવા મુખ્યમંત્રીનો નિશ્ચય

ગુંડાઓ-જમીન કૌભાંડકારો-ભ્રષ્ટ કર્મચારીઓ તથા ગૌવંશના હત્યારાઓને કાયદાના કડક અમલીકરણથી નશ્યત-નેસ્તનાબૂદ કરવાનો વિજયભાઈ રૂપાણીનો નક્કર અભિગમ.